૨ કાળવૃત્તાંત 2 - પવિત્ર બાઇબલ C.L.મંદિરના બાંધકામની પૂર્વતૈયારી ( ૧ રાજા. 5:1-18 ) 1 શલોમોને ઈશ્વર યાહવેના નામની ભક્તિ માટે મંદિર અને પોતાને માટે રાજમહેલ બાંધવાનો નિર્ણય કર્યો. 2 તેણે સિત્તેર હજાર માણસોને ભારવાહકો તરીકે, અને એંશી હજારને પથ્થરફોડા તરીકે રોકાયા. તેમના પર દેખરેખ માટે ત્રણ હજાર છસો માણસો રાખ્યા. 3 શલોમોને તૂરના રાજા હિરામને સંદેશો મોકલ્યો: “તમે જેમ મારા પિતા દાવિદને તેમનો રાજમહેલ બાંધવા ગંધતરુનાં લાકડાં મોકલ્યાં હતાં, તેમ મારા પર પણ મોકલો. 4 મારા ઈશ્વર પ્રભુના સન્માનાર્થે હું મંદિર બંધાવું છું. એ પવિત્રસ્થાનમાં હું અને મારા લોક સુગંધીદ્રવ્યોનો ધૂપ બાળીને તેમની ભક્તિ કરીશું, અને ત્યાં જ પ્રભુ અમારા ઈશ્વરના સન્માનાર્થે રોજ સવાર-સાંજ, પ્રત્યેક સાબ્બાથે, ચાંદ્રમાસના પ્રથમ દિવસે અને બીજા પવિત્ર દિવસોએ દહનબલિ ચઢાવીશું. તેમણે હમેશાં એમ કરવાની ઇઝરાયલને આજ્ઞા આપી છે. 5 જે મંદિર હું બાંધવાનો છું તે ઘણું મોટું થશે; કારણ, બીજા સર્વ દેવો કરતાં અમારા ઈશ્વર મોટા છે. 6 જો કે હકીક્તમાં તો ઈશ્વરને માટે કોઈ મંદિર બાંધી શકે જ નહિ; કારણ, આકાશ, અરે, સર્વોચ્ચ આકાશ પણ તેમને સમાવી શકે નહિ. તો પછી હું કોણ કે હું તેમનું મંદિર બાધું? એ તો માત્ર ઈશ્વરને ધૂપ ચઢાવવાનું સ્થાન થશે. 7 તેથી કોતરણીકામમાં તેમ જ સોનું, ચાંદી, તાંબુ, લોખંડ તથા આસમાની, જાંબલી અને લાલ વસ્ત્રોની કારીગરીમાં નિપુણ હોય તેવા માણસને મોકલો. મારા પિતા દાવિદે યહૂદિયા પ્રાંતમાંથી અને યરુશાલેમમાંથી પસંદ કરેલા કારીગરો સાથે તે કામ કરશે. 8-9 તમારા કઠિયારા પણ નિપુણ છે તે હું જાણું છું. તેથી મને લબાનોનમાંથી ગંધતરું, દેવદાર અને સુખડનાં લાકડાં મોકલી આપો. મોટા પ્રમાણમાં ઈમારતી લાકડાં મોકલી આપો. મોટા પ્રમાણમાં ઈમારતી લાકડાં તૈયાર કરવામાં તમારા માણસોને મદદ કરવા હું મારા માણસોને મોકલીશ; કારણ, મારે મોટું અને ભવ્ય મંદિર બંધાવવાનું છે. 10 તમારા માણસોની ખોરાકી માટે હું બે હજાર ટન ઘઉં, બે હજાર ટન જવ, ચાર લાખ લીટર દ્રાક્ષાસવ અને ચાર લાખ લીટર ઓલિવતેલ પૂરાં પાડીશ.” 11 તૂરના રાજા હિરામે શલોમોનને પત્ર દ્વારા જવાબ પાઠવ્યો: “પ્રભુ પોતાના લોક પર પ્રેમ રાખતા હોવાથી તેમણે તમને તેઓ પર રાજા બનાવ્યા છે. 12 આકાશ અને પૃથ્વીના સર્જનહાર ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિ થાઓ! તેમણે દાવિદને જ્ઞાની, સમજુ અને બુદ્ધિશાળી પુત્ર આપ્યો છે, અને તે હવે પ્રભુને માટે મંદિર અને પોતાને માટે રાજમહેલ બાંધે છે. 13 હું તમારી પાસે બુદ્ધિમાન અને હુન્નરકુશળ હુરામને મોકલું છું. 14 તેની માતા દાનના કુળની છે અને તેનો પિતા તૂરનો વતની છે. તે સોનું, ચાંદી, તાંબુ, લોખંડ, પથ્થર અને લાકડાંની વસ્તુઓ બનાવવામાં નિપુણ છે. તે આસમાની, જાંબલી અને લાલ વસ્ત્રો તેમજ અળસીરેસાનાં વસ્ત્રો પર કારીગરી કરે છે. તે સર્વ પ્રકારની કોતરણી કરી શકે છે અને સૂચવવામાં આવેલ કોઈપણ ભાત પાડી શકે છે. તમારા કારીગરો અને તમારા પિતા દાવિદ રાજાના કારીગરો સાથે તે કામ કરશે. 15 તો હવે તમારા વચન પ્રમાણે ઘઉં, જવ, દ્રાક્ષાસવ અને ઓલિવતેલ મોકલો. 16 તમારે જોઈતાં ગંધતરુનાં બધાં લાકડાં અમે લબાનોનમાંથી કપાવીશું, અને તરાપા પર બાંધીને દરિયાઈ માર્ગે યાફા સુધી પહોંચાડીશું. ત્યાંથી તમે તે યરુશાલેમ લઈ જઈ જજો.” મંદિરના બાંધકામનો આરંભ ( ૧ રાજા. 6:1-38 ) 17 શલોમોને પોતાના પિતા દાવિદે કરી હતી તેવી વસ્તીગણતરી ઇઝરાયલ દેશમાં વસતા સર્વ પરદેશીઓની કરાવી. એમની સંખ્યા એક લાખ ત્રેપન હજાર છસો થઈ. 18 એમાંથી તેણે સિત્તેર હજારને મજૂરી માટે, એંસી હજારને પહાડી પ્રદેશમાંથી પથ્થરો ફોડવા માટે અને ત્રણ હજાર છસો માણસોને તેમના કામ પર દેખરેખ રાખવા રોકાયા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide