Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ શમુએલ 8 - પવિત્ર બાઇબલ C.L.


લોકોની રાજા માટેની માગણી

1 શમુએલ વૃદ્ધ થયો એટલે તેણે તેના પુત્રોને ઇઝરાયલમાં ન્યાયાધીશો બનાવ્યા.

2 તેના મોટા પુત્રનું નામ યોએલ અને નાના પુત્રનું નામ અબિયા હતું. તેઓ બેરશેબામાં ન્યાયાધીશો હતા.

3 પણ તેઓ તેમના પિતાને અનુસર્યા નહિ, પણ દ્રવ્યલોભ તરફ વળી ગયા. તેથી તેઓ લાંચ લેતા અને ન્યાય આપવામાં પક્ષપાત કરવા લાગ્યા.

4 પછી ઈઝરાયલના સર્વ આગેવાનો એકત્ર થઈને રામામાં શમુએલ પાસે આવ્યા.

5 તેમણે તેને કહ્યું, “જુઓ, તમે તો વૃદ્ધ થયા છો અને તમારા પુત્રો તમને અનુસરતા નથી. તેથી બીજી પ્રજાઓની જેમ અમારા પર રાજ કરવા માટે એક રાજા નીમો.”

6 રાજા માટેની તેમની માગણીથી શમુએલને ખોટું લાગ્યું, તેથી તેણે પ્રભુને પ્રાર્થના કરી.

7 પ્રભુએ કહ્યું, “લોકો તને જે કહે તે પર ધ્યાન આપ. તેમણે તારો નકાર કર્યો નથી, પણ હું તેમનો રાજા ન રહું તે માટે તેમણે મારો નકાર કર્યો છે.

8 મેં તેમને ઇજિપ્તમાંથી છોડાવ્યા તે સમયથી અત્યાર સુધી તેઓ મારાથી દૂર ગયા છે અને તેમણે અન્ય દેવોની સેવાભક્તિ કરી છે અને તારા પ્રત્યેનો તેમનો હમણાંનો વર્તાવ, મારા પ્રત્યેના હંમેશના વર્તાવ જેવો છે.

9 તેથી તેમનું સાંભળ, પણ તેમને કડક ચેતવણીઓ આપ અને તેમના રાજાઓ તેમના પ્રત્યે કેવો વર્તાવ કરશે તે સમજાવ.”

10 પછી શમુએલે રાજાની માગણી કરનાર લોકોને પ્રભુએ કહેલું બધું જ જણાવ્યું.

11 શમુએલે કહ્યું, “તમારો રાજા તમારા પ્રત્યે આવો વર્તાવ કરશે; તમારા પુત્રોને તે સૈનિકો બનાવશે. કેટલાકને તે રથના સારથિઓ બનાવશે, તો બીજા કેટલાકને તેના ઘોડેસ્વાર બનાવશે અને તેઓ તેના અંગરક્ષકો તરીકે તેના રથ આગળ દોડશે.

12 તેમાંના કેટલાકને તે હજાર માણસો પર અને બીજા કેટલાકને તે પચાસ માણસો પર અધિકારીઓ નીમશે. તમારા પુત્રોએ તેનાં ખેતરો ખેડવાં પડશે. તેનો પાક લણવો પડશે અને તેનાં શસ્ત્રો અને તેના રથો માટેનાં સાધનો બનાવવાં પડશે.

13 તમારી દીકરીઓએ સુગંધીદ્રવ્યો બનાવનાર, રસોઈ બનાવનાર અને રોટલી શેકનાર તરીકે કામ કરવું પડશે.

14 તે તમારાં ઉત્તમ ખેતરો, દ્રાક્ષવાડીઓ અને ઓલિવનાં ઉપવનો લઈ લેશે અને તેના અધિકારીઓને આપશે.

15 તેના દરબારીઓ અને બીજા અધિકારીઓ માટે તે તમારા અનાજનો અને તમારી દ્રાક્ષોનો દશમો ભાગ લેશે.

16 તે તમારા દાસદાસીઓ, તમારા યુવાનો અને ગધેડાં લઈને પોતાનું કામ કરાવશે.

17 તે તમારાં ઘેટાંનો દસમો ભાગ લેશે. તમે પણ તેના દાસ થશો.

18 એ સમયે તમે પોતે પસંદ કરેલા તમારા રાજાને લીધે પોકારશો, પણ પ્રભુ તમારી ફરિયાદો સાંભળશે નહિ.”

19 લોકોએ શમુએલનું સાંભળ્યું નહિ. એથી ઊલટું, તેમણે કહ્યું, “ના, અમારે તો રાજા જોઈએ. એમ અમે બીજી પ્રજાઓ જેવા બનીશું.

20 અમારા પર રાજ કરવા, લડાઈમાં અમારો અગ્રેસર થવા અને અમારાં યુદ્ધોમાં લડવાને અમારો પોતાનો રાજા હશે.”

21 શમુએલે તેમનું બધું સાંભળ્યું અને પછી જઈને તે પ્રભુને કહ્યું.

22 પ્રભુએ જવાબ આપ્યો, “તેમની માગણી પૂરી કર અને તેમને રાજા આપ.” પછી શમુએલે ઇઝરાયલના સર્વ માણસોને પોતપોતાનાં નગરોમાં પાછા જવા કહ્યું.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan