૨ કાળવૃત્તાંત 17 - પવિત્ર બાઇબલ C.L.યહોશાફાટ રાજગાદીએ 1 યહોશાફાટ તેના પિતા આસાની જગાએ રાજા થયો, અને તેણે ઇઝરાયલની વિરુદ્ધ પોતાની સત્તા સંગીન બનાવી. 2 તેણે યહૂદિયાનાં કિલ્લેબંધીવાળાં નગરોમાં, યહૂદિયાના ગ્રામ્ય વિસ્તારોમાં અને એફ્રાઈમના પ્રદેશમાં તેના પિતાએ જીતેલાં નગરોમાં લશ્કરી દળો ગોઠવ્યાં. 3 પ્રભુએ યહોશાફાટને આશીર્વાદ આપ્યો, કારણ, તે તેના પિતાના શરૂઆતના જીવનને અનુસર્યો અને બઆલની મૂર્તિઓની ભક્તિ કરી નહિ. 4 તેણે પોતાના પૂર્વજોના ઈશ્વર પ્રત્યે નિષ્ઠા દાખવી. વળી, ઇઝરાયલી રાજાઓનું અનુસરણ નહિ કરતાં તે ઈશ્વરની આજ્ઞા પ્રમાણે વર્ત્યો. 5 પ્રભુએ યહોશાફાટને યહૂદિયાના રાજ્ય પર પૂરો અંકુશ આપ્યો અને સઘળા લોકો તેને માટે ભેટસોગાદો લાવતા, જેથી તે સમૃદ્ધ અને ખૂબ જ સન્માનનીય બન્યો. 6 પ્રભુની સેવા કરવામાં તેણે ભારે ઉત્સાહ દાખવ્યો અને તેણે યહૂદિયામાંથી પૂજાનાં સર્વ ઉચ્ચસ્થાનો અને અશેરા દેવીનાં પ્રતીકોનો સમૂળગો નાશ કર્યો. 7 તેથી પોતાના અમલને ત્રીજે વર્ષે તેણે યહૂદિયાનાં નગરોમાં શિક્ષણ આપવા માટે બેનહાઈલ, ઓબાદ્યા, ઝખાર્યા, નાથાનાએલ અને મીખાયા અધિકારીઓને મોકલ્યા. 8 તેમની સાથે શમાયા, નથાન્યા, ઝબાદ્યા, અસાહેલ, શમીરામોથ, યહોનાથાન, અદોનિયા, ટોબિયા અને ટોબ અદોનિયા એ નવ લેવીઓ તથા એલિશામા અને યહોરામ એ બે યજ્ઞકારો હતા. 9 તેઓ પ્રભુના નિયમશાસ્ત્રનું પુસ્તક લઈને યહૂદિયાનાં બધાં નગરોમાં ગયા અને લોકોને શિક્ષણ આપ્યું. યહોશાફાટની મહાનતા 10 આથી યહૂદિયાની આસપાસનાં સર્વ રાજ્યો પ્રભુથી ડરવા લાગ્યાં અને તેમણે યહોશાફાટ સામે લડાઈ કરવાની હિંમત કરી નહિ. 11 કેટલાક પલિસ્તીઓ યહોશાફાટ પાસે મોટા પ્રમાણમાં ચાંદી અને બીજી ભેટો લાવ્યા, તો કેટલાક આરબો તેને માટે સાત હજાર સાતસો ઘેટાં અને સાત હજાર સાતસો બકરા લાવ્યા. 12 આમ, યહોશાફાટ વધારે ને વધારે બળવાન થતો ગયો. સમસ્ત યહૂદિયામાં તેણે કિલ્લાઓ અને નગરો બાંધ્યાં; 13 ત્યાં વિપુલ જથ્થામાં પુરવઠો રાખવામાં આવતો. 14 યરુશાલેમમાં તેણે ગોત્ર પ્રમાણે શૂરવીર સેનાધિકારીઓ રાખ્યા. યહૂદાના ગોત્રનો અધિપતિ આદના હતો અને તેની હેઠળ ત્રણ લાખ શૂરવીર સૈનિકો હતા. 15 બીજા સ્થાને યહોહાનાન હતો અને તેના નિયંત્રણ હેઠળ બે લાખ એંસી હજાર સૈનિકો હતા. 16 ત્રીજા સ્થાને ઝીખ્રીનો પુત્ર અમાસ્યા હતો અને તેના નિયંત્રણ હેઠળ બે લાખ સૈનિકો હતા. (અમાસ્યાએ પ્રભુની સેવા કરવાનું સ્વેચ્છાએ સ્વીકાર્યું હતું). 17 બિન્યામીનના ગોત્રનો અધિપતિ એલ્યાદા શ્રેષ્ઠ સૈનિક હતો અને તેના હસ્તક ઢાલ અને ધનુષ્ય ધારણ કરતા બે લાખ પુરુષો હતા. 18 તેના પછીના સ્થાને યહોઝાબાદ હતો અને તેની હસ્તક યુદ્ધ માટે સુસજ્જ થયેલા એક લાખ એંસી હજાર પુરુષો હતા. 19 આ માણસો યરુશાલેમમાં રાજાની સેવા કરતા. એ સર્વ ઉપરાંત તેણે યહૂદિયાનાં કિલ્લેબંધીવાળાં નગરોમાં બીજા સૈનિકો રાખ્યા હતા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide