Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ કાળવૃત્તાંત 1 - પવિત્ર બાઇબલ C.L.


જ્ઞાન માટે શલોમોનની પ્રાર્થના
( ૧ રાજા. 3:1-5 )

1 દાવિદ રાજાના પુત્ર શલોમોને ઇઝરાયલના રાજ્ય પર પોતાની સત્તા જમાવી. તેના પ્રભુ ઈશ્વરે તેને આશિષ આપી અને તેનો વૈભવ વધાર્યો.

2 શલોમોને સહાધિપતિઓને, શતાધિપતિઓને, ન્યાયાધીશોને, સર્વ અમલદારોને, કુટુંબના સર્વ વડાઓને અને બાકીના સર્વ ઇઝરાયલીઓને એકત્ર થવા ફરમાન કર્યું.

3 પછી પોતાની સાથે સમસ્ત સમુદાયને લઈને તે ગિબ્યોનમાંના ભક્તિના ઉચ્ચસ્થાને ગયો, કારણ, પ્રભુના સેવક મોશેએ વેરાનપ્રદેશમાં બનાવેલો ઈશ્વરનો મુલાકાતમંડપ ત્યાં હતો.

4 જો કે ઈશ્વરની કરારપેટી તો યરુશાલેમમાં હતી. દાવિદે તેને કિર્યાથ-યારીમથી લાવ્યા પછી ત્યાં તેને તંબૂમાં રાખી હતી.

5 હૂરના પુત્ર ઉરીના પુત્ર બસાએલે બનાવેલી તાંબાની વેદી પણ ગિબ્યોનમાં પ્રભુના મંડપની આગળ હતી. શલોમોન રાજા અને સમસ્ત સમુદાયે ત્યાં પ્રભુનું ભજન કર્યું.

6 પ્રભુના મંડપની સામે તામ્રવેદી પર બલિદાન કરીને શલોમોને પ્રભુની આરાધના કરી; તેણે તેના પર એક હજાર પશુઓનો દહનબલિ કર્યો.

7 એ રાત્રે ઈશ્વરે શલોમોનને દર્શન દઈને તેને કહ્યું, “માગ, હું તને શું આપું?”

8 શલોમોને જવાબ આપ્યો, “તમે મારા પિતા દાવિદ પ્રત્યે હમેશા અપાર પ્રેમ દાખવ્યો હતો, અને તમે જ મને તેમના પછી રાજા બનાવ્યો છે.

9 ઓ પ્રભુ પરમેશ્વર, હવે મારા પિતા દાવિદને તમે આપેલું વચન પૂરું કરો. તમે મને પૃથ્વીની ધૂળની રજ જેટલા અગણિત લોકો પર રાજા બનાવ્યો છે.

10 તેથી આ લોકોને સર્વ બાબતોમાં દોરવણી આપી શકું તે માટે મને વિવેકબુદ્ધિ અને જ્ઞાન આપો; નહિ તો તમારી આ મહાન પ્રજા પર હું કેવી રીતે શાસન ચલાવી શકું?”

11 ઈશ્વરે શલોમોનને કહ્યું, “તેં તારા મનથી યોગ્ય પસંદગી કરી છે. તેં નથી માગ્યાં ધનદોલત કે કીર્તિ કે નથી માગ્યા તારા શત્રુઓના જીવ! અરે, તેં તારે માટે દીર્ઘાયુષ્ય પણ માગ્યું નથી; પણ જેમના પર મેં તને રાજા બનાવ્યો છે તે મારા લોક પર શાસન કરવા તેં વિવેકબુદ્ધિ અને જ્ઞાન માગ્યાં છે.

12 તો હું તને વિવેકબુદ્ધિ અને જ્ઞાન આપીશ. વળી, હું તને તારી અગાઉ થઈ ગયેલા કે તારા પછી થનાર કોઈપણ રાજા કરતાં વધારે ધનદોલત અને કીર્તિ આપીશ.”


શલોમોન રાજાનાં ધનવૈભવ અને લશ્કરી તાક્ત
( ૧ રાજા. 10:26-29 )

13 પછી શલોમોન ગિબ્યોનની ટેકરી પરના ભક્તિસ્થાન, એટલે જ્યાં મુલાકાતમંડપ હતો ત્યાંથી યરુશાલેમ પાછો ફર્યો. ત્યાંથી તેણે ઇઝરાયલ પર રાજ કર્યું.

14 તેણે ચૌદસો રથો અને બાર હજાર ઘોડાઓનું દળ ઊભું કર્યું. તેમાંના કેટલાકને તેણે યરુશાલેમમાં રાખ્યા, જ્યારે બાકીનાને બીજા રથ-નગરોમાં રાખ્યા.

15 એના અમલ દરમ્યાન યરુશાલેમમાં સોનુંરૂપું પથ્થરના જેટલું સામાન્ય થઈ પડયું અને ગંધતરુનું પ્રમાણ નીચાણના પ્રદેશના ગુલ્લર વૃક્ષ જેટલું થઈ પડયું.

16-17 શલોમોન માટે મૂસરી અને કિલિકિયાથી ઘોડાની આયાત કરવામાં આવતી. ઇજિપ્તમાંથી રથોની આયાત રાજાના સોદાગરો હસ્તક હતી. તેઓ હિત્તી અને અરામી રાજાઓને પણ રથ અને ઘોડા પૂરા પાડતા; તેઓ ચાંદીના છસો સિક્કાના એક લેખે રથો અને દોઢસો સિક્કાના એક લેખે ઘોડા વેચતા.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan