1 થેસ્સલોનિકીઓ 3 - પવિત્ર બાઇબલ C.L.તિમોથીએ લીધેલી મુલાકાત 1 છેવટે, અમે વધારે સતાવણી સહન ન કરી શક્યા તેથી અમે એથેન્સમાં એકલા રહેવાનું નક્કી કર્યું; 2 જ્યારે અમે ખ્રિસ્તનો શુભસંદેશ પ્રગટ કરવાના ઈશ્વરના કાર્યમાં અમારા સહકાર્યકર, આપણા ભાઈ તિમોથીને તમને દૃઢ કરવા અને તમારા વિશ્વાસમાં મદદ કરવા માટે મોકલ્યો, 3 કે જેથી તમારામાંનો કોઈ આ સતાવણીમાં પીછેહઠ ન કરે. તમે જાણો છો કે આવી સતાવણીઓ ઈશ્વરની ઇચ્છા મુજબની છે. 4 કારણ, અમે તમારી સાથે હતા ત્યારે અમે તમને પહેલેથી જણાવ્યું હતું કે, આપણી સતાવણી થશે, અને હકીક્તમાં તેમ જ બન્યું છે. 5 હું વધુ સમય રાહ જોઈ શક્યો નહિ, તેથી તમારા વિશ્વાસ વિષેના સમાચાર જાણી લાવવા મેં તિમોથીને મોકલ્યો; કદાચ શેતાને તમારી પરીક્ષા કરી હોય અને અમારું કાર્ય નિરર્થક થયું હોય. 6 હવે તિમોથી તમારી મુલાકાત લઈને પાછો આવી ગયો છે અને તમારા પ્રેમ અને વિશ્વાસ સંબંધી સારા સમાચાર લાવ્યો છે. તમે હંમેશાં અમારું ભલું ઇચ્છો છો અને જેમ અમે તમને મળવાની ઇચ્છા રાખીએ છીએ તેમ તમે પણ અમને મળવા આતુર છો એવું તેણે અમને જણાવ્યું છે. 7 આથી અમારી સર્વ મુશ્કેલીઓ અને અમારાં દુ:ખોમાં તમારા વિશ્વાસથી અમને નિરાંત વળી છે. 8 કારણ, પ્રભુમાં તમારું જે જીવન છે તેમાં તમે દૃઢ રહો તો અમે જીવીએ છીએ. 9 તમારે લીધે ઈશ્વરની સમક્ષ અમને મળતા આનંદને લીધે અમે તેમનો આભાર માનીએ છીએ. 10 અમે ઈશ્વરને ખરા અંત:કરણથી રાતદિવસ પ્રાર્થના કરીએ છીએ; જેથી અમે તમને રૂબરૂ મળી શકીએ અને તમારા વિશ્વાસમાં જે કંઈ ઊણપ હોય તે પૂરી કરી શકીએ. 11 આપણા ઈશ્વરપિતા અને પ્રભુ ઈસુ તમારી પાસે આવવાની અમને તક આપો. 12 પ્રભુ એવું કરો કે અમે તમારા પર જેવો પ્રેમ રાખીએ છીએ તેવો જ પ્રેમ તમે પણ એકબીજા પર રાખો અને સર્વ લોક પર પ્રેમ કરવામાં વૃદ્ધિ પામતા જાઓ, 13 આ રીતે તમે તમારાં મન દૃઢ કરો, જેથી આપણા પ્રભુ ઈસુ પોતાના લોક સાથે આવે ત્યારે ઈશ્વરપિતાની સમક્ષ તમે સંપૂર્ણ અને પવિત્ર થાઓ. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide