Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ કાળવૃત્તાંત 14 - પવિત્ર બાઇબલ C.L.


આસા રાજાએ કૂશીઓને હાર આપી

1 અબિયા રાજા મરણ પામ્યો અને તેને દાવિદનગરમાં તેના પૂર્વજો સાથે રાજવી કબરોમાં દફનાવ્યો. તેનો પુત્ર આસા તેના પછી રાજા થયો, અને આસાના રાજ્ય અમલમાં દેશે દશ વર્ષ શાંતિ ભોગવી.

2 આસાએ તેના ઈશ્વર પ્રભુની દૃષ્ટિમાં જે સારું અને સાચું છે તે કર્યું.

3 તેણે પારકી વેદીઓ અને પૂજાનાં ઉચ્ચસ્થાનો દૂર કર્યાં, પવિત્ર શિલાસ્તંભ તોડી નાખ્યો અને અશેરા દેવીનાં પ્રતીકો કાપી નાખ્યાં.

4 તેણે યહૂદિયાના લોકોને તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુની જ આરાધના કરવા અને તેમના શિક્ષણ અને આદેશને આધીન થવા આજ્ઞા કરી.

5 તેણે યહૂદિયાનાં બધાં શહેરોમાંથી વિધર્મી ભજનસ્થાનો અને ધૂપવેદીઓનો નાશ કર્યો તેથી તેના અમલ દરમ્યાન રાજ્યમાં શાંતિ રહી.

6 એ સમય દરમ્યાન તેણે યહૂદિયાનાં નગરોને કિલ્લા બાંયા અને ઘણા વર્ષો સુધી કોઈ યુદ્ધ ખેલાયું નહિ, કારણ, પ્રભુએ તેને શાંતિ આપી હતી.

7 તેણે યહૂદિયાના લોકોને કહ્યું, “ચાલો, આપણે દીવાલો, બુરજ અને ભાગળોવાળા દરવાજા બનાવી નગરોને કિલ્લેબંધીવાળાં બનાવીએ. આપણે આપણા ઈશ્વર પ્રભુની સેવાભક્તિ કરતા હોઈ દેશ પર આપણું નિયંત્રણ છે. તેમણે આપણું રક્ષણ કરીને ચારે બાજુ સલામતી બક્ષી છે.” એમ તેઓએ બાંધકામ કર્યું અને આબાદ થયા.

8 આસા રાજા પાસે ભાલા અને ઢાલ ધારણ કરતા યહૂદિયાના ત્રણ લાખ પુરુષો અને ભાલા ધનુષ્ય ધારણ કરતા બિન્યામીનના બે લાખ એંસી હજાર પુરુષોનું સૈન્ય હતું. તેઓ સૌ શૂરવીર અને તાલીમબદ્ધ યોદ્ધાઓ હતા.

9 ઝેરા નામના કૂશીએ દસ લાખ સૈનિકો અને ત્રણસો રથોના સૈન્ય સાથે યહૂદિયા પર આક્રમણ કર્યું અને છેક મારેશા સુધી આવી પહોંચ્યો.

10 આસા તેની સામે લડવા ગયો અને મારેશા નજીક સાફથાના ખીણપ્રદેશમાં બન્‍ને તરફનાં સૈન્ય ગોઠવાયાં.

11 આસાએ તેના ઈશ્વર પ્રભુને પ્રાર્થના કરી, “ઓ પ્રભુ, માત્ર તમે જ બળવાન સામે નિર્બળને સહાય કરનાર છો. તેથી હે યાહવે, અમારા ઈશ્વર, હવે અમારી સહાય કરો. કારણ, અમે તમારા પર આધાર રાખીએ છીએ, અને અમે તમારે નામે આ મોટા સૈન્ય સામે લડવા આવ્યા છીએ. પ્રભુ, તમે અમારા ઈશ્વર છો; તમારી સામે કોઈ પ્રબળ થઈ શકે નહિ.”

12 આસા અને યહૂદિયાના લશ્કરે હુમલો કર્યો એટલે પ્રભુએ કૂશી સૈન્યને હરાવ્યું. તેઓ ભાગી છૂટયા,

13 અને આસા તથા તેનાં લશ્કરી દળોએ છેક ગેરાર સુધી તેમનો પીછો કર્યો. એટલા બધા કૂશીઓ માર્યા ગયા કે તેમનામાંથી એકેય બચ્યો નહિ. પ્રભુ અને તેમનાં દળોએ તેમના પર પૂરી જીત મેળવી. યહૂદિયાના સૈન્યે મોટી લૂંટ મેળવી.

14 પછી તેમણે ગેરારની આસપાસનાં નગરોનો નાશ કર્યો, કારણ, લોકો પ્રભુથી ભયભીત થઈ ગયા હતા. સૈન્યે એ બધાં નગરોનો કચ્ચરઘાણ વાળ્યો અને મોટી લૂંટ મેળવી.

15 તેમણે કેટલાક ઘેટાંપાળકોની છાવણીઓ પર હુમલો કરી મોટી સંખ્યામાં ઘેટાં અને ઊંટો લઈ લીધાં. પછી તેઓ યરુશાલેમ પાછા ફર્યા.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan