૨ કાળવૃત્તાંત 23 - પવિત્ર બાઇબલ C.L.અથાલ્યા વિરુદ્ધ વિદ્રોહ ( ૨ રાજા. 11:4-16 ) 1 સાતમે વર્ષે યહોયાદા યજ્ઞકારે હિંમતભેર જરૂરી પગલાં ભર્યાં. તેણે યહોરામનો પુત્ર અઝાર્યા, યહોહાનાનનો પુત્ર ઇશ્માએલ, ઓબેદનો પુત્ર અઝાર્યા, અદાયાનો પુત્ર માસેયા અને ઝીખ્રીનો પુત્ર એલિશાફાટ, એ પાંચ અધિકારીઓ સાથે કોલકરાર કર્યા. એ બધા સૈન્યમાં શતાધિપતિઓ હતા. 2 તેણે યહૂદિયાનાં બધાં નગરોમાં ફરીને લેવીઓ અને ગોત્રના બધા આગેવાનોને યરુશાલેમમાં એકત્ર કર્યા. 3 તેઓ સૌ મદિરમાં એકઠા થયા અને રાજાના પુત્ર યોઆશ સાથે કરાર કર્યો. યહોયાદાએ કહ્યું, “આ રહ્યો રાજાનો પુત્ર!” દાવિદના વંશજો રાજા બનશે એવા પ્રભુના વરદાન પ્રમાણે હવે તે રાજા બનશે. 4 હવે આપણે આ પ્રમાણે કરવાનું છે. યજ્ઞકારો અને લેવીઓ સાબ્બાથદિને સેવાકાર્ય માટે આવે ત્યારે તમારે ત્રણ સરખી ટુકડીઓ પાડવાની છે: એક ટુકડી મંદિરના દરવાજે ચોકી પહેરો ભરશે, 5 બીજી ટુકડી રાજમહેલનું રક્ષણ કરશે, જ્યારે ત્રીજી ટુકડી ‘પાયાના દરવાજે’ રહેશે. સર્વ લોકો પ્રભુના મંદિરના ચોકમાં એકત્ર થશે. 6 ફરજ પરના લેવીઓ અને યજ્ઞકારો વિધિગત રીતે પવિત્ર થયેલા છે; તેથી તેમના સિવાય બીજા કોઈને મંદિરમાં પ્રવેશ કરવા દેવાનો નથી. બાકીના લોકો તો પ્રભુની સૂચના પ્રમાણે બહાર રહે. 7 લેવીઓએ ઉઘાડી તલવારો સાથે રાજાની આસપાસ રક્ષક બનીને રાજા જ્યાં જાય ત્યાં તેમની સાથે રહેવાનું છે. જે કોઈ મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કરે તેને મારી નાખવો.” 8 લેવીઓ ને યહૂદિયાના લોકોએ યહોયાદાની સૂચનાઓનું પાલન કર્યું. ફરજ પરથી બદલતા માણસોને જવા દેવામાં આવતા નહિ. તેથી સાબ્બાથદિને ફરજ પર ચઢતા કે ઊતરતા બધા માણસો લશ્કરી અધિકારીઓ પાસે ઉપલબ્ધ રહેતા. 9 દાવિદ રાજાના ભાલા અને ઢાલો જે મંદિરમાં મૂક્યાં હતાં તે યહોયાદાએ અધિકારીઓને આપ્યાં. 10 રાજાના રક્ષણ માટે તેણે મંદિરની આગળ ઉઘાડી તલવાર સાથે માણસોને ગોઠવી દીધા. 11 પછી યહોયાદાએ યોઆશને બહાર લાવીને તેના માથા પર રાજમુગટ મૂક્યો અને તેને રાજ્યપદને લગતા નિયમોની નકલ આપી. એમ તેમણે તેને રાજા બનાવ્યો. યહોયાદા યજ્ઞકાર અને તેના પુત્રોએ યોઆશનો અભિષેક કર્યો અને “રાજા અમર રહો.” એવો પોકાર કર્યો. 12 રાજાના જયજયકારનો લોકોનો પોકાર સાંભળીને પ્રભુના મંદિરમાં જ્યાં લોકો એકત્ર થયા હતા ત્યાં અથાલ્યા દોડી ગઈ. 13 ત્યાં તેણે રાજાઓ માટેના નિયત કરેલ સ્તંભ પાસે નવા રાજાને જોયો. સેનાધિકારીઓ અને રણશિંગડાં વગાડનારા રાજાની ચારે બાજુ ઊભા હતા. સર્વ લોકો જયનાદ પોકારતા હતા અને રણશિંગડાં ફૂંક્તા હતા. મંદિરના ગાયકો પણ ગાયનવાદનથી સ્તુતિ કરી રહ્યા હતા. તેણે “દગો! દગો!” એવી બૂમો પાડતાં આક્રોશમાં પોતાનાં વસ્ત્ર ફાડયાં. 14 યજ્ઞકાર યહોયાદા અથાલ્યાને મંદિરના વિસ્તારમાં મારી નાખવા માગતો નહોતો. તેથી તેણે સૈન્યના શતાધિપતિઓને બોલાવીને તેમને કહ્યું, “તેને રક્ષકોની હરોળમાં થઈને બહાર લઈ જાઓ અને કોઈ તેને સાથ આપે તો તેને મારી નાખવો.” 15 તેઓ તેને પકડીને રાજમહેલ લઈ ગયા અને ‘ઘોડા દરવાજા’ આગળ તેને મારી નાખી. યહોયાદાના સુધારા ( ૨ રાજા. 11:17-20 ) 16 યહોયાદા યજ્ઞકારે યોઆશ રાજા, લોકો અને પોતાના તરફથી એવો કરાર કર્યો કે તેઓ સૌએ પ્રભુના નિષ્ઠાવાન લોક બની રહેવું. 17 પછી તેઓ સૌ બઆલના મંદિરે ગયા અને તેમણે તેને તોડી પાડયું. તેમણે વેદીઓ અને મૂર્તિઓનો ભૂક્કો બોલાવ્યો અને વેદીઓ આગળ બઆલના યજ્ઞકાર માત્તાનને મારી નાખ્યો. 18 યહોયાદાએ પ્રભુના મંદિરનું કામ લેવીઓ અને યજ્ઞકારોને સોંપ્યું. તેમણે દાવિદ રાજાએ તેમને સોંપેલી ફરજો બજાવવાની હતી અને મોશેના નિયમશાસ્ત્ર પ્રમાણે પ્રભુને દહનબલિ ચડાવવાના હતા. વળી, દાવિદે ઠરાવ્યા પ્રમાણે ગાયનવાદન અને પર્વોત્સવને લગતી કામગીરી પણ બજાવવાની હતી. 19 વિધિગત રીતે અશુદ્ધ હોય એવો કોઈ મંદિરમાં પ્રવેશે નહિ તે માટે તેણે મંદિરના દરવાજાઓ આગળ સંરક્ષકો મૂક્યા. 20 રાજાને મંદિરમાંથી મહેલમાં લઈ જવાના સરઘસમાં યહોયાદા સાથે સેનાના શતાધિપતિઓ, લોકોના આગેવાનો અને સર્વ લોકો જોડાયા. તેઓ મુખ્ય પ્રવેશ દ્વારેથી રાજમહેલમાં દાખલ થયા અને રાજા રાજ્યાસન પર બિરાજ્યો. 21 અથાલ્યાને મારી નાખવામાં આવી હતી; તેથી દેશના બધા લોકો ખુશખુશાલ હતા અને શહેરમાં બધે શાંતિ પ્રવર્તતી હતી. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide