1 તિમોથી 5 - પવિત્ર બાઇબલ C.L.વિશ્વાસીઓ પ્રત્યેની જવાબદારી 1 મોટી ઉંમરનાઓને ઠપકો ન આપ, પણ તેમને પિતાની માફક સમજાવ. યુવાનોને ભાઈ જેવા ગણ. 2 મોટી ઉંમરની સ્ત્રીઓને માતા જેવી અને યુવતીઓને સર્વ પવિત્રતામાં બહેનો જેવી ગણ. 3 એક્કી વિધવાઓને મદદ કર. પણ કોઈ વિધવાને છોકરાં કે છોકરાંનાં છોકરાં હોય, 4 તો તેમણે પ્રથમ તેમના પોતાના ઘર પ્રત્યે પોતાની ધાર્મિક જવાબદારી અદા કરવી જોઈએ અને માબાપનું ઋણ અદા કરવું જોઈએ. 5 કારણ, ઈશ્વરને એ ગમે છે. પણ જે સ્ત્રી એક્કી વિધવા છે, જેની સંભાળ રાખનાર કોઈ નથી, તેની આશા ઈશ્વરમાં છે અને તે રાતદિવસ સતત ઈશ્વરને વિનંતી અને પ્રાર્થના કરે છે. 6 પણ જે વિધવા મોજશોખ માણે છે તે જીવંત છતાં મરેલી છે. 7 તેમને આ બધી વાતો સમજાવજે, જેથી તેઓ કોઈ દોષમાં પડે નહિ. 8 પણ જો કોઈ પોતાના સગાંની અને ખાસ કરીને પોતાના ઘરનાંની સંભાળ રાખતો નથી, તો તેણે વિશ્વાસનો ત્યાગ કર્યો છે અને તે અવિશ્વાસી કરતાં પણ અધમ છે. 9 સાઠ વર્ષથી વધુ ઉંમરની હોય, એક જ વાર લગ્ન કર્યું હોય, 10 સારાં ક્મ માટે જાણીતી હોય, પોતાનાં બાળકોને સારી રીતે ઉછેર્યાં હોય, અતિથિ સત્કાર કર્યો હોય, ઈશ્વરના લોકના પગ ધોયા હોય અને સર્વ પ્રકારનાં સારાં કાર્યો કરવામાં નિષ્ઠા દાખવી હોય, તેવી વિધવાઓનાં જ નામ તારે મંડળીની વિધવાઓની યાદીમાં નોંધવાં. 11 પણ જુવાન વિધવાઓનાં નામ યાદીમાં નોંધવાં નહીં. કારણ, જ્યારે તેમને લગ્ન કરવાની ઇચ્છા થાય ત્યારે તેઓ ખ્રિસ્તથી દૂર જઈને લગ્ન કરે છે. 12 આમ, ખ્રિસ્તને અગાઉ આપેલા વચનનો ભંગ કરીને તેઓ દોષિત ઠરે છે. 13 વળી, આળસુ બનીને ઘેર ઘેર ફરીને સમયનો બગાડ કરે છે, અફવાઓ ફેલાવે છે અને નક્મી વાતો કર્યા કરે છે. 14 આથી જુવાન વિધવાઓ લગ્ન કરે, તેમને બાળકો થાય અને ઘરની સંભાળ રાખે તેવું હું ઇચ્છું છું. જેથી આપણા દુશ્મનો આપણું ભૂંડું બોલી શકે નહિ. 15 કારણ, કેટલીક વિધવાઓ તો વંઠી જઈને શેતાનને માર્ગે ચાલે છે. 16 પણ જો કોઈ વિશ્વાસી પુરુષ કે સ્ત્રીના કુટુંબમાં વિધવાઓ હોય તો તેણે તેમનું ભરણપોષણ કરવું અને મંડળી પર તેનો બોજો નાખવો નહિ, જેથી મંડળી ફક્ત નિરાધાર વિધવાઓની જ કાળજી રાખે. 17 જે આગેવાનો સારી રીતે કાર્ય કરતા હોય અને ખાસ કરીને ઉપદેશ ને શિક્ષણમાં પરિશ્રમ ઉઠાવતા હોય તો તેમને બમણા વેતનને પાત્ર ગણવા જોઈએ. 18 કારણ, શાસ્ત્રમાં લખ્યું છે: “જ્યારે બળદ અનાજ છૂટું પાડવાનું કાર્ય કરે ત્યારે તેના મોં પર જાળી બાંધવી નહિ.” અને, “મહેનત કરનારને વેતન મેળવવાનો હક્ક છે.” 19 ધર્મસેવક વિરુદ્ધની ફરિયાદ બે કે ત્રણ સાક્ષી મારફતે આવે નહિ તો તેને સ્વીકારવી નહિ. 20 પાપ કરનારાઓને જાહેરમાં ધમકાવ જેથી બીજાઓ પર પણ ધાક બેસે. 21 ઈશ્વરની, ઈસુ ખ્રિસ્તની અને પવિત્ર દૂતોની સમક્ષ હું ગંભીર આજ્ઞા કરું છું કે, તું કોઈપણ જાતના પૂર્વગ્રહ કે પક્ષપાત વગર આ સૂચનાઓને આધીન થા. 22 પ્રભુની સેવાને માટે કોઈને દીક્ષા આપવામાં ઉતાવળ કરીશ નહિ. બીજાઓનાં પાપમાં સામેલ ન થા. પણ તું પોતાને શુદ્ધ રાખ. 23 હવેથી માત્ર પાણી જ ન પીતાં, તું વારંવાર માંદો પડે છે અને તને પાચનની તકલીફ છે માટે થોડો દ્રાક્ષાસવ પીજે. 24 કેટલાક માણસોનાં પાપ દેખીતાં હોય છે અને તે તેમને ન્યાયશાસનમાં લઈ જાય છે; જ્યારે બીજા કેટલાંકનાં પાપ તપાસ થયા પછી માલૂમ પડે છે. 25 તેવી જ રીતે સારાં કાર્યો સ્પષ્ટ રીતે દેખાય છે અને જે એવાં સ્પષ્ટ નથી તે પણ છુપાઈ શક્તાં નથી. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide