૨ કાળવૃત્તાંત 20 - પવિત્ર બાઇબલ C.L.અદોમ સામે યુદ્ધ 1 કેટલાક સમય બાદ મોઆબ અને આમ્મોનનાં સૈન્યો મેઉનીઓનો સાથ લઈને યહોશાફાટ સામે લડવા આવ્યા. 2 કેટલાક સંદેશકોએ યહોશાફાટ રાજા પાસે આવીને તેને કહ્યું, “મૃત સમુદ્રને પેલી પાર અદોમમાંથી મોટું સૈન્ય તમારા પર ત્રાટકવા આવી રહ્યું છે. તેમણે હાસ્સોન તામાર એટલે એનગેદી કબજે કરી લીધું છે.” 3 યહોશાફાટ ગભરાયો અને તેણે મદદને માટે પ્રભુને પ્રાર્થના કરી. પછી તેણે સમસ્ત દેશમાં ઉપવાસ જાહેર કર્યો. 4 યહૂદિયાનાં સર્વ નગરોમાંથી લોકો પ્રભુની મદદ મેળવવા યરુશાલેમમાં આવી પહોંચ્યા. 5 તેઓ તેમ જ યરુશાલેમના નગરજનો પ્રભુના મંદિરના નવા ચોકમાં એકઠા થયા. યહોશાફાટ રાજાએ ત્યાં લોકોની સભામાં ઊભા થઈને ઊંચે અવાજે પ્રાર્થના કરી. 6 “ઓ અમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુ, તમે તો આકાશવાસી ઈશ્વર છો અને પૃથ્વીની સર્વ પ્રજાઓનાં રાજ્યો પર રાજ કરો છો. તમે પરાક્રમી અને શક્તિશાળી છો અને કોઈ તમારી સામે પડી શકે નહિ. 7 તમે અમારા ઈશ્વર છો. તમારા લોક ઇઝરાયલીઓ આ દેશમાં આવ્યા ત્યારે અહીંના સઘળા મૂળ વતનીઓને હાંકી કાઢયા, અને તમારા મિત્ર અબ્રાહામના વંશજોને હંમેશને માટે આ દેશ આપ્યો. 8 તેઓ અહીં આવીને વસ્યા છે અને તેમણે તમારા નામના માનમાં મંદિર બાંધ્યું છે; 9 જેથી તેમના પર શિક્ષા તરીકે લડાઈ, રોગચાળો કે દુકાળ જેવી કોઈ આફત આવી પડે ત્યારે તેઓ તમે જ્યાં તમારું નામ રાખ્યું છે તે આ મંદિરે આવીને ઊભા રહે અને તેઓ મુશ્કેલીમાં તમારી પ્રાર્થના કરે કે જેથી તમે તેમનું સાંભળીને તેમનો બચાવ કરો. 10 “હવે આમ્મોની, મોઆબી અને સેઈરના અદોમી લોકોએ અમારા પર આક્રમણ કર્યું છે. અમારા પૂર્વજો ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારે તમે તેમને તેમના દેશમાં થઈને જવા દીધા નહિ. તેથી અમારા પૂર્વજો ચકરાવો ખાઈને ગયા અને તેમનો નાશ કર્યો નહિ. 11 હવે તેઓ અમને આવો બદલો આપે છે. તમે વારસા તરીકે આપેલા આ દેશમાંથી તેઓ અમને હાંકી કાઢવા માગે છે! 12 હે પ્રભુ, તમે અમારા ઈશ્વર છો! તેમને શિક્ષા કરો, કારણ, અમારી પર આક્રમણ લઈ આવેલ આ સૈન્ય સામે અમે સાવ લાચાર છીએ. શું કરવું એની અમને કંઈ સૂઝ પડતી નથી, પણ મદદ માટે અમે તમારી તરફ મીટ માંડીએ છીએ.” 13 યહૂદિયાના સર્વ પુરુષો તેમની પત્નીઓ અને તેમનાં સંતાનો સહિત પ્રભુના મંદિરે ઊભા હતા. 14 એ સમુદાયમાં એક લેવી પર પ્રભુનો આત્મા આવ્યો. એ તો ઝખાર્યાનો પુત્ર યહઝિયેલ હતો. તે આસાફના ગોત્રનો હતો અને તેના પૂર્વજોમાં તેના દાદા બનાયા, બનાયાનો પિતા યેઈલ અને યેઈલનો પિતા માનાન્યા હતા. 15 યહઝિયેલે કહ્યું, “હે યહોશાફાટ રાજા તથા યહૂદિયા અને યરુશાલેમના લોકો, પ્રભુ કહે છે કે આ મોટા સૈન્યથી તમારે બીવાની કે નાસીપાસ થવાની જરૂર નથી. એ લડાઈ તમારે નહિ, પણ ઈશ્વરે લડવાની છે. 16 આવતી કાલે તેઓ સીસના ઘાટ પાસે આવે એટલે તેમના પર હુમલો કરો. યરુએલ નજીકના વેરાન પ્રદેશમાં જતી ખીણના છેડે તમને તેમનો ભેટો થશે. 17 તમારે આ લડાઈ લડવી પડશે નહિ; માટે હે યહૂદિયા અને યરુશાલેમના લોકો, તમે અડીખમ રહેજો, અને પ્રભુ તમને કેવો વિજય પમાડે છે તે જો જો. નાસીપાસ થશો નહિ કે ગભરાશો નહિ; પણ લડાઈ કરવા નીકળી પડો; કારણ, પ્રભુ તમારી સાથે છે.” 18 ત્યારે યહોશાફાટ રાજાએ ભૂમિ પર શિર ટેકવીને નમન કર્યું અને યહૂદિયા અને યરુશાલેમના સર્વ લોકોએ પણ એ રીતે નમન કરી પ્રભુની આરાધના કરી. 19 કહાથ અને કોરાહ ગોત્રના લેવીઓએ ઊભા થઈને ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિનો પોકાર કર્યો. 20 બીજે દિવસે સવારે લોકો તકોઆ પાસેના વેરાનપ્રદેશમાં પહોંચી ગયા. તેઓ ત્યાં જવા નીકળ્યા, ત્યારે યહોશાફાટે તેમને આવું સંબોધન કર્યું: “હે યહૂદિયા અને યરુશાલેમના લોકો, તમારા ઈશ્વર પ્રભુ પર ભરોસો મૂકો એટલે તમે અડીખમ રહેશો. તેમના સંદેશવાહકો જે કહે તે પર વિશ્વાસ મૂકો એટલે તમે દૃઢ થશો.” 21 લોકો સાથે મસલત કર્યા પછી રાજાએ કેટલાક ભજનિકોને નીમ્યા અને તેમને પવિત્ર વસ્ત્રો પહેરીને “પ્રભુની સ્તુતિ થાઓ! તેમની કૃપા સનાતન છે!” એમ ગાતાં ગાતાં સૈન્યની મોખરે કૂચ કરવા આદેશ આપ્યો. 22 તેમણે સ્તુતિગાન ગાયું કે પ્રભુએ આક્રમણ કરવા આવેલા આમ્મોની, મોઆબી અને સેઈરના અદોમી લોકોના સૈન્યને ભુલાવામાં નાખીને તેમનો પરાજય કર્યો. 23 આમ્મોનીઓ અને મોઆબીઓએ અદોમીના સૈન્ય પર ત્રાટકી તેનો સંપૂર્ણ વિનાશ કર્યો, અને પછી તેઓ એકબીજાની સામે ઉગ્ર જંગ ખેલીને ખતમ થયા. 24 વેરાનપ્રદેશમાં આવેલા ચોકીના બુરજ નજીક યહૂદિયાનું સૈન્ય પહોંચ્યું તો તેમણે શત્રુઓને જમીન પર ચારે તરફ મરેલા પડેલા જોયા, તેમાંનો એકેય બચ્યો નહોતો. 25 યહોશાફાટ અને તેનું સૈન્ય લૂંટ મેળવવા આગળ ગયું તો તેમને ઘણાં ઢોરઢાંક, પુરવઠો, વસ્ત્રો અને અન્ય કીમતી ચીજવસ્તુઓ મળ્યાં. લૂંટ એકત્ર કરતાં તેમને ત્રણ દિવસ લાગ્યા, પણ લૂંટ એટલી બધી હતી કે તેઓ બધું લઈ જઈ શક્યા નહિ. 26 ચોથે દિવસે તેઓ બરાખાની ખીણમાં એકઠા થયા અને પ્રભુના એ કાર્ય માટે તેમની સ્તુતિ કરી. એટલા માટે એ ખીણ આજ દિન સુધી ‘બરાખા’ (અર્થાત્ આશીર્વાદ)ની ખીણ કહેવાય છે. 27 પછી યહોશાફાટની આગેવાની હેઠળ યહૂદિયા અને યરુશાલેમના સર્વ લોકો વિજયના આનંદમાં યરુશાલેમ પાછા ફર્યા. કારણ, પ્રભુએ તેમના શત્રુઓનો પરાજય કરીને તેમને હર્ષ પમાડયો હતો. 28 તેઓ સિતાર, વીણા અને રણશિંગડાંના વાદન સાથે યરુશાલેમ આવ્યા અને પ્રભુના મંદિરે ગયા. 29 પ્રભુએ ઇઝરાયલના શત્રુઓનો કેવો પરાજય કર્યો હતો એ સાંભળીને બધી પ્રજાઓમાં ભય વ્યાપી ગયો. 30 આમ, યહોશાફાટે શાંતિપૂર્વક રાજ કર્યું અને પ્રભુએ તેને ચારે તરફની સલામતી બક્ષી. યહોશાફાટનો અંત ( ૧ રાજા. 22:41-50 ) 31 યહોશાફાટ પાંત્રીસ વર્ષની વયે યહૂદિયાનો રાજા બન્યો અને યરુશાલેમમાં રહી પચીસ વર્ષ રાજ કર્યું. શિલ્હીની પુત્રી અઝુબા તેની માતા હતી. 32 તેના પિતા આસાની જેમ તેણે પ્રભુની દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કર્યું. 33 પણ પૂજાનાં ઉચ્ચસ્થાનોનો નાશ કરાયો નહોતો. હજી પણ લોકોમાં તેમના પૂર્વજોના ઈશ્વર પ્રત્યે દયની પૂરી નિષ્ઠા નહોતી. 34 યહોશાફાટના અમલની શરૂઆતથી તેના અંત સુધીનાં તેનાં બાકીનાં કૃત્યો હનાનીના પુત્ર યેહૂના ઇતિહાસમાં લખેલાં છે; જેનો સમાવેશ ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં કરેલો છે. 35 એક સમયે યહોશાફાટ રાજાએ ઇઝરાયલના દુરાચારી રાજા અહાઝયા સાથે રાજસંબંધો બાંયા હતા. 36 તાર્શિશ જવા માટે તેઓ એસ્યોન-ગેબેરના બંદરે સમુદ્રનાં વહાણો બાંધતાં હતા. 37 પણ મારેશા નગરના દોદાવાહૂના પુત્ર એલિએઝેરે યહોશાફાટને ચેતવણી આપી; “આપે અહાઝયા સાથે સંબંધ બાંધ્યો હોઈ તમે જે કંઈ બાંધ્યું તેનો પ્રભુ નાશ કરશે.” એ વહાણો ભાંગી ગયાં અને કયારેય તાર્શિશ જઈ શક્યાં નહિ. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide