૧ શમુએલ 9 - પવિત્ર બાઇબલ C.L.શાઉલ અને શમુએલની મુલાકાત 1 બિન્યામીનના કુળમાં કીશ નામે એક પ્રતિષ્ઠિત માણસ હતો. તે અફિયાના પુત્ર બખોરાથના પુત્ર સરોરના પુત્ર એલીએલનો પુત્ર હતો. 2 તેને શાઉલ નામે એક પુત્ર હતો. તે સુંદર યુવાન હતો. ઇઝરાયલમાં બીજા બધા કરતાં તે વેંતભર ઊંચો અને સુંદર હતો. 3 કીશનાં કેટલાંક ગધેડાં ખોવાઈ ગયાં હતાં. તેથી તેણે શાઉલને કહ્યું, “એક નોકરને લઈને ગધેડાં શોધવા જા.” 4 તેઓ એફ્રાઈમના પહાડીપ્રદેશમાં અને શાલીશાના પ્રદેશમાં ફર્યા. પણ ત્યાં ગધેડાં મળ્યાં નહિ. ત્યાંથી તેઓ શાઅલીમના પ્રદેશમાં ફર્યા, પણ ત્યાંય તે ન મળ્યાં. પછી તેઓ બિન્યામીનના કુળપ્રદેશમાં ફર્યા. છતાં ત્યાં પણ તેમને તે ન મળ્યાં. 5 તેઓ સૂફના પ્રદેશમાં આવ્યા ત્યારે શાઉલે નોકરને કહ્યું, “આપણે ઘેર પાછા જઈએ; નહિ તો મારા પિતાજી ગધેડાંની ચિંતા મૂકીને આપણી ચિંતા કરવા લાગશે.” 6 નોકરે કહ્યું, “ઊભા રહો; આ શહેરમાં એક પવિત્ર ઈશ્વરભક્ત રહે છે. તેનું ઘણું માન છે. કારણ, તેનું કહેવું સાચું જ પડે છે. આપણે તેની પાસે જઈએ. કદાચ તે આપણને ગધેડાં ક્યાંથી મળશે તે કહી શકશે.” 7 શાઉલે પૂછયું, “આપણે તેની પાસે જઇએ તો તેને આપણે શું આપી શકવાના છીએ? આપણી થેલીમાં ખોરાક ખલાસ થઈ ગયો છે અને આપણી પાસે એ ઈશ્વરભક્તને આપવાનું કંઈ નથી.” 8 નોકરે જવાબ આપ્યો, “તેને આપવાને મારી પાસે ચાંદીનો પા શેકેલનો સિક્કો છે જે હું તેને આપીશ એટલે આપણે ગધેડાં ક્યાંથી મેળવી શકીશું તે તે આપણને કહેશે.” 9-11 શાઉલે જવાબ આપ્યો, “વિચાર ઘણો સારો છે; ચાલ, જઈએ.” તેથી તેઓ ઈશ્વરભક્તના નગરમાં ગયા. તેઓ નગરમાં જવા પર્વત ચઢતા હતા ત્યારે પાણી ભરવા આવતી કેટલીક યુવતીઓ તેમને મળી. તેમણે તેમને પૂછયું, “દૃષ્ટા નગરમાં છે?” (ભૂતકાળમાં જ્યારે કોઈને ઈશ્વરની દોરવણી મેળવવી હોય ત્યારે તે કહેતા, ‘ચાલો, દૃષ્ટા પાસે જઈએ.’ કારણ, તે સમયે સંદેશવાહકને દૃષ્ટા કહેતા હતા.) 12 તેમણે જવાબ આપ્યો, “હા છે. જુઓ, તે તમારી આગળ જ ગયા છે. જલદી જાઓ. તે હમણાં જ નગરમાં આવ્યા છે. કારણ, લોકો આજે પર્વત પરની વેદી પર બલિ ચઢાવવાના છે. 13 તે પર્વત પર જમવા જાય તે પહેલાં તે તમને શહેરમાં પેસતાં જ મળશે. તે ત્યાં જાય તે પહેલાં લોકો જમવાનું શરુ કરશે નહિ. કારણ, તે પ્રથમ અર્પણને આશિષ આપે ત્યાર પછી જ આમંત્રિત મહેમાનો જમશે. તમે ત્યાં જાઓ એટલે તે તમને તરત જ મળશે.” 14 તેથી તેઓ જતા હતા તેવામાં તેમણે શમુએલને પોતા તરફ આવતો અને ભક્તિસ્થાને જતો જોયો. 15 હવે શાઉલ આવી પહોંચ્યો તેના એક દિવસ અગાઉ પ્રભુએ શમુએલને કહ્યું હતું, 16 “આવતી કાલે આ સમયે હું તારી પાસે બિન્યામીનના કુળનો એક માણસ મોકલીશ. મારા ઇઝરાયલી લોક પર તેનો રાજા તરીકે અભિષેક કરજે. તે તેમનો પલિસ્તીઓથી છુટકારો કરશે. મેં મારા લોકનું દુ:ખ જોયું છે અને સહાય માટેનો તેમનો પોકાર સાંભળ્યો છે.” 17 શમુએલે શાઉલને જોયો એટલે પ્રભુએ તેને કહ્યું, “જેના વિષે મેં તને કહ્યું હતું તે આ જ માણસ છે. તે મારા લોક પર રાજ કરશે.” 18 પછી શાઉલે દરવાજે ઊભા રહેલા શમુએલ નજીક જઈને તેને પૂછયું, “દૃષ્ટા ક્યાં રહે છે તે કહેશો?” 19 શમુએલે જવાબ આપ્યો, “હું દૃષ્ટા છું. મારી અગાઉ ભક્તિસ્થાને પહોંચી જા. તમારે આજે મારી સાથે જમવાનું છે. સવારમાં હું તારા બધા પ્રશ્ર્નોના જવાબ આપીને તને વિદાય કરીશ. 20 ત્રણ દિવસ પહેલાં ખોવાઈ ગયેલાં ગધેડાં વિષે ચિંતા કરશો નહિ; તે મળી ગયાં છે. પણ ઇઝરાયલના લોકો કોની ઝંખના રાખે છે? તારી અને તારા પિતાના કુટુંબની નહિ?” 21 શાઉલે જવાબ આપ્યો, “હું ઇઝરાયલમાં નાનામાં નાના કુળ બિન્યામીનનો છું અને એ કુળમાં મારું કુટુંબ વિસાત વગરનું છે. તો પછી તમે મારી આગળ આવું કેમ બોલો છો?” 22 પછી શમુએલ શાઉલ અને તેના નોકરને એક મોટા ભોજનખંડમાં લઈ ગયો અને ત્યાં બેઠેલા લગભગ ત્રીસેક આમંત્રિત મહેમાનો પાસે મુખ્ય આસન પર બેસાડયા. 23 શમુએલે રસોઈયાને કહ્યું, “મેં તને જુદો મૂકી રાખવા આપેલા માંસનો ટુકડો લાવ.” 24 તેથી રસોઈયાએ જાંઘનો માંસલ ટુકડો શાઉલ આગળ પીરસ્યો. શમુએલે કહ્યું, “જો, આ ટુકડો તારે માટે રાખી મૂક્યો હતો. જમી લે. કારણ, મેં આમંત્રિત લોકો સાથે આ સમયે તારે જમવા માટે તે રાખી મૂક્યો હતો.” એમ શાઉલ તે દિવસે શમુએલ સાથે જમ્યો. 25 તેઓ ભક્તિસ્થાનેથી નગરમાં આવ્યા ત્યારે તેમણે શાઉલને માટે ધાબા પર પથારી કરી અને તે ત્યાં સૂઈ ગયો. શાઉલનો અભિષેક 26 વહેલી સવારે શમુએલે શાઉલને ધાબા પરથી બોલાવ્યો, “ઊઠ, હું તને તારે રસ્તે વિદાય કરીશ.” શાઉલ ઊઠયો અને તે તથા શમુએલ ઘરની બહાર ગયા. 27 તેઓ નગરની ભાગોળે આવી પહોંચ્યા એટલે શમુએલે શાઉલને કહ્યું, “નોકરને આપણી આગળ જવા કહે.” નોકર વિદાય થયો એટલે શમુએલે વધુમાં કહ્યું, “અહીં થોડીવાર ઊભો રહે અને હું તને ઈશ્વરનો સંદેશ જણાવીશ.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide