૨ કાળવૃત્તાંત 25 - પવિત્ર બાઇબલ C.L.યહૂદિયાનો રાજા અમાસ્યા ( ૨ રાજા. 14:2-6 ) 1 અમાસ્યા પચીસ વર્ષની વયે રાજા થયો અને તેણે યરુશાલેમમાં ઓગણત્રીસ વર્ષ રાજ કર્યું. તેની માતા યહોઆદ્દીન યરુશાલેમની હતી. 2 પ્રભુની દૃષ્ટિએ, યથાયોગ્ય આચરણ તો કર્યું, પણ સાચા દિલથી નહિ. 3 તેની રાજ -સત્તા પર પકડ બેઠી કે તેણે તેના પિતાનું ખૂન કરનાર અધિકારીઓને મારી નાખ્યા. 4 જો કે તેણે તેમનાં સંતાનોને મારી નાખ્યાં નહિ પણ મોશેના નિયમશાસ્ત્રમાં આપેલા પ્રભુના આ ફરમાનનું અનુસરણ કર્યું: “સંતાનોના ગુના માટે માબાપને અથવા માબાપના ગુના માટે સંતાનોને મારી નાખવાં નહિ; પ્રત્યેક જણ માત્ર પોતે કરેલા પાપને લીધે જ માર્યો જાય.” અદોમ વિરુદ્ધ લડાઈ ( ૨ રાજા. 14:7 ) 5 અમાસ્યાએ યહૂદા અને બિન્યામીનના કુળોના સર્વ પુરુષોને તેમના ગોત્ર પ્રમાણે લશ્કરી એકમોમાં ગોઠવ્યા અને પ્રત્યેક હજાર હજારના અને પ્રત્યેક સો સોના એકમ પર સેનાધિકારીઓ મૂક્યા. એમાં વીસ વર્ષ કે તેથી વધારે ઉંમરના ભાલા અને ઢાલ વાપરવામાં કુશળ હોય એવા એકંદરે ત્રણ લાખ પુરુષો હતા. 6 વળી, તેણે ઇઝરાયલ પાસેથી ત્રણ હજાર ચારસો કિલો ચાંદી આપી એક લાખ સૈનિકો ભાડે રાખ્યા. 7 પણ એક ઈશ્વરભક્તે આવીને રાજાને કહ્યું, “આ ઇઝરાયલી સૈનિકોને તમારી સાથે લેશો નહિ. ઉત્તરના રાજ્યમાંથી એફ્રાઈમીઓની આગેવાની હેઠળ આવેલા આ સૈનિકો સાથે પ્રભુ નથી. 8 તમે કદાચ એમ માનતા હશો કે એમને લીધે લડાઈમાં મારી પકડ મજબૂત થશે; બાકી હાર કે જીત પમાડવી એ તો ઈશ્વરના હાથની વાત છે, અને તે તમને તમારા શત્રુઓ આગળ હાર પમાડશે.” 9 પણ અમાસ્યાએ ઈશ્વરભક્તને કહ્યું, “પણ મેં ઇઝરાયલી સેના માટે ચૂકવી દીધેલી ચાંદીનું શું?” ઈશ્વરભક્તે જવાબ આપ્યો, “પ્રભુ તમને એથીયે વિશેષ આપી શકે તેમ છે.” 10 તેથી અમાસ્યાએ એફ્રાઈમની આગેવાની હેઠળ આવેલા ઇઝરાયલી સૈન્યના માણસોને પોતપોતાને ઘેર પાછા જતા રહેવા જણાવ્યું, એથી તેઓ યહૂદિયાના લોકો પર ખૂબ ક્રોધે ભરાઈને ઘેર જતા રહ્યા. 11 પછી અમાસ્યા પૂરી હિંમત રાખીને પોતાના સૈન્યને મીઠાની ખીણમાં દોરી ગયો. ત્યાં યુદ્ધમાં તેમણે દશ હજાર અદોમી સૈનિકોને મારી નાખ્યા. 12 અને બીજા દશ હજાર સૈનિકોને કેદ પકડયા. તેમણે કેદી સૈનિકોને સેલા નગર પાસેની કરાડની ટોચે લઈ જઈને ત્યાંથી તેમને નીચે ફેંક્યા, જેથી તેઓ નીચાણમાંના ખડકો પર પટકાઈને મરી ગયા. 13 દરમ્યાનમાં જે ઇઝરાયલી સૈનિકોને અમાસ્યાએ પોતાની સાથે લડાઈમાં આવવા દીધા નહોતા, તેમણે સમરૂન અને બેથ-હોરોનની વચ્ચેના યહૂદિયાનાં નગરો પર હુમલો કરી ત્રણ હજાર પુરુષોને મારી નાખ્યા અને મોટી લૂંટ પ્રાપ્ત કરી. 14 અદોમીઓને હરાવીને અમાસ્યા પાછો ફર્યો ત્યારે પોતાની સાથે તેમની મૂર્તિઓ લેતો આવ્યો. તેણે તેમની સ્થાપના કરી તેમની ભક્તિ કરી અને તેમની આગળ ધૂપ બાળ્યો. 15 તેથી અમાસ્યા પર પ્રભુનો કોપ ભભૂકી ઊઠયો. તેમણે પોતાના એક સંદેશવાહકને અમાસ્યા પાસે મોકલ્યો. સંદેશવાહકે પૂછયું, “તારા હાથમાંથી પોતાના લોકને પણ બચાવી ન શકનાર એવા પારકા દેવોનો આશરો કેમ લીધો છે?” 16 અમાસ્યા વચમાં બોલી ઊઠયો, “અમે તને રાજાનો સલાહકાર ક્યારે બનાવ્યો? ચૂપ થા! તું શા માટે જાણી બૂજીને મોત માગે છે?” તે પછી સંદેશવાહક માત્ર આટલું જ બોલ્યો: “હવે મને ખબર પડી કે આ બધાં કાર્યોને લીધે અને મારી સલાહ નહિ ગણકારવાને લીધે ઈશ્વરે તારો વિનાશ કરવાનો નિર્ણય કર્યો છે.” ઇઝરાયલ સામે લડાઈ ( ૨ રાજા. 14:8-20 ) 17 યહૂદિયાના રાજા અમાસ્યા અને તેના સલાહકારોએ ઇઝરાયલ વિરુદ્ધ કાવતરું ઘડયું. પછી તેણે યેહુના પૌત્ર અને યહોઆહાઝના પુત્ર ઇઝરાયલના રાજા યોઆશને યુદ્ધનો પડકાર ફેંક્તો સંદેશો મોકલ્યો. “ચાલ, મારી સામે આવી જા!” 18 ઇઝરાયલના રાજા યોઆશે યહૂદિયાના રાજા અમાસ્યાને પ્રત્યુત્તર પાઠવ્યો: “એકવાર લબાનોનના પહાડીપ્રદેશમાં એક ઝાંખરાએ ગંધતરુના વૃક્ષને સંદેશો મોકલ્યો, ‘તારી પુત્રીને મારા પુત્ર સાથે પરણાવ. એવામાં ત્યાં થઈને એક જંગલી જાનવર પસાર થયું અને તેણે પેલા ઝાંખરાને કચડી નાખ્યું. 19 અમાસ્યા, અદોમીઓને હરાવ્યા હોવાથી હવે તું બડાઈ હાંકે છે! છાનો માનો બેસી રહે ને! તું શા માટે તારી તથા તારા લોકોની પાયમાલી નોતરે છે?” 20 પણ અમાસ્યાએ તેનું કહેવું ગણકાર્યું નહિ. અમાસ્યાએ અને તેના લોકે અદોમી દેવોની ભક્તિ કરી હોવાથી ઈશ્વરે તેમને તેમના શત્રુઓને હાથે હાર પમાડવાનો નિર્ધાર કર્યો હતો. 21 તેથી ઇઝરાયલનો રાજા યોઆશ યહૂદિયાના રાજા અમાસ્યા સામે યુદ્ધ કરવા ગયો. તેઓ યહૂદિયાના બેથશેમેશમાં સામસામા આવી ગયા. 22 યહૂદિયાનું સૈન્ય હારી ગયું અને સૈનિકો પોતપોતાને ઘેર નાસી ગયા. 23 યોઆશ બેથશેમેશથી અમાસ્યાને પકડીને યરુશાલેમ લઈ ગયો. ત્યાં તેણે એફ્રાઈમના દરવાજાથી માંડીને ખૂણાના દરવાજા સુધી નગરની લગભગ બસો મીટરની દીવાલ તોડી પાડી. 24 વળી, પ્રભુના મંદિરમાંનું સઘળું સોનુંચાંદી, ઓબેદ- અદોમના વંશજોના સંરક્ષણ હેઠળ રહેતી મંદિરની સાધનસામગ્રી અને રાજમહેલના ભંડારોની સંપત્તિ એ બધું લૂંટી લઈ પાછો સમરૂન જતો રહ્યો. તે પોતાની સાથે કેટલાકને બાનમાં પણ પકડી ગયો. 25 યહૂદિયાનો રાજા અમાસ્યા ઇઝરાયલના રાજા યોઆશ કરતાં પંદર વર્ષ વધુ જીવ્યો. 26 અમાસ્યાએ તેના અમલની શરૂઆતથી તેના અંત સુધી કરેલાં બધાં કાર્યો યહૂદિયા અને ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં લખેલાં છે. 27 તેણે પ્રભુની વિરુદ્ધ બંડ પોકાર્યું ત્યારથી યરુશાલેમમાં તેની વિરુદ્ધ કોઈને કોઈ કાવતરું ઘડાતું. છેવટે તે લાખીશ નગરમાં નાસી ગયો, પણ તેના શત્રુઓએ તેનો પીછો કર્યો અને તેને મારી નાખ્યો. 28 તેનો મૃતદેહ ઘોડા ઉપર યરુશાલેમ લઈ જવાયો અને ત્યાં તેને તેના પૂર્વજો સાથે દાવિદનગરમાં રાજવી કબરમાં દફનાવ્યો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide