Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 તિમોથી 6 - પવિત્ર બાઇબલ C.L.

1 સર્વ ગુલામોએ પોતાના માલિકોને આદરપાત્ર ગણવા જોઈએ, જેથી ઈશ્વરના નામનું કે આપણા શિક્ષણનું કોઈ ભૂંડું બોલે નહિ.

2 જેમના માલિકો વિશ્વાસીઓ છે તેવા ગુલામોએ માલિકો તેમના ભાઈઓ હોવાથી તેમને તુચ્છકારવા ન જોઈએ. એથી ઊલટું, તેમની વધુ સારી સેવા કરવી જોઈએ. કારણ, તેમની સેવાનો લાભ તો વિશ્વાસી પ્રિયજનોને જ મળે છે. તારે આ વાતોનું બોધદાયક શિક્ષણ આપવું જોઈએ.


જૂઠું શિક્ષણ અને સાચું ધન

3 જે કોઈ જુદા પ્રકારનો સિદ્ધાંત શીખવે છે અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં સત્ય વચનો તથા ધર્મ શિક્ષણ સાથે સંમત થતો નથી,

4 તે અભિમાનમાં ફુલાઈ ગયો છે અને કશું જાણતો નથી. તેનામાં માત્ર વાદવિવાદની અને શબ્દવાદની ખોટી ઇચ્છા છે. એનાથી તો અદેખાઈ, ઝઘડા, અપમાન અને કુશંકાઓ ઉત્પન્‍ન થાય છે.

5 એવા માણસોમાં સતત વાદવિવાદ ચાલ્યા કરે છે, તેમની બુદ્ધિ ભ્રષ્ટ થયેલી હોય છે અને તેમની પાસે સત્ય હોતું નથી. તેઓ ધર્મને ધનવાન બનવાનો માર્ગ માની બેઠા છે.

6 અલબત્ત, પોતાની પાસે જે કંઈ છે તેનાથી વ્યક્તિ સંતોષી હોય, તો ધર્મ જરૂરથી વિશેષ સમૃદ્ધિ લાવે છે.

7 આપણે આ દુનિયામાં શું લઈને આવ્યા છીએ? કંઈ જ નહિ! વળી, આ દુનિયામાંથી આપણે શું લઈ જવાનાં છીએ? કંઈ જ નહિ!

8 તેથી આપણને ખોરાક અને વસ્ત્રો મળી રહે તો તેટલું બસ છે.

9 પણ ધનવાન થવાની ઇચ્છા રાખનારાઓ ક્સોટીમાં પડે છે, અને ઘણી મૂર્ખ તથા હાનિકારક ઇચ્છાઓના ફાંદામાં ફસાઈ જાય છે, જે માણસને અધોગતિના અને વિનાશના માર્ગે ઘસડી જાય છે.

10 કારણ, દ્રવ્યલોભ સર્વ પ્રકારનાં પાપનું મૂળ છે. ધનવાન થઈ જવાની તૃષ્ણામાં કેટલાક વિશ્વાસથી ભટકી ગયા છે, અને ઘણા દુ:ખોથી તેમનાં હૃદય વીંધાયાં છે.


અંગત સૂચનાઓ

11 પણ ઈશ્વરભક્ત તરીકે તારે આ બધી બાબતોથી દૂર રહેવું. સદાચાર, ભક્તિ, વિશ્વાસ, પ્રેમ, સહનશીલતા અને નમ્રતા પ્રાપ્ત કરવા તારે પ્રયત્નશીલ રહેવું.

12 વિશ્વાસની દોડ પૂરી તાક્તથી દોડ અને પોતાને માટે સાર્વકાલિક જીવન પ્રાપ્ત કર. કારણ, ઘણા સાક્ષીઓ સમક્ષ તેં વિશ્વાસનો સારો એકરાર કર્યો ત્યારે ઈશ્વરે તને એ જ જીવન માટે આમંત્રણ આપ્યું હતું.

13 સૌના જીવનદાતા ઈશ્વરની સમક્ષ અને પોંતિયસ પિલાતની સમક્ષ સારો એકરાર કરનાર ખ્રિસ્ત ઈસુ સમક્ષ હું તને આજ્ઞા કરું છું:

14 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનના દિવસ સુધી શુદ્ધ તથા નિર્દોષ રહીને આજ્ઞા પાળ.

15 ઈશ્વર સર્વોપરી સત્તાધીશ છે; રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છે. તે નિયત સમયે ઈસુને પ્રગટ કરશે.

16 માત્ર તે જ અવિનાશી છે, કોઈથી પાસે જઈ ના શકાય તેવા પ્રકાશમાં રહે છે; કોઈએ તેમને કદી જોયા નથી અને જોઈ શકતું પણ નથી. તેમને મહિમા અને સાર્વકાલિક અધિકાર હો; આમીન.

17 આ યુગના ધનિકોને આજ્ઞા કર કે તેઓ ગર્વિષ્ઠ ન બને. ધન જેવી ક્ષણિક બાબતો પર નહિ પણ આપણા ઉપયોગને માટે સર્વ કંઈ ઉદારતાથી આપનાર ઈશ્વર પર આશા રાખે,

18 સારું કરે, સારાં કાર્યો કરવામાં ધનવાન બને, ઉદાર બને અને બીજાઓને મદદ કરવા તત્પર બને.

19 આ રીતે તેઓ ભવિષ્ય માટે મજબૂત પાયારૂપ સારી સંપત્તિ પોતાને માટે એકઠી કરશે, અને એમ જે ખરેખરું જીવન છે તે તેઓ પ્રાપ્ત કરી શકશે.

20 હે તિમોથી, તને જે સોંપવામાં આવ્યું છે તે જાળવી રાખજે. અધર્મી વાતો અને કેટલાક માણસો જેને ભૂલથી “જ્ઞાન” કહે છે તે વિષેની મૂર્ખતાભરી ચર્ચાઓથી દૂર રહે.

21 કારણ, પોતાની પાસે એ જ્ઞાન હોવાનો દાવો કરીને કેટલાક વિશ્વાસથી ભટકી ગયા છે. ઈશ્વરની કૃપા તમ સર્વની સાથે રહો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan