Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ કાળવૃત્તાંત 12 - પવિત્ર બાઇબલ C.L.


યહૂદિયા પર ઇજિપ્તનું આક્રમણ
( ૧ રાજા. 14:15-28 )

1 રાજા તરીકેની પોતાની સત્તા સંગીન થતાં રહાબામે અને તેના સર્વ લોકોએ પ્રભુના નિયમનો ત્યાગ કર્યો.

2 રહાબામના અમલના પાંચમા વર્ષમાં તેમને પ્રભુ પ્રત્યેની બેવફાઈને લીધે શિક્ષા કરવામાં આવી. ઇજિપ્તના રાજા શીશાકે યરુશાલેમ પર ચઢાઈ કરી.

3 તેના સૈન્યમાં બારસો રથો, સાઠ હજાર ઘોડેસવારો અને અગણ્ય સૈનિકો, તેમજ લૂબીઓ, સુક્કાઈઓ અને કૂશીઓની ટુકડીઓ હતાં.

4 તેણે યહૂદિયાનાં કિલ્લેબંધીવાળાં નગરો કબજે કર્યાં અને છેક યરુશાલેમ આવી પહોંચ્યો.

5 રહાબામ અને યહૂદિયાના આગેવાનો શીશાકથી બચવા યરુશાલેમમાં એકત્ર થયા. સંદેશવાહક શમાયા તેમની પાસે ગયો. તેણે તેમને કહ્યું, “પ્રભુ તરફથી તમારે માટે આ સંદેશો છે: ‘તમે મારો ત્યાગ કર્યો છે તેથી હું પણ તમને શીશાકના હાથમાં સોંપી દઉં છું.”

6 રાજાએ અને ઇઝરાયલી આગેવાનોએ દીનભાવે કબૂલ્યું કે તેમણે પાપ કર્યું છે. તેમણે કહ્યું, “પ્રભુ પોતાનાં સર્વ કાર્યોમાં ન્યાયી છે.”

7 તેઓ દીન બની ગયા છે એ જોઈને પ્રભુએ ફરીથી શમાયાને સંદેશો આપ્યો, “તેમણે દીનભાવે પોતાના પાપનો એકરાર કર્યો હોઈ હું તેમનો વિનાશ નહિ કરું પણ શીશાક હુમલો કરશે ત્યારે તેઓ માંડમાંડ બચી જશે અને હું યરુશાલેમ પર મારો પૂરો કોપ નહિ ઉતારું,

8 પણ શીશાક તેમને જીતી લેશે, અને મારી સેવા કરવામાં અને પૃથ્વીના રાજાઓની સેવા કરવામાં શું તફાવત છે તેની તેમને ખબર પડશે.”

9 શીશાક રાજા યરુશાલેમ આવીને પ્રભુના મંદિરના અને રાજમહેલના ભંડારો લૂંટી ગયો. શલોમોન રાજાએ બનાવડાવેલી સોનાની ઢાલો સહિત તે બધું લઈ ગયો.

10 રહાબામે એને બદલે તાંબાની ઢાલો બનાવડાવી અને રાજમહેલના દ્વારપાળોના અધિકારીઓને સોંપી.

11 રાજા જ્યારે જ્યારે પ્રભુના મંદિરમાં જતો ત્યારે દ્વારપાળો ઢાલ ધારણ કરતા અને તે પછી સંરક્ષકોની ઓરડીમાં જમા કરાવતા.

12 તે પ્રભુની આગળ નમ્ર થઈ ગયો તેથી પ્રભુના કોપથી તેનો પૂરો નાશ થયો નહિ, અને યહૂદિયામાં પણ સમૃદ્ધિ જળવાઈ રહી.


રહાબામનો અમલ

13 રહાબામે યરુશાલેમમાં રહીને રાજ કર્યું અને રાજા તરીકે પોતાની સત્તા જમાવી. તે એક્તાળીસ વર્ષની વયે રાજા થયો અને યરુશાલેમ, જેને ઈશ્વર યાહવેએ આખા ઇઝરાયલ દેશમાંથી પોતાના નામની ભક્તિ માટે પસંદ કર્યું હતું તેમાં રહીને સત્તર વર્ષ રાજ કર્યું. રહાબામની માતા નામાહ આમ્મોન દેશની હતી.

14 તેણે ભૂંડું કર્યું, કારણ, તેણે પ્રભુની સલાહ શોધવામાં પોતાનું ચિત્ત પરોવ્યું નહિ.

15 રહાબામનાં પહેલેથી છેલ્લે સુધીનાં કાર્યો અને તેના કુટુંબની વિગતો સંદેશવાહક શમાયાના ઇતિહાસમાં અને દષ્ટા ઇદ્દોના ઇતિહાસમાં આપેલાં છે. રહાબામ અને યરોબામ વચ્ચે સતત સંઘર્ષ ચાલતો હતો.

16 રહાબામ મરણ પામ્યો અને તેને દાવિદનગરમાં રાજવી કબરમાં પોતાના પૂર્વજો સાથે દફનાવવામાં આવ્યો. તેની જગાએ તેના પછી તેનો પુત્ર અબિયા રાજા થયો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan