૨ કાળવૃત્તાંત 18 - પવિત્ર બાઇબલ C.L.સંદેશવાહક મિખાયાની આહાબને ચેતવણી ( ૧ રાજા. 22:1-18 ) 1 યહોશાફાટ રાજા ખૂબ સમૃદ્ધ અને ખ્યાતનામ બન્યો ત્યારે તેણે આહાબ રાજાના કુટુંબ સાથે લગ્નસંબંધ બાંધ્યો. 2 કેટલાંક વર્ષો પછી યહોશાફાટ આહાબની મુલાકાતે સમરૂન ગયો. યહોશાફાટ અને તેની સાથેના માણસોના માનમાં મિજબાની યોજી અને તે માટે આહાબે પુષ્કળ ઘેટાં અને બળદો કપાવ્યાં હતાં. આહાબે ગિલ્યાદમાંના રામોથ પર આક્રમણ કરવા યહોશાફાટને સમજાવ્યો. 3 તેણે પૂછયું, “તમે મારી સાથે ગિલ્યાદમાંના રામોથ પર ચડાઈ કરવા આવશો?” યહોશાફાટે જવાબ આપ્યો, “આપણે બે કંઈ જુદા નથી અને મારા લોકો તે તમારા લોકો જ છે. અમે તમારી સાથે જોડાઈશું.” 4 વળી, યહોશાફાટે ઇઝરાયલના રાજા આહાબને કહ્યું, “પણ આપણે પ્રથમ પ્રભુની સલાહ પૂછીએ.” 5 તેથી આહાબે ચારસો સંદેશવાહકો બોલાવ્યા અને તેમને પૂછયું, “શું હું ગિલ્યાદમાંના રામોથ પર ચડાઈ કરું?” તેમણે કહ્યું, “જાઓ, ચડાઈ કરો; ઈશ્વર તમને તેના પર વિજય પમાડશે.” 6 પણ યહોશાફાટે કહ્યું, “પ્રભુનો બીજો કોઈ સંદેશવાહક નથી કે જેના દ્વારા આપણે તેમની સલાહ પૂછી શકીએ?” 7 આહાબે જવાબ આપ્યો, “હજુ એક છે. તે છે યિમ્લાનો પુત્ર મિખાયા. પણ હું તેને ધિક્કારું છું; કારણ, તે મારે વિષે ક્યારેય કશું સારું ભવિષ્ય ભાખતો નથી; તે હમેશાં માઠું ભવિષ્ય જ ભાખે છે.” યહોશાફાટે કહ્યું, “તમારે રાજા થઈને એવું બોલવું ન જોઈએ.” 8 તેથી આહાબે દરબારના એક અધિકારીને યિમ્લાના પુત્ર મિખાયાને તરત જ બોલાવી લાવવા જણાવ્યું. 9 બન્ને રાજાઓ તેમના રાજપોશાકમાં સજ્જ થઈ સમરૂનના દરવાજા આગળ ખળાના મેદાન પર પોતાનાં આસનો પર બેઠા હતા અને બધા સંદેશવાહકો તેમની આગળ ભવિષ્ય ભાખતા હતા. 10 તેમાંના કનાનના પુત્ર સિદકિયાએ લોખંડનાં શિંગ બનાવ્યાં હતાં. તેણે આહાબને કહ્યું, “આ શિંગો વડે આપ અરામીઓ સામે લડીને તેમનો સંપૂર્ણ પરાજય કરશો.” 11 બાકીના બીજા સંદેશવાહકોએ પણ એવું જ કહ્યું. તેમણે કહ્યું, “ગિલ્યાદના રામોથ પર ચડાઈ કરો; તમે જીતવાના છો. પ્રભુ તમને વિજય આપશે.” 12 દરમ્યાનમાં, મિખાયાને બોલાવવા ગયેલા અધિકારીએ તેને કહ્યું, “બધા સંદેશવાહકોએ રાજા માટે સફળતાનું ભવિષ્ય ભાખ્યું છે; તમે પણ એવું ભવિષ્ય ભાખો તો સારું.” 13 પણ મિખાયાએ જવાબ આપ્યો, “પ્રભુના જીવના સમ, હું તો ઈશ્વર મને કહેશે તે જ બોલીશ.” 14 મિખાયા આહાબ રાજા સમક્ષ હાજર થયો એટલે તેણે તેને પૂછયું, “મિખાયા, હું અને યહોશાફાટ રાજા ગિલ્યાદમાંના રામોથ પર ચડાઈ કરીએ?” મિખાયાએ જવાબ આપ્યો, “ભલે, જાઓ ચડાઈ કરો અને વિજય પામો. પ્રભુ તમને તે સ્વાધીન કરી દેશે.” 15 પણ આહાબે જવાબ આપ્યો, “તમે પ્રભુને નામે મને કહો છો ત્યારે તમારે સત્ય જ બોલવું જોઈએ એવું મારે તમને કેટલીવાર સોગંદ દઈને કહેવાનું હોય?” 16 મિખાયાએ કહ્યું, “હું ઇઝરાયલના સૈન્યને ઘેટાંપાળક વગરનાં ઘેટાંની જેમ પર્વત પર વિખેરાઈ ગયેલું જોઉં છું. પ્રભુ કહે છે: ‘આ લોકોનો કોઈ આગેવાન નથી. તેઓ સૌ પોતપોતાને ઘેર શાંતિથી પાછા જાય.” 17 આહાબે યહોશાફાટને કહ્યું, “મેં તમને કહ્યું હતું ને કે તે મારા વિષે કદી સારું નહિ, પણ માઠું જ ભવિષ્ય ભાખે છે!” 18 વળી, મિખાયાએ કહ્યું, “તો હવે પ્રભુનો સંદેશ સાંભળો! મેં પ્રભુને આકાશમાં તેમના રાજ્યાસન પર બેઠેલા જોયા; તેમને બન્ને હાથે દૂતોનું સૈન્ય તેમની સેવામાં ઊભું હતું. 19 પ્રભુએ પૂછયું, ‘આહાબ રામોથ જઈને માર્યો જાય તે માટે તેને કોણ છેતરશે?’ કેટલાક દૂતોએ આ પ્રકારનાં તો બીજા કેટલાક દૂતોએ બીજાં પ્રકારનાં સૂચનો કર્યાં. 20 છેવટે એક આત્માએ પ્રભુ પાસે આગળ આવીને કહ્યું, ‘હું તેને છેતરીશ.’ પ્રભુએ પૂછયું, ‘કેવી રીતે?’ 21 “આત્માએ કહ્યું, ‘હું જઈને આહાબના બધા સંદેશવાહકોને જૂઠું બોલતા કરી દઈશ.’ પ્રભુએ કહ્યું, ‘જા, જઈને તેને છેતર. તું ફતેહ પામીશ.’ ” 22 મિખાયાએ કહ્યું, “આમ, તમારા આ સંદેશવાહકો જૂઠું બોલે એવું પ્રભુએ કહ્યું છે; અલબત્ત, તેમણે તો તમારા પર આપત્તિ ઉતારવાનો નિર્ણય જાહેર કર્યો છે.” 23 ત્યારે સિદકિયા સંદેશવાહકે મિખાયા પાસે જઈને તેને ગાલ પર તમાચો મારી તેને પૂછયું, “પ્રભુનો આત્મા મારી પાસેથી તારી પાસે વાત કરવા ક્યારે આવી ગયો?” 24 મિખાયાએ જવાબ આપ્યો, “તારે ભીતરની ઓરડીની અંદર સંતાઈ જવું પડશે ત્યારે તને ખબર પડશે.” 25 ત્યારે આહાબે તેના એક અધિકારીને હુકમ કર્યો, “મિખાયાને પકડી લઈ તેને નગરના સૂબા આમોન અને રાજકુંવર યોઆશ પાસે લઈ જાઓ. 26 તેમને કહો કે રાજાએ મિખાયાને કેદમાં પૂરી દેવાનો હુકમ કર્યો છે અને હું સહીસલામત પાછો આવું ત્યાં સુધી તેને માત્ર સૂકી રોટલી અને પાણી પર રાખજો.” 27 મિખાયાએ કહ્યું, “તમે સહીસલામત પાછા ફરો તો સમજવું કે પ્રભુ મારા દ્વારા બોલ્યા નથી.” તેણે સૌને કહ્યું, “હું જે બોલ્યો છું તે ધ્યાનમાં લો.” આહાબનું મરણ ( ૧ રાજા. 22:29-35 ) 28 પછી ઇઝરાયલના રાજા આહાબ અને યહૂદિયાના રાજા યહોશાફાટ ગિલ્યાદના રામોથ પર ચડાઈ કરવા ગયા. 29 આહાબે યહોશાફાટને કહ્યું, “લડાઈમાં જતી વખતે હું વેશપલટો કરીશ, પણ તમે રાજપોશાક પહેરી રાખજો.” એમ ઇઝરાયલનો રાજા લડાઈમાં છુપા વેશે ગયો. 30 અરામના રાજાએ તેના રથદળના સેનાધિકારીઓને ઇઝરાયલના રાજા સિવાય બીજા કોઈના પર હુમલો ન કરવા હુકમ કર્યો હતો. 31 તેથી તેમણે યહોશાફાટ રાજાને જોયો ત્યારે તેમને લાગ્યું કે ઇઝરાયલનો રાજા છે અને તેથી તેના પર ત્રાટકવા વળ્યા. પણ યહોશાફાટે પોકાર કર્યો એટલે પ્રભુ પરમેશ્વરે તેને બચાવ્યો અને તેમણે તેના પરથી હુમલો બીજે વાળી દીધો. 32 રથદળના અધિકારીઓએ જોયું કે એ ઇઝરાયલનો રાજા નથી; તેથી તેમણે તેનો પીછો કરવાનું મૂકી દીધું. 33 પણ અરામના એક સૈનિકે અનાયાસે મારેલું એક બાણ આહાબ રાજાને તેના કવચના સાંધાઓની વચચમાં થઈને વાગ્યું. તેણે પોતાના સારથિને હાંક મારીને કહ્યું, “હું ઘવાયો છું. રથ પાછો વાળી મને લડાઈમાંથી બહાર લઈ જા.” 34 આખો દિવસ ભીષણ યુદ્ધ મચ્યું. આહાબ રાજાને અરામના સૈન્ય તરફ મુખ રાખી તેના રથમાં ટેકો આપી ટટ્ટાર બેસાડી રાખ્યો. સૂર્યાસ્ત સમયે તે મૃત્યુ પામ્યો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide