Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ કાળવૃત્તાંત 11 - પવિત્ર બાઇબલ C.L.


શમાયાનો સંદેશ
( ૧ રાજા. 12:21-24 )

1 રહાબામ યરુશાલેમ પાછો આવ્યો એટલે તેણે બિન્યામીન અને યહૂદાના કુળમાંથી એક લાખ એંશી હજાર ચુનંદા સૈનિકો એકત્ર કર્યા. તેનો ઈરાદો ચડાઈ કરીને ઇઝરાયલનાં ઉત્તરનાં કુળો પર પાછો અંકુશ મેળવવાનો હતો.

2-3 પણ પ્રભુએ શમાયા સંદેશવાહક દ્વારા રહાબામ રાજા અને યહૂદા તથા બિન્યામીનના કુળના સર્વ લોકોને આ સંદેશો મોકલ્યો:

4 “તમારા ઇઝરાયલી ભાઈઓ પર આક્રમણ કરશો નહિ. તમે સૌ ઘેર જાઓ. એ બધું મારી ઇચ્છા પ્રમાણે થયું છે.” તેઓ પ્રભુની આજ્ઞા માનીને યરોબામ સામે લડવા ગયા નહિ.


રબાહામ નગરોને કિલ્લેબંધીવાળાં કરે છે

5 રહાબામ યરુશાલેમમાં જ રહ્યો અને યહૂદિયા તથા બિન્યામીનનાં આટલાં નગરોને કિલ્લેબંધી કરાવી:

6 બેથલેહેમ, એથાન, તકોઆ,

7 બેથ-શૂર, સોકો, અદુલ્લામ,

8 ગાથ, મારેશા, ઝીફ,

9 અદોરાઈમ, લાખીશ, અઝેકા,

10 સોરા, આયાલોન અને હેબ્રોન.

11 તેણે તે નગરોની મજબૂત કિલ્લેબંધી કરી અને દરેક નગરમાં લશ્કરી અધિકારી નીમ્યો. તેણે દરેક નગરમાં ખોરાક, ઓલિવ-તેલ, દ્રાક્ષાસવ,

12 ઢાલો અને ભાલાઓનો પુરવઠો રાખ્યો. આમ, યહૂદિયા અને બિન્યામીન તેના તાબામાં રહ્યા.


યજ્ઞકારો અને લેવીઓ યહૂદિયામાં આવે છે

13 ઇઝરાયલના બધા પ્રદેશમાંથી યજ્ઞકારો અને લેવીઓએ રહાબામ પાસે યહૂદિયામાં આવીને આશરો લીધો.

14 લેવીઓ તેમનાં ગૌચરો અને બીજી જમીનો છોડી દઈ યહૂદિયા અને યરુશાલેમમાં આવ્યા. કારણ, ઇઝરાયલનો રાજા યરોબામ અને તેના રાજવારસો તેમને પ્રભુના યજ્ઞકારો તરીકે સેવા કરવા દેતા નહોતા.

15 યરોબામે પૂજાનાં ઉચ્ચસ્થાનોમાં સેવા કરવા અને પોતે ઘડાવેલી બકરા અને બળદની મૂર્તિઓની પૂજા કરવા પોતાના આગવા યજ્ઞકારો નીમ્યા.

16 ઇઝરાયલનાં સર્વ કુળોમાંથી જે લોકો ઇઝરાયલના ઈશ્વર પ્રભુ પ્રત્યે નિષ્ઠાવાન હતા તેઓ પણ લેવીઓની સાથે યરુશાલેમ આવતા રહ્યા; કે જેથી તેઓ તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુને અર્પણો ચઢાવી શકે.

17 એનાથી યહૂદિયાનું રાજ્ય સંગીન બન્યું અને ત્રણ વર્ષ સુધી તેઓ શલોમોનના પુત્ર રહાબામની પડખે રહ્યા અને દાવિદ રાજા અને શલોમોન રાજાના અમલમાં જેમ તેઓ રહેતા તેમ રહ્યા.


રહાબામનું કુટુંબ

18 રહાબામે માહાલાથ સાથે લગ્ન કર્યું. માહાલાથનો પિતા યરીમોથ દાવિદનો પુત્ર હતો અને તેની માતા અબિહાઈલ એલિયાબની પુત્રી અને યશાઈની પૌત્રી હતી.

19 તેમને ત્રણ પુત્રો હતા; યેશૂ, શમાર્યા, અને માહામ.

20 પાછળથી તેણે આબ્શાલોમની પુત્રી માખા સાથે લગ્ન કર્યુ અને તેમને ચાર પુત્રો હતા. અબિયા, આત્તાઈ, ઝીઝા અને શલોમીથ.

21 રહાબામને બધી મળીને અઢાર પત્નીઓ અને સાઠ ઉપપત્નીઓ હતી અને તે અઠ્ઠાવીસ પુત્રોનો અને સાઠ પુત્રીઓનો પિતા હતો. પોતાની સર્વ પત્નીઓ અને ઉપપત્નીઓ પૈકી તે આબ્શાલોમની પુત્રી માખાને સૌથી વધુ ચાહતો હતો.

22 અને તેના પુત્ર અબિયાને પોતાના પછી રાજા થવાને પસંદ કરીને બીજાં સંતાનોમાં તેને પાટવી કુંવર તરીકે સ્વીકાર્યો.

23 રહાબામે પોતાના પુત્રોને બુદ્ધિપૂર્વક જવાબદારી સોંપી અને તેમને યહૂદિયા અને બિન્યામીનના કિલ્લેબંધીવાળાં નગરો પર મૂક્યા. તેણે તેમને ઉદારતાથી સંપત્તિ આપી અને તેમને માટે ઘણી પત્નીઓ લીધી.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan