૨ કાળવૃત્તાંત 13 - પવિત્ર બાઇબલ C.L.યરોબામ સાથે અબિયાની લડાઈ ( ૧ રાજા. 15:1-18 ) 1 ઇઝરાયલના રાજા યરોબામના અમલના અઢારમે વર્ષે અબિયા યહૂદિયાનો રાજા થયો, 2 અને તેણે યરુશાલેમમાં ત્રણ વર્ષ રાજ્ય કર્યું. તેની માતા ગિબ્યા નગરના ઉરિયેલની પુત્રી મિખાયા હતી. અબિયા અને યરોબામ વચ્ચે લડાઈ ફાટી નીકળી. 3 અબિયાએ ચાર લાખ ચુનંદા શૂરવીર સૈનિકોનું સૈન્ય ઉતાર્યું હતું અને યરોબામે આઠ લાખ ચુનંદા શૂરવીર સૈનિકોથી તેનો સામનો કર્યો. 4 એફ્રાઈમના પહાડીપ્રદેશમાં સૈન્યો સામસામે આવ્યાં. અબિયા રાજાએ સમારાઈમ પર્વત પર ચઢી જઈ યરોબામ અને ઇઝરાયલીઓને પડકાર કર્યો. તેણે કહ્યું, “મારું સાંભળો. 5 ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ દાવિદ અને તેના વંશજોને ઇઝરાયલ પર સદા રાજ કરવા દેવા અંગે લૂણનો અતૂટ કરાર કર્યો છે એ શું તમે નથી જાણતા? 6 છતાં દાવિદના પુત્ર શલોમોન સામે શલોમોનના જ એક સેનાધિકારી એટલે નબાટના પુત્ર યરોબામે તેના માલિક સામે વિદ્રોહ કર્યો છે. 7 તે પછી કેટલાક અધમ બંડખોરોનું જૂથ ઊભું કરીને તે શલોમોનના પુત્ર રહાબામની સામે પડીને પ્રબળ થયો; કારણ, રહાબામ જુવાન અને બિનઅનુભવી હોવાથી તેનો સામનો કરી શકે તેમ નહોતો. 8 હવે તમે પ્રભુના રાજ્ય સામે એટલે તેમણે દાવિદના વંશજોને આપેલી રાજસત્તા સામે લડવા માગો છો? તમારી પાસે મોટું સૈન્ય છે અને યરોબામે તમારા દેવ થવા બનાવેલ સોનાના વાછરડા લાવ્યા છો. 9 તમે આરોનના વંશજો, પ્રભુના યજ્ઞકારોને હાંકી કાઢયા અને લેવીઓને પણ હાંકી કાઢયા. તેમની જગ્યાએ તમે અન્ય પ્રજાઓ કરે છે તેમ યજ્ઞકારો નીમ્યા છે; એક વાછરડો અને સાત ઘેટાં લાવીને પોતાનું સમર્પણ કરે તેવા કોઈને પણ તમે તમારા કહેવાતા દેવોનો યજ્ઞકાર નીમો છો.” 10 “પણ અમે તો હજી પણ અમારા ઈશ્વર પ્રભુની સેવા કરીએ છીએ અને તેમનો ત્યાગ કર્યો નથી. આરોનના વંશજો યજ્ઞકાર તરીકે પોતાની ફરજ બજાવે છે અને લેવીઓ તેમને સહાય કરે છે. 11 દરરોજ સવારસાંજ તેમને સુવાસિત ધૂપ ચડાવાય છે અને પૂર્ણ દહનબલિ થાય છે. પવિત્ર મેજ પર તેઓ અર્પિત રોટલી પણ ગોઠવે છે. રોજ સાંજે તેઓ સોનાની દીવીઓ પરના દીવા પેટાવે છે. અમે તો અમારા ઈશ્વર પ્રભુની આજ્ઞા પ્રમાણે વર્તીએ છીએ, પણ તમે તેમનો ત્યાગ કર્યો છે. 12 ઈશ્વર પોતે અમારા આગેવાન છે અને તેમના યજ્ઞકારો તમારી સામેની લડાઈમાં રણભેરી વગાડવા તેમનાં રણશિંગડાં લઈને અહીં અમારી સાથે છે. હે ઇઝરાયલીઓ, તમે તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુની સામે લડશો નહિ! તમે જીતી શકવાના નથી.” 13 દરમ્યાનમાં યરોબામે તેની કેટલીક ટુકડીઓને યહૂદિયાના સૈન્યને પાછળથી છાપો મારવા મોકલી હતી, જ્યારે બાકીનું સૈન્ય સામેથી ગોઠવ્યું હતું. 14 યહૂદિયાના માણસોએ જોયું કે તેઓ ચારે બાજુથી ઘેરાઈ ગયા છે. તેમણે મદદ માટે પ્રભુને પોકાર કર્યો, અને યજ્ઞકારોએ રણશિંગડાં વગાડયાં. 15 યહૂદિયાના માણસોએ મોટો પોકાર કર્યો અને ઈશ્વરે અબિયા અને યહૂદિયાના સૈન્ય સામે યરોબામ અને ઇઝરાયલી સૈન્યનો પરાભવ કર્યો. 16 ઇઝરાયલીઓ યહૂદિયાના માણસોથી ભાગ્યા અને ઈશ્વરે યહૂદિયાના માણસોને તેમના પર વિજય પમાડયો. 17 અબિયા અને તેના સૈન્યે ઇઝરાયલીઓનો ભારે સંહાર કર્યો. ઇઝરાયલના પાંચ લાખ ચુનંદા સૈનિકો માર્યા ગયા. 18 અને એમ યહૂદિયાના લોકો ઇઝરાયલ પર વિજય પામ્યા, કારણ, તેમણે પોતાના પૂર્વજોના ઈશ્વર પ્રભુ પર આધાર રાખ્યો હતો. 19 અબિયાએ યરોબામના સૈન્યનો પીછો કર્યો અને તેનાં કેટલાંક નગરો એટલે બેથેલ, યશાના અને એફ્રોન અને એ નગર નજીકનાં ગામો કબજે કર્યાં. 20 અબિયાના અમલ દરમ્યાન યરોબામ ફરીથી પ્રબળ થઈ શક્યો નહિ. છેવટે પ્રભુનો માર્યો તે મરી ગયો. 21 પણ અબિયા તો વધુ ને વધુ સત્તાશાળી થયો. તેને ચૌદ પત્નીઓ હતી. તે બાવીસ પુત્રો અને સોળ પુત્રીઓનો પિતા હતો. 22 અબિયાનો બાકીનો ઇતિહાસ, એટલે તેનાં કાર્યો અને વચનો ઈદ્દો સંદેશવાહકના ઇતિહાસમાં લખેલાં છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide