1 તિમોથી 2 - પવિત્ર બાઇબલ C.L.આશિષ માટે પ્રાર્થના 1 સૌ પ્રથમ મારી વિનંતી છે કે સર્વ માણસોને માટે વિનંતી, આજીજી અને આભારસ્તુતિ કરો. 2 વળી, શાસકો અને બીજા સર્વ અધિકારીઓને માટે પણ પ્રાર્થના કરો; જેથી સંપૂર્ણ ભક્તિભાવથી અને યોગ્ય વર્તણૂકથી આપણે શાંત અને સ્વસ્થ જીવન જીવીએ. 3 એમ કરવું તે ઉત્તમ છે અને આપણા ઉદ્ધારર્ક્તા ઈશ્વરને તે ગમે છે. 4 સર્વ માણસોનો ઉદ્ધાર થાય અને તેઓ સત્યનું જ્ઞાન પ્રાપ્ત કરે એવી ઈશ્વરની ઇચ્છા છે. 5 કારણ, ઈશ્વર એક જ છે, અને ઈશ્વર તથા માણસો વચ્ચે સમાધાન કરાવનાર પણ એક જ એટલે, ખ્રિસ્ત ઈસુ છે; જે પોતે પણ મનુષ્ય છે. 6 તેમણે સર્વ માણસોના ઉદ્ધારને માટે પોતાનું સ્વાર્પણ કર્યું. ઈશ્વર સૌનો ઉદ્ધાર કરવા ચાહે છે એનું એ યોગ્ય સમયે આપવામાં આવેલું સમર્થન છે. 7 એની જ જાહેરાત કરવા, એનો જ સંદેશો પહોંચાડવા અને બિનયહૂદીઓને વિશ્વાસ અને સત્યનું શિક્ષણ આપવા મને નીમવામાં આવેલો છે. હું સાચું કહું છું અને જૂઠું બોલતો નથી. 8 ઈશ્વરને સમર્પિત પુરુષો, ક્રોધ કે દલીલો સિવાય હાથ ઊંચા કરી સર્વ સ્થળે પ્રાર્થના કરે તેવું હું ઇચ્છું છું. 9 સ્ત્રીઓ પણ મર્યાદાશીલ અને સૌમ્ય વસ્ત્રો પહેરે. વાળની ગૂંથણી, સોનાનાં અને મોતીનાં આભૂષણો કે કિંમતી કપડાંથી નહિ, 10 પણ ભક્તિભાવી સ્ત્રીને શોભે તેવાં સારાં કાર્યોથી પોતાને શણગારે. 11 બોધ અપાતો હોય ત્યારે સ્ત્રીએ શાંતિથી અને પૂરી આધીનતાથી શીખવું જોઈએ. 12 સ્ત્રી પુરુષ પર અધિકાર ચલાવે કે શિક્ષણ આપે તેવી પરવાનગી હું આપતો નથી; પણ તેમણે શાંત રહેવું. 13 કારણ, આદમને પ્રથમ સર્જવામાં આવ્યો અને ત્યાર પછી તેની પત્ની હવાને; 14 અને આદમ છેતરાઈ ગયો નહિ, પણ સ્ત્રીએ છેતરાઈને ઈશ્વરના નિયમનો ભંગ કર્યો. 15 તેમ છતાં સ્ત્રી વિશ્વાસ, પ્રેમ અને પવિત્રતામાં મર્યાદાશીલ જીવન જીવે તો તે પુત્ર જન્મ દ્વારા ઉદ્ધાર પામશે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide