Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 તિમોથી 4 - પવિત્ર બાઇબલ C.L.


જૂઠા શિક્ષકો

1 પવિત્ર આત્મા સ્પષ્ટ રીતે જણાવે છે કે પાછલા સમયમાં કેટલાક માણસો વિશ્વાસમાં ડગી જશે. તેઓ જૂઠા આત્માઓ અને દુષ્ટાત્માઓના શિક્ષણને અનુસરશે.

2 આ શિક્ષણ જૂઠા માણસોની છેતરપિંડીથી ફેલાય છે. લોખંડના ગરમ સળિયાથી ડામ દેવામાં આવ્યો હોય તેમ તેમની પ્રેરકબુદ્ધિ મરેલી છે.

3 લગ્ન ન કરવું જોઈએ અને અમુક ખોરાક ન ખાવો જોઈએ તેવું આ માણસો શીખવે છે. પણ વિશ્વાસીઓ અને સત્યને જાણનારાઓએ આભારની પ્રાર્થના કરી, ઈશ્વરે ઉત્પન્‍ન કરેલો ખોરાક ખાવો જોઈએ.

4 ઈશ્વરે બનાવેલું બધું સારું છે; તેમાંથી કશાનો નકાર કરાય નહિ. પણ આભારની પ્રાર્થના સાથે દરેક વસ્તુનો સ્વીકાર કરવો જોઈએ.

5 કારણ, ઈશ્વરનાં વચન અને પ્રાર્થનાને લીધે તે ઈશ્વરને સ્વીકાર્ય બને છે.


ઈસુ ખ્રિસ્તનો ઉત્તમ કાર્યકર

6 તું પોતે વિશ્વાસનાં સત્યો અને સાચા શિક્ષણને અનુસરીને આત્મિક રીતે પોષણ પામતાં ભાઈઓને આ શિક્ષણ આપીશ, તો તું ખ્રિસ્તનો ઉત્તમ કાર્યકર બનીશ.

7 વળી, તું અધર્મી કલ્પિતકથાઓ જે કહેવા યોગ્ય નથી તેથી દૂર રહે. ભક્તિમય જીવન જીવવાની ક્સરત કર.

8 શારીરિક ક્સરત થોડી જ ઉપયોગી છે, પણ આત્મિક ક્સરત સર્વ પ્રકારે ઉપયોગી છે. કારણ, તેમાં વર્તમાન તેમ જ આવનાર જીવનનું વચન સમાયેલું છે.

9 આ સત્ય વિધાન સંપૂર્ણ રીતે સ્વીકાર્ય અને ભરોસાપાત્ર છે.

10 એ જ કારણથી અમે ઝઝૂમીએ છીએ અને સખત પરિશ્રમ કરીએ છીએ. કારણ, અમે અમારી આશા જીવંત ઈશ્વર પર રાખેલી છે. તે બધા માણસોના અને વિશેષ કરીને વિશ્વાસ કરનારાઓના ઉદ્ધારક છે.

11 આ જ આજ્ઞા અને શિક્ષણ તું આપજે.

12 જો જે, તું જુવાન છે તેથી કોઈ તારો તિરસ્કાર ન કરે. પણ તારે વાણી, વર્તન, પ્રેમ, વિશ્વાસ અને પવિત્રતામાં વિશ્વાસીઓને નમૂનારૂપ બનવું.

13 હું આવું ત્યાં સુધી તારો સમય જાહેર શાસ્ત્રવાચન પર અને ઉપદેશ તથા શિક્ષણ આપવામાં ગાળજે.

14 મંડળીના આગેવાનોએ પોતાના હાથ તારા પર મૂક્યા ત્યારે કરાયેલી ભવિષ્યવાણી અનુસાર તને જે આત્મિક કૃપાદાન મળ્યું છે તેના પ્રત્યે બેદરકાર ન રહીશ.

15 આ બાબતોને વ્યવહારમાં મૂક અને તેમાં તારું મન પરોવ, કે જેથી બધા તારી પ્રગતિ જાણી શકે.

16 તારી પોતાની જાતની અને તારા શિક્ષણની કાળજી રાખ. આ બાબતો કર્યા કર, કારણ, તેમ કરવાથી તું પોતાને તથા તારું સાંભળનારાઓને બચાવી શકીશ.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan