Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 તિમોથી 1 - પવિત્ર બાઇબલ C.L.

1 ઈશ્વર આપણા ઉદ્ધારક અને ઈસુ ખ્રિસ્ત જે આપણી આશા છે તેમની આજ્ઞાથી ઈસુ ખ્રિસ્તના પ્રેષિત થએલા પાઉલ તરફથી વિશ્વાસમાં મારા સાચા પુત્ર તિમોથીને શુભેચ્છા.

2 ઈશ્વરપિતા અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તને કૃપા, દયા અને શાંતિ બક્ષો.


જૂઠા શિક્ષણ વિરુદ્ધ ચેતવણી

3 મકદોનિયા જતી વખતે મેં તને વિનંતી કરી હતી તેમ તું એફેસસમાં રોકાઈ જા એવી મારી ઇચ્છા છે. ત્યાં કેટલાક લોકો જૂઠા સિદ્ધાંતો શીખવે છે અને તેમ ન કરવા તારે તેમને આજ્ઞા કરવી જોઈએ.

4 તેમને જણાવ કે તેઓ કલ્પિત કથાઓ અને વંશાવળીઓની લાંબી યાદીઓ પ્રત્યે ધ્યાન ન આપે. કારણ, તેથી તો વાદવિવાદ જ થાય છે અને વિશ્વાસથી પ્રગટ થતો ઈશ્વરનો ઈરાદો પૂર્ણ થતો નથી.

5 એ આજ્ઞાનો હેતુ શુદ્ધ હૃદય, સ્પષ્ટ પ્રેરકબુદ્ધિ અને દંભરહિત વિશ્વાસથી પ્રેમ પેદા કરવાનો છે.

6 કેટલાક માણસો આ બાબતો ચૂકી ગયા છે અને અર્થવિહીન ચર્ચાઓ તરફ વળ્યા છે.

7 તેઓ નિયમશાસ્ત્રના શિક્ષક બનવા માંગે છે, પણ તેમની પોતાની જ વાતો અને જે બાબતો વિષે તેઓ બહુ જ ખાતરીથી બોલે છે તે પોતે જ સમજતા નથી.

8 તમને ખબર છે કે નિયમશાસ્ત્રનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે સારું છે.

9 છતાં યાદ રાખવું જોઈએ કે નિયમ સારા માણસ માટે નહિ, પણ નિયમભંગ કરનારાઓ અને ગુનેગારો, નાસ્તિક ને પાપી, અપવિત્ર ને અધર્મી, માતપિતાને મારી નાખનારાઓ, ખૂનીઓ,

10 વ્યભિચારીઓ, જાતીય વિકૃતિ ધરાવનારાઓ, અપહરણ કરનારાઓ, જૂઠ બોલનારા અને જૂઠી સાક્ષી આપનારા તથા સાચા શિક્ષણની વિરુદ્ધ આચરણ કરનારા માટે છે.

11 આ સાચું શિક્ષણ સ્તુત્ય ઈશ્વરના ગૌરવવંતા શુભસંદેશ પ્રમાણે છે અને એ શુભસંદેશ મને જાહેર કરવાનું જણાવાયું છે.


ઈશ્વરની દયાને માટે આભાર

12 મને સામર્થ્ય આપનાર ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુનો હું આભાર માનું છું.

13 જો કે ભૂતકાળમાં હું તેમની નિંદા અને સતાવણી તેમજ તેમનું અપમાન કરતો હોવા છતાં તેમણે મને વિશ્વાસપાત્ર ગણીને તેમની સેવાને માટે મારી નિમણૂક કરી છે. મારા અવિશ્વાસને લીધે મેં અજ્ઞાનતામાં એ કર્યું હોવા છતાં ઈશ્વર મારા પ્રત્યે દયાળુ હતા અને આપણા પ્રભુએ મારા જીવનમાં તેમની કૃપા ભરપૂરીથી રેડી દીધી.

14 અને ખ્રિસ્ત ઈસુની મારફતે જે વિશ્વાસ અને પ્રેમ આપણાં છે તે મને આપ્યાં.

15 આ સત્ય વિધાન સંપૂર્ણ રીતે સ્વીકાર્ય અને ભરોસાપાત્ર છે: ખ્રિસ્ત ઈસુ આ દુનિયામાં પાપીઓનો ઉદ્ધાર કરવા માટે આવ્યા અને એ બધામાં હું સૌથી મુખ્ય પાપી છું.

16 પણ આ કારણને લીધે જ ઈશ્વરે મારા પ્રત્યે દયા રાખી, જેથી ઈસુ ખ્રિસ્ત મારી સાથેના વ્યવહારમાં તેમની સંપૂર્ણ ધીરજ દાખવે. હું તો પાપીઓમાં સૌથી મુખ્ય પાપી હોવા છતાં પાછળથી તેમના પર વિશ્વાસ કરનારાઓ અને સાર્વકાલિક જીવન મેળવનારાઓ માટે નમૂનારૂપ બન્યો.

17 સનાતન રાજા, અવિનાશી, અદૃશ્ય, અને એક જ ઈશ્વરને માન અને મહિમા યુગોના યુગો સુધી હોજો - આમીન.

18 મારા પુત્ર તિમોથી, હું તને આ આજ્ઞા ફરમાવું છું: ઘણા સમય પહેલાં તારા વિષે ભવિષ્યવાણી કરવામાં આવી હતી. તું જે સારી લડાઈ લડી રહ્યો છે એમાં પ્રભુનાં એ શબ્દો તારું રક્ષણ કરો,

19 અને તારો વિશ્વાસ તથા શુદ્ધ અંત:કરણ જાળવી રાખો. કેટલાક માણસો પોતાની પ્રેરકબુદ્ધિનુંય સાંભળતા નથી અને તેથી પોતાના વિશ્વાસરૂપી વહાણને ભાંગી નાખ્યું છે.

20 હુમનાયસ અને એલેકઝાન્ડર તેમનામાંના જ છે. તેમને મેં શેતાનના અધિકારમાં સોંપ્યા છે, જેથી તેઓ ઈશ્વરની નિંદા કરતા બંધ થાય.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan