૧ શમુએલ 7 - પવિત્ર બાઇબલ C.L.1 તેથી કિર્યાથયારીમમાં લોકો પ્રભુની કરારપેટી મેળવીને તેને અબિનાદાબના ટેકરી પરના ઘરમાં લઈ ગયા અને તેની સંભાળ અર્થે તેમણે તેના પુત્ર એલાઝારની પ્રતિષ્ઠા કરી. શમુએલની કારકિર્દી 2 પ્રભુની કરારપેટી કિર્યાથયારીમમાં લગભગ વીસેક વર્ષ જેટલો લાંબો સમય રહી. એ સમય દરમ્યાન સર્વ ઇઝરાયલીઓ પ્રભુને માટે ઝૂરતા હતા. 3 શમુએલે ઇઝરાયલના લોકોને કહ્યુ, “જો તમે તમારા પૂરા દયથી પ્રભુ તરફ ફરતા હો, તો તમે સર્વ વિદેશી દેવો અને આશ્તારોથ દેવીની મૂર્તિઓથી દૂર રહો. તમે પ્રભુને સંપૂર્ણપણે સમર્પિત થાઓ અને માત્ર તેમની જ ભક્તિ કરો અને તે તમને પલિસ્તીઓની સત્તામાંથી છોડાવશે.” 4 તેથી ઇઝરાયલીઓએ બઆલ દેવ અને આશ્તારોથ દેવીની મૂર્તિઓ દૂર કરી અને માત્ર પ્રભુની જ ભક્તિ કરવા લાગ્યા. 5 પછી શમુએલે સર્વ ઇઝરાયલીઓને મિસ્પામાં એકઠા થવા બોલાવ્યા. તેણે કહેવડાવ્યું, “હું ત્યાં તમારે માટે પ્રભુને પ્રાર્થના કરીશ.” 6 તેથી તેઓ સૌ મિસ્પામાં એકઠા થયા. તેમણે પાણી કાઢીને પ્રભુને અર્પણ તરીકે રેડયું અને આખો દિવસ ઉપવાસ કર્યો. તેમણે કહ્યું, “અમે પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું છે.” શમુએલ મિસ્પામાં રહ્યો અને ઇઝરાયલી લોકો પર અમલ કર્યો. 7 ઇઝરાયલીઓ મિસ્પામાં એકઠા થયા છે એવું પલિસ્તીઓએ સાંભળતાં પલિસ્તીઓના રાજાઓ પોતાના માણસો લઈને ઇઝરાયલીઓ પર હુમલો કરવા ઉપડયા. એ સાંભળીને ઇઝરાયલીઓ ગભરાયા. 8 તેમણે શમુએલને કહ્યું, “આપણા ઈશ્વર પ્રભુ આપણને પલિસ્તીઓથી બચાવે તે માટે તેમને પ્રાર્થના કરતા રહો.” 9 શમુએલે એક નાનું હલવાન કાપ્યું અને પ્રભુને અર્પણ તરીકે તેનું પૂરેપૂરું દહન કર્યું. ઇઝરાયલને બચાવવાને તેણે પ્રભુને પ્રાર્થના કરી અને પ્રભુએ તેની પ્રાર્થના સાંભળી. 10 શમુએલ બલિ ચઢાવતો હતો ત્યારે પલિસ્તીઓ હુમલો કરવાને ધસ્યા, પણ એ જ સમયે પ્રભુએ તેમની વિરુદ્ધ આકાશમાંથી ગર્જના કરી. તેઓ ગૂંચવાઈને ગભરાટમાં નાઠા. 11 ઇઝરાયલીઓ મિસ્પામાંથી નીકળી આવ્યા અને છેક બેથકારના નીચાણના પ્રદેશ સુધી પલિસ્તીઓનો પીછો કરી તેમનો સંહાર કર્યો. 12 પછી શમુએલે એક પથ્થર લઈને મિસ્પા અને રોનની વચ્ચે ઊભો કર્યો અને કહ્યું, “પ્રભુએ આપણને આખે માર્ગે મદદ કરી છે.” અને તેથી તેણે તેનું નામ ‘એબેન-એઝેર’ એટલે, “મદદનો પથ્થર” પાડયું. 13 એમ પલિસ્તીઓ હાર્યા અને શમુએલ જીવ્યો ત્યાં લગી પ્રભુએ તેમને ઇઝરાયલના પ્રદેશ પર હુમલો કરવા દીધો નહિ. 14 એક્રોનથી ગાથ સુધીનાં જે સર્વ શહેરો પલિસ્તીઓએ લઈ લીધાં હતાં તે ઇઝરાયલને પાછાં મળ્યાં અને એમ ઇઝરાયલનો બધો પ્રદેશ પાછો મળ્યો. ઇઝરાયલીઓ અને અમોરીઓ વચ્ચે પણ શાંતિ હતી. 15 શમુએલ જીવ્યો ત્યાં સુધી તેણે ઇઝરાયલ પર અમલ કર્યો. 16 તે દર વર્ષે બેથેલ, ગિલ્ગાલ અને મિસ્પામાં જતો અને આ જગ્યાઓમાં તે લોકોના વિવાદોનો નિકાલ કરતો. 17 પછી તે પોતાને ઘેર રામામાં જતો અને ત્યાં પણ ન્યાય કરતો. રામામાં તેણે પ્રભુને અર્થે એક વેદી બાંધી હતી. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide