૨ કાળવૃત્તાંત 16 - પવિત્ર બાઇબલ C.L.ઇઝરાયલ સાથે સંઘર્ષ 1 યહૂદિયાના રાજા આસાના અમલના છત્રીસમા વર્ષે ઇઝરાયલના રાજા બાશાએ યહૂદિયા પર આક્રમણ કર્યું અને યહૂદિયામાંથી બહાર અવરજવરનો સઘળો વ્યવહાર કાપી નાખવા માટે તે રામા નગરને કિલ્લેબંધી કરવા લાગ્યો. 2 તેથી રાજાએ પ્રભુના મંદિરમાંથી અને રાજમહેલના ભંડારમાંથી સોનુંચાંદી લઈને તે દમાસ્ક્સમાં અરામના રાજા બેનહદાદ પર આ સંદેશ સાથે મોકલ્યાં. 3 “આપણે આપણા પિતાઓની જેમ મિત્ર રાજ્યો તરીકે સંબંધ બાંધીએ. આ સોનુંચાંદી તમને ભેટ તરીકે મોકલ્યાં: છે. તો હવે ઇઝરાયલના રાજા બાશા સાથેનો સંબંધ કાપી નાખો કે જેથી તે મારા પ્રદેશમાંથી પોતાનાં દળો પાછાં ખેંચી લે.” 4 બેનહદાદે આસાની દરખાસ્ત માન્ય રાખી અને પોતાના લશ્કરી અધિકારીઓ અને સૈન્યને ઇઝરાયલનાં નગરો પર આક્રમણ કરવા મોકલ્યા. તેમણે આયોન, દાન, આબેલ-બેથ-માખા અને પુરવઠા સંગ્રહ માટેનાં નાફતાલીનાં બધાં નગરો કબજે કર્યાં. 5 એ સાંભળીને બાશાએ રામાને કિલ્લેબંધી કરવાનું કામ અટકાવી દઈ પડતું મૂકાયું. 6 પછી આસા રાજાએ સમસ્ત યહૂદિયામાંથી માણસો એકત્ર કર્યા અને બાશા રામામાં બાંધકામમાં વાપરતો હતો તે પથ્થરો અને ઈમારતી લાકડાં લઈ જવા હુકમ કર્યો. તેનો ઉપયોગ તેમણે ગેબા અને મિસ્પા નગરોને કિલ્લેબંધી કરવામાં કર્યો. સંદેશવાહક હનાની 7 એ સમયે સંદેશવાહક હનાનીએ આસા રાજા પાસે જઈને તેને કહ્યું, “તમારા ઈશ્વર પ્રભુ પર આધાર રાખવાને બદલે તમે અરામના રાજા પર આધાર રાખ્યો છે. 8 તેથી ઇઝરાયલનું સૈન્ય તમારા હાથમાંથી છટકી ગયું છે. કૂશીઓ અને લૂબીઓનાં સૈન્યો રથો અને ઘોડેસવારો સહિત ઘણાં મોટાં નહોતાં? પણ તમે ત્યારે પ્રભુ પર આધાર રાખ્યો હતો, તેથી તેમણે તમને તેમના પર વિજય અપાવ્યો હતો. 9 પ્રભુની દૃષ્ટિ સમસ્ત દુનિયાનું નિરીક્ષણ કરે છે, કે જેથી જેમનાં હૃદય તેમના પ્રત્યે પૂરાં નિષ્ઠાવાન છે તેમને તે સમર્થ બનાવી સહાય કરે છે. તમે મૂર્ખાઈ કરી છે અને તેથી હવેથી તમારે હમેશાં લડાઈ રહેશે.” 10 એનાથી સંદેશવાહક પર આસાને એટલો ક્રોધ ચઢયો કે તેણે તેને સાંકળોમાં કેદ પૂર્યો. એ જ સમયે આસાએ કેટલાક લોકો પર અસહ્ય જુલમ વર્તાવ્યો. આસાના અમલનો અંત 11 આસાના અમલના પહેલેથી છેલ્લે સુધીના બનાવો યહૂદિયા અને ઇઝરાયલના ઇતિહાસમાં લખેલા છે. 12 આસાને તેના અમલના ઓગણચાલીસમા વર્ષે પગનું આસાય દરદ થયું; ત્યારે પણ સહાય માટે પ્રભુ તરફ ન વળતાં તે વૈદો પાસે ગયો. 13 બે વર્ષ પછી તે મૃત્યુ પામ્યો. 14 દાવિદનગરમાં તેણે પોતાના માટે ખડકમાં ખોદાવેલી કબરમાં તેને દફનાવવામાં આવ્યો. તેમણે તેના મૃતદેહને દફન માટે અત્તરો અને સુગંધી તેલો લગાડયાં અને તેના મરણનો શોક પાળવા મોટું દહન કર્યું. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide