1 થેસ્સલોનિકીઓ 4 - પવિત્ર બાઇબલ C.L.ઈશ્વરને પસંદ પડે તેવું જીવન 1 ભાઈઓ, ઈશ્વરને પ્રસન્ન કરવા માટે તમારે કેવા પ્રકારનું જીવન જીવવું તે વિષે તમે અમારી પાસેથી શીખ્યા, અને એ જ પ્રમાણે તમે જીવો છો. પણ હવે અમે તમને પ્રભુ ઈસુના નામમાં વિનંતી અને ઉદ્બોધન કરીએ છીએ કે એ રીતે જીવવામાં વધારે પ્રગતિ કરો. 2 અમે તમને પ્રભુ ઈસુને નામે આપેલા શિક્ષણની તો તમને ખબર છે. 3 તમારે માટે ઈશ્વરની એવી ઇચ્છા છે કે તમે પવિત્ર થાઓ અને વ્યભિચાર ન કરો. 4 તમારામાંના દરેકે પોતાની પત્ની સાથેનો પવિત્ર અને સન્માનનીય સંબંધ જાળવી રાખવો જોઈએ. 5 અને ઈશ્વરને નહિ ઓળખનાર વિધર્મીઓની જેમ વિષયવાસનામાં રાચવું જોઈએ નહિ. 6 આ બાબતમાં કોઈ પોતાના ભાઈનું ખોટું ન કરે કે તેનો ગેરલાભ ન ઉઠાવે. અમે પહેલાં પણ તમને આ વાત જણાવી હતી, અને હવે કડક ચેતવણી આપીએ છીએ કે એવું કરનારાઓને પ્રભુ શિક્ષા કરશે. 7 ઈશ્વરે આપણને અશુદ્ધ જીવન માટે નહિ, પણ પવિત્ર જીવન જીવવાને માટે આમંત્રણ આપ્યું છે. 8 તેથી જે કોઈ આ શિક્ષણનો અનાદર કરે છે તે માણસનો નહિ, પણ તમને પોતાનો પવિત્ર આત્મા આપનાર ઈશ્વરનો અનાદર કરે છે. 9 તમારા સાથી વિશ્વાસીઓ પર પ્રેમ રાખવાની બાબત વિષે લખવાની કોઈ જરૂર નથી. તમારે એકબીજા પર કેવો પ્રેમ રાખવો જોઈએ તે ઈશ્વરે જ તમને શીખવ્યું છે. 10 અને એ જ રીતે તમે મકદોનિયાના સર્વ ભાઈઓ પર પ્રેમ રાખો છો. ભાઈઓ, તમે એથી પણ વિશેષ પ્રેમ રાખો તેવી અમારી આગ્રહભરી વિનંતી છે. 11 શાંતિમય જીવન જીવવાનું યેય રાખો. પોતાના કાર્યમાં રત રહો, અને અમે તમને અગાઉ જણાવ્યું તેમ તમે જાતમહેનતથી પોતાનું ભરણપોષણ કરો. 12 એ રીતે, જેઓ વિશ્વાસીઓ નથી તેઓ તરફથી પણ તમને માન મળશે અને તમારે તમારી જરૂરિયાતો માટે બીજાઓ પર આધાર રાખવો પડશે નહિ. પ્રભુનું આગમન 13 ભાઈઓ, મૃત્યુ પામેલાંઓ વિષે તમે અજાણ રહો એવી અમારી ઇચ્છા નથી. જેમને કંઈ આશા નથી તેમની માફક તમે દુ:ખી થાઓ નહિ. 14 આપણે માનીએ છીએ કે ઈસુ મૃત્યુ પામ્યા; અને સજીવન થયા. તેથી જેઓ ઈસુ પર વિશ્વાસ કર્યા પછી મરણ પામ્યા તેમને ઈશ્વર ઈસુની સાથે લાવશે તેવું પણ આપણે માનીએ છીએ. 15 પ્રભુનું આ શિક્ષણ અમે તમને જણાવીએ છીએ: પ્રભુના આગમનને દિવસે આપણે જેઓ જીવંત હોઈશું તેઓ, જેઓ મૃત્યુ પામેલાં છે તેમના કરતાં આગળ જઈશું એવું નથી. 16 હુકમ અપાશે, મુખ્ય દૂતનો અવાજ સંભળાશે, ઈશ્વરનું રણશિંગડું વાગશે, અને પ્રભુ પોતે સ્વર્ગમાંથી ઊતરી આવશે. જેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને મૃત્યુ પામ્યાં છે તેઓ પ્રથમ સજીવન થશે. 17 ત્યાર પછી જ તે સમયે આપણે જેઓ જીવંત હોઈશું તેઓ તેમની સાથે આકાશમાં પ્રભુને મળવાને માટે વાદળોમાં ઊંચકાઈ જઈશું. અને એમ આપણે હંમેશાં પ્રભુની સાથે રહીશું. 18 તેથી આ વચનો કહીને એકબીજાને પ્રોત્સાહન આપો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide