૨ કાળવૃત્તાંત 21 - પવિત્ર બાઇબલ C.L.1 યહોશાફાટ રાજા મરણ પામ્યો અને તેને દાવિદનગરમાં તેના પૂર્વજો સાથે રાજવી કબરમાં દફનાવ્યો. તેના પછી તેનો પુત્ર યહોરામ રાજા બન્યો. યહૂદિયાનો રાજા યહોરામ ( ૨ રાજા. 8:17-24 ) 2 યહૂદિયાના રાજા યહોશાફાટના પુત્ર યહોરામને છ ભાઈઓ હતા: અઝાર્યા, યહિયેલ, ઝખાર્યા, અઝાર્યાહૂ, મિખાયેલ અને શફાટયા. 3 તેમના પિતાએ પ્રત્યેક ભાઈને પુષ્કળ સોનું, ચાંદી અને અન્ય કીમતી ચીજવસ્તુઓની બક્ષિસો આપી અને દરેકને યહૂદિયાના કિલ્લાવાળાં એક એક નગર પર નીમ્યો. પણ યહોરામ જયેષ્ઠ હોવાથી યહોશાફાટે તેને રાજગાદી સોંપી. 4 રાજ્ય પર યહોરામની સત્તા જામી એટલે તેણે પોતાના સર્વ ભાઈઓ અને કેટલાક ઇઝરાયલી અધિકારીઓને પણ મારી નંખાવ્યા. 5 યહોરામ બત્રીસ વર્ષની ઉંમરે રાજા બન્યો અને તેણે યરુશાલેમમાં આઠ વર્ષ રાજ કર્યું. 6 તે ઇઝરાયલના રાજાઓને અનુસર્યો અને આહાબ રાજાના કુટુંબીજનોની જેમ વર્ત્યો. કારણ, તેણે આહાબની પુત્રી સાથે લગ્ન કર્યું હતું. તેણે પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું, 7 પણ પ્રભુ દાવિદનો રાજવંશ ખતમ કરી નાખવા રાજી નહોતા. કારણ, તેમણે દાવિદ સાથે કરાર કર્યો હતો કે, “હું તારા વંશમાં રાજવારસરૂપી દીવો સતત સળગતો રાખીશ.” 8 યહોરામના અમલ દરમ્યાન અદોમે યહૂદિયા સામે બળવો પોકારીને પોતાનો આગવો રાજા ઠરાવ્યો. 9 તેથી યહોરામ અને તેના સેનાધિકારીઓએ રથો સહિત અદોમ પર આક્રમણ કર્યું. અદોમીઓએ તેમને ઘેરી લીધા, પણ તેઓ રાત્રે ભંગાણ પાડી નાસી છૂટયા. 10 આમ, અદોમે યહૂદિયાની તાબેદારી ફગાવી દીધી અને ત્યારથી અદોમ સ્વતંત્ર રાજ્ય રહ્યું છે. એ જ સમયે લિબ્નાહ નગરે પણ બંડ કર્યું. કારણ, યહોરામે, પોતાના પૂર્વજોના ઈશ્વર પ્રભુનો ત્યાગ કર્યો હતો. 11 વળી, તેણે યહૂદિયાના ઉચ્ચપ્રદેશમાં પૂજાનાં ઉચ્ચસ્થાનો પણ બાંધ્યાં અને એમ યહૂદિયા અને યરુશાલેમના લોકોને મૂર્તિપૂજા કરાવીને તેમને પ્રભુથી દૂર ભટકાવી દીધા. 12 સંદેશવાહક એલિયાએ યહોરામને પાઠવેલા પત્રમાં આમ લખ્યું હતું: “તમારા પૂર્વજ દાવિદના ઈશ્વર પ્રભુ તમને દોષિત ઠરાવે છે; કારણ, તમે તમારા પિતા યહોશાફાટ રાજા અથવા તમારા દાદા આસાનો નમૂનો અનુસર્યા નથી. 13 એને બદલે, તમે ઇઝરાયલના રાજાઓનું અનુકરણ કર્યું છે અને આહાબ તથા તેના અનુગામીઓએ ઇઝરાયલના લોકોને ઈશ્વર પ્રત્યે બેવફા બનાવ્યા, તેમ તમે પણ યહૂદિયા અને યરુશાલેમના લોકોને ઈશ્વર વિરુદ્ધ બેવફાદારીમાં દોર્યા છે. તમે તમારા કરતાં સારા એવા તમારા પિતૃપક્ષના ભાઈઓને મારી નાખ્યા છે. 14 પરિણામે, પ્રભુ તમારા લોકને, તમારાં સંતાનોને અને તમારી પત્નીઓને ભારે સજા કરશે અને તમારી બધી માલમિલક્તનો નાશ કરશે. 15 તમને આંતરડાંનો અસાય રોગ લાગુ પડશે. એ રોગ વધી જતાં છેવટે તમારાં આંતરડાં બહાર નીકળી પડશે.” 16 સમુદ્રકિનારે વસેલા કેટલાક કૂશીઓની નજીક કેટલાક પલિસ્તીઓ અને આરબો પણ રહેતા હતા. પ્રભુએ તેમને યહોરામ વિરુદ્ધ લડવા જવા ઉશ્કેર્યા. 17 તેમણે યહૂદિયા પર હુમલો કર્યો, રાજમહેલ લૂંટયો અને રાજાની બધી પત્નીઓને અને સૌથી નાના પુત્ર અહાઝયા સિવાયના બધા પુત્રોને કેદ કરી લઈ ગયા. 18 એ બનાવો પછી પ્રભુએ રાજાને આંતરડાનો ભારે દુ:ખદાયક રોગ લાગુ પાડયો. 19 લગભગ બે વર્ષ સુધી એ રોગ ઉગ્ર બનતો રહ્યો; રાજાના આંતરડાં બહાર નીકળી પડયાં તેના લોકે તેના પૂર્વજોના સંબંધમાં જેમ કર્યું હતું તેમ તેને માટે શોકદર્શક અગ્નિ પ્રગટાવ્યો નહિ. 20 યહોરામ બત્રીસ વર્ષની વયે રાજા થયો અને તેણે યરુશાલેમમાં આઠ વર્ષ રાજ કર્યું. તેના મરણ પર કોઈએ શોક પાળ્યો નહિ. તેમણે તેને દાવિદનગરમાં દફનાવ્યો, પણ રાજવી કબરમાં નહિ. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide