1 થેસ્સલોનિકીઓ 5 - પવિત્ર બાઇબલ C.L.પ્રભુના આગમનને માટે તૈયાર રહો 1 ભાઈઓ, કયા દિવસે અને કયા સમયે આ બધા બનાવો બનશે તે સંબંધી તમને લખવાની કંઈ જરૂર ન હોય. 2 તમને ખબર છે કે જેમ રાત્રે ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવશે. 3 જ્યારે લોકો “શાંતિ છે; શાંતિ છે” એમ કહેતા હશે, ત્યારે જેમ પ્રસૂતિની વેદના અચાનક ઊપડે છે તેમ તેમના પર એકાએક વિનાશ આવી પડશે અને બચાવનો કોઈ ઉપાય રહેશે નહિ. 4 પણ ભાઈઓ, તમે એ વિષે અજાણ નથી કે તે દિવસ તમારા પર ચોરની જેમ અચાનક આવી પડે. 5 તમે સર્વ પ્રકાશના અને દિવસના લોક છો. આપણે અંધકારના કે રાત્રિના લોક નથી. 6 તેથી આપણે બીજાઓની જેમ ઊંઘીએ નહિ, પણ જાગૃત અને સાવધ રહીએ. 7 ઊંઘનારા રાત્રે ઊંઘી જાય છે અને રાત્રે દારૂડિયા દારૂ પીને ચકચૂર બને છે. 8 પણ આપણે દિવસના હોવાથી સાવધ રહીએ અને વિશ્વાસ અને પ્રેમનું બખ્તર તથા ઉદ્ધારની આશાનો ટોપ પહેરીએ. 9 ઈશ્વરે આપણને કોપને માટે નહિ, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે આપણે ઉદ્ધાર પામીએ તે માટે પસંદ કર્યા છે. 10 પ્રભુ ઈસુ આપણે માટે મરણ પામ્યા; જેથી આપણે જીવતા હોઈએ કે મરી ગયા હોઈએ પણ આપણે તેમની સાથે જ રહીએ. 11 આ કારણથી જેમ તમે હાલ કરો છો તેમ, એકબીજાને પ્રોત્સાહન આપો અને એકબીજાને ઉત્કર્ષમાં મદદ કરો. અંતિમ શિખામણો અને શુભેચ્છા 12 ભાઈઓ, અમારી તમને આગ્રહભરી વિનંતી છે કે તમારી મયે ક્મ કરનાર જેઓ પ્રભુમાં તમારા આગેવાન છે અને તમને દોરવણી આપે છે, 13 તેમને તેમના કાર્યને લીધે પ્રેમપૂર્વક સન્માનપાત્ર ગણો. 14 ભાઈઓ, અમારી તમને આવી વિનંતી છે: આળસુને ઠપકો આપો, બીકણોને હિંમત આપો, નિર્બળોને મદદ કરો, સઘળાંની સાથે ધીરજપૂર્વક ક્મ કરો. 15 કોઈ દુષ્ટતાનો બદલો દુષ્ટતાથી ન વાળે. પણ સર્વ સમયે એકબીજાનું અને સર્વ લોકનું ભલું કરવાનું યેય રાખો. 16 હંમેશાં આનંદી રહો. 17 નિત્ય પ્રાર્થના કરો. 18 સર્વ સંજોગોમાં ઈશ્વરનો આભાર માનો. તમે ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા હોવાથી તમારે વિષે ઈશ્વરની એ જ ઇચ્છા છે. 19 પવિત્ર આત્મા દ્વારા પ્રજવલિત જ્યોત બૂઝાવશો નહિ. 20 ઈશ્વરપ્રેરિત સંદેશાઓને તુચ્છકારશો નહિ. 21 સર્વ બાબતોની પારખ કરો, અને તેમાંથી સારું હોય તેને વળગી રહો. 22 અને સર્વ પ્રકારની ભૂંડાઈથી દૂર રહો. 23 આપણને શાંતિ આપનાર ઈશ્વર તમને સંપૂર્ણપણે પવિત્ર કરો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનના સમયે તમારા આત્મા, પ્રાણ અને શરીરને એટલે, તમારા સમગ્ર વ્યક્તિત્વને સર્વ પ્રકારે નિષ્કલંક રાખો. 24 તમને આમંત્રણ આપનાર ઈશ્વર તેમ કરશે, કારણ, તે વિશ્વાસુ છે. 25 ભાઈઓ, અમારે માટે પ્રાર્થના કરો. 26 સર્વ ભાઈઓને પ્રેમના પ્રતીકરૂપ ચુંબનથી શુભેચ્છા પાઠવજો. 27 આપણા પ્રભુના સમ દઈને કહું છું કે સર્વ ભાઈઓને આ પત્ર વાંચી સંભળાવજો. 28 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારી સાથે રહો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide