૨ કાળવૃત્તાંત 24 - પવિત્ર બાઇબલ C.L.યહૂદિયાનો રાજા યોઆશ ( ૨ રાજા. 12:1-16 ) 1 યોઆશ સાત વર્ષની વયે યહૂદિયાનો રાજા બન્યો. તેણે યરુશાલેમમાં ચાલીસ વર્ષ રાજ કર્યું. તેની માતા સિબ્યા બેરશેબાની હતી. 2 યહોયાદા યજ્ઞકારની હયાતી સુધી તેણે પ્રભુની દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ જ કર્યું. 3 યહોયાદાએ યોઆશ રાજા સાથે બે સ્ત્રીઓનાં લગ્ન કરાવ્યાં અને તેમનાથી યોઆશને પુત્રોપુત્રીઓ થયાં. 4 કેટલાક સમય પછી યોઆશે પ્રભુના મંદિરનું સમારકામ કરવાનો નિર્ણય કર્યો. 5 તેણે યજ્ઞકારો અને લેવીઓને યહૂદિયાનાં નગરોમાં જઈ પ્રભુના મંદિરના વાર્ષિક સમારકામ માટે પૂરતાં નાણાં લોકો પાસેથી ઉઘરાવી લાવવા આદેશ આપ્યો. તેમણે તેમને એ કામ તાત્કાલિક અને ખંતથી કરવા કહ્યું; પણ લેવીઓએ વિલંબ કર્યો. 6 તેથી તેમના આગેવાન યજ્ઞકાર યહોયાદાને બોલાવીને કહ્યું, “પ્રભુના સાક્ષ્યમંડપની જાળવણી માટે લેવીઓ પ્રભુના સેવક મોશેએ ઇઝરાયલના જનસમુદાય માટે નિયત કરેલો કર યહૂદિયા અને યરુશાલેમના લોકો પાસેથી ઉઘરાવવા ગયા નથી તેનું તમે ધ્યાન કેમ નથી રાખ્યું?” 7 પેલી દુષ્ટ સ્ત્રી અથાલ્યાના અનુયાયીઓએ ઈશ્વરના મંદિરને ભારે નુક્સાન પહોંચાડયું હતું અને બઆલની પૂજામાં તેની ઘણીબધી સાધનસામગ્રીનો ઉપયોગ કર્યો હતો. 8 પછી રાજાએ દાન ઉઘરાવવા માટે એક પેટી બનાવડાવીને તેને મંદિરના દરવાજે મુકાવી. 9 તેણે આખા યહૂદિયા અને યરુશાલેમમાં સંદેશો મોકલીને જાહેરાત કરાવી કે પ્રભુના સેવક મોશેએ વેરાનપ્રદેશમાં ઇઝરાયલીઓ પાસેથી સૌ પ્રથમ જે કર ઠરાવેલ તે કર પ્રત્યેક જણ પ્રભુ પાસે લાવે. 10 સર્વ સૂબાઓને અને સર્વ લોકોને એ વાત ગમી ગઈ, અને તેઓ પોતાનો કર લાવીને પેટી ભરી દેતા. 11 લેવીઓ દરરોજ એ પેટી તેના સંબંધિત અમલદારો પાસે લઈ જતા. જ્યારે પેટી ભરાઈ જાય ત્યારે રાજાના મંત્રી અને પ્રમુખ યજ્ઞકારના પ્રતિનિધિ પૈસા કાઢી લઈ પેટીને તેના સ્થાને ફરી મૂક્તા. એમ દિનપ્રતિદિન કરીને તેમણે મોટી રકમ ઊભી કરી. 12 રાજા અને યહોયાદા એ રકમમાંથી મંદિરનું સમારકામ કરવાની જવાબદારી જેમના હસ્તક હતી તેમને આપતા અને તેમણે શિલ્પી, સુથારો, લુહારો, કંસારા વગેરે કારીગરોને રોકાયા. 13 બધા કારીગરોએ સખત કામ કરીને મંદિરને તેની મૂળ સ્થિતિમાં હતું તેવું મજબૂત કર્યું. 14 સમારકામ પૂરું થતાં, તેમણે વધેલું સોનુંચાંદી રાજા અને યહોયાદાને પરત કર્યું. તેમણે તેમાંથી પ્રભુના મંદિરનાં અર્પણોની સેવા માટેનાં પાત્રો અને ધૂપપાત્રો બનાવ્યાં. યોઆશનો ધર્મત્યાગ 15 યહોયાદા જીવતો હતો ત્યાં સુધી પ્રભુના મંદિરમાં નિયમિત રીતે દહનબલિ ચડાવાતા. તે એક્સો ત્રીસ વર્ષની ઘણી પાકટ ઉંમરે મરણ પામ્યો. 16 ઇઝરાયલી લોકો માટે, ઈશ્વર માટે અને પ્રભુના મંદિર માટે તેણે બજાવેલી સેવાની કદર કરીને તેમણે તેને દાવિદ નગરમાં તેના પૂર્વજો સાથે રાજવી કબરમાં દફનાવ્યો. 17 પણ યહોયાદાના મરણ પછી યહૂદિયાના આગેવાનો પોતાની વાત યોઆશ રાજાને સમજાવવામાં સફળ થયા. 18 તેથી લોકોએ તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુના મંદિરમાં ભક્તિ કરવાનું બંધ કર્યું અને મૂર્તિઓ તેમજ અશેરા દેવીની પ્રતિમાઓની ભક્તિ કરવા લાગ્યા. એમના એ અપરાધને લીધે ઈશ્વર યહૂદિયા અને યરુશાલેમના લોકો પર કોપાયમાન થયા. 19 પ્રભુએ લોકોને પોતાની તરફ પાછા ફરવા ચેતવણી આપવા સંદેશવાહકોને મોકલ્યા, પણ તેમણે તેમનું સાંભળ્યું નહિ. 20 પછી ઈશ્વરના આત્માએ યહોયાદા યજ્ઞકારના પુત્ર ઝખાર્યાનો કબજો લીધો. પછી તેણે લોકો સમક્ષ ઊભા રહીને તેમને કહ્યું: “પ્રભુ ઈશ્વર પૂછે છે કે મારી આજ્ઞાઓ ઉથાપીને તમે શા માટે પોતા પર આપત્તિ વહોરી લો છો? તમે પ્રભુનો ત્યાગ કર્યો છે માટે તેમણે પણ તમારો ત્યાગ કર્યો છે!” 21 યોઆશ રાજા ઝખાર્યા વિરુદ્ધના કાવતરામાં સામેલ થયો, અને રાજાની આજ્ઞાથી લોકોએ તેને પથ્થરો મારીને પ્રભુના મંદિરના ચોકમાં મારી નાખ્યો. 22 ઝખાર્યાના પિતા યહોયાદાએ રાજા પ્રત્યે દાખવેલી વફાદારીપૂર્વકની સેવા રાજા ભૂલી ગયો, અને તેણે ઝખાર્યાને મારી નંખાવ્યો. મરતાં મરતાં ઝખાર્યા બોલ્યો, “તમે જે કરો છો તે જોઈને પ્રભુ તમને શિક્ષા કરો!” યોઆશના અમલનો અંત 23 એ વર્ષના અંતે અરામના સૈન્યે આક્રમણ કરીને યહૂદિયા અને યરુશાલેમના સઘળા આગેવાનોને મારી નાખ્યા અને તેઓ મોટી લૂંટ મેળવીને દમાસ્ક્સ જતા રહ્યા. 24 અરામનું સૈન્ય તો નાનું હતું, પણ લોકોએ તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુનો ત્યાગ કર્યો હોઈ તેમણે યહૂદિયાના મોટા સૈન્યને હારવા દીધું. એ રીતે રાજા યોઆશને શિક્ષા થઈ. 25 તે સખત ઘવાયો, અને શત્રુ સૈન્ય પાછું ગયું ત્યારે તેના બે અધિકારીઓએ કાવતરું કરીને તેને તેની પથારીમાં જ મારી નાખ્યો, અને એમ યહોયાદા યજ્ઞકારના પુત્રના ખૂનનો બદલો લીધો. તેને દાવિદનગરમાં દાટવામાં આવ્યો, પણ રાજકુટુંબની કબરોમાં નહિ. 26 એ કાવતરામાં ભાગ લેનારાઓમાં આમ્મોની સ્ત્રી શિમિયાનો પુત્ર ઝાબાદ અને અને મોઆબી સ્ત્રી શિમ્રિથનો પુત્ર યહોઝાબાદ હતા. 27 રાજાઓના પુસ્તક પરના ટીકાગ્રંથમાં યોઆશના પુત્રોની વાતો, તેની વિરુદ્ધ ભાખવામાં આવેલ ભવિષ્યવાણીઓ અને તેણે કેવી રીતે મંદિરનો ર્જીણોદ્ધાર કર્યો એ બધું લખેલું છે. તેના પછી તેનો પુત્ર અમાસ્યા રાજા બન્યો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide