Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ કાળવૃત્તાંત 19 - પવિત્ર બાઇબલ C.L.


સંદેશવાહક યેહૂએ યહોશાફાટને આપેલો ઠપકો

1 યહૂદિયાનો રાજા યહોશાફાટ યરુશાલેમમાં પોતાના રાજમહેલમાં સહીસલામત આવ્યો.

2 હનાનીના પુત્ર દષ્ટા યેહૂએ રાજાને મળીને તેને કહ્યું, “તમારે શા માટે દુષ્ટોને મદદ કરવી જોઈએ? પ્રભુનો તિરસ્કાર કરનારાઓનો પક્ષ શા માટે લેવો જોઈએ? તમારા એ કાર્યથી તમારા પર પ્રભુનો રોષ ઊતર્યો છે.

3 તેમ છતાં તમારામાં કંઈક સારું છે. તમે દેશમાંથી અશેરા દેવીની બધી મૂર્તિઓ દૂર કરી છે અને ઈશ્વરની નિષ્ઠાપૂર્વક સેવાભક્તિ કરવામાં તમારું ચિત્ત પરોવ્યું છે.”


યહોશાફાટના સુધારા

4 યહોશાફાટ આમ તો યરુશાલેમમાં રહેતો હતો, પણ દક્ષિણમાં બેરશેબાથી માંડીને ઉત્તરમાં એફ્રાઈમના પહાડી પ્રદેશના છેડા સુધી સમસ્ત વિસ્તારમાં નિયમિત પ્રવાસ કરીને તેણે લોકોને તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુ તરફ વાળ્યા.

5 તેણે યહૂદિયાનાં બધાં કિલ્લેબંધીવાળાં નગરોમાં ન્યાયાધીશો નીમ્યા.

6 તેણે તેમને સૂચના આપી. “ન્યાયચુકાદો આપવામાં કાળજી રાખો. તમે માણસ તરફથી નહિ, પણ પ્રભુ તરફથી મળેલા અધિકારની રુએ ચુકાદા આપો છો ત્યારે એ કાર્યમાં પ્રભુ તમારી સાથે છે.

7 પ્રભુનો ભય રાખો અને ચોક્સાઈથી વર્તો, કારણ, આપણા ઈશ્વર પ્રભુ અન્યાય, પક્ષપાત કે લાંચરુશવત સાંખી લેતા નથી.”

8 વળી, યહોશાફાટે યરુશાલેમમાં પ્રભુના નિયમશાસ્ત્રના ઉલ્લંઘનના કેસોના અથવા નગરવાસીઓમાં અરસપરસના કાયદાકીય વિવાદોના નિકાલ અર્થે કેટલાક લેવીઓ, યજ્ઞકારો અને કુટુંબના વડાઓને નીમ્યા.

9 તેણે તેમને આવો આદેશ આપ્યો: “તમારાં સર્વ કામોમાં પ્રભુનો ડર રાખીને તમારી સર્વ ફરજો નિષ્ઠા અને સચ્ચાઈથી બજાવો.

10 તમારા દેશબાંધવો કોઈપણ નગરમાંથી ખૂનનો અથવા નિયમો, આજ્ઞાઓ કે ફરમાનોનો ભંગ કર્યાનો કેસ લઈ આવે ત્યારે કેસની કાર્યવાહીમાં પ્રભુની વિરુદ્ધ કોઈ દોષ વહોરી ન લે તે માટે તેમને પૂરી સ્પષ્ટતાથી શીખવો; નહિ તો તમે અને તમારા દેશબધુંઓ પ્રભુના કોપનો ભોગ બનશો. પણ તમે તમારી ફરજ બજાવી હશે, તો તમે દોષિત નહિ ઠરો.

11 બધા ધાર્મિક કેસોમાં મુખ્ય યજ્ઞકાર અમાર્યાનો નિર્ણય આખરી ગણાશે; જ્યારે રાજ્યને લગતા બધા કેસોમાં યહૂદિયાના સૂબા એટલે, ઝબાદ્યાના પુત્ર ઇશ્માએલનો નિર્ણય આખરી ગણાશે. લેવીઓની જવાબદારી ચુકાદાઓનો અમલ કરવાની રહેશે. તો હવે આ કામ હિમ્મતથી બજાવો; અને પ્રભુ સાચા લોકના પક્ષમાં રહો.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan