૧ શમુએલ 6 - પવિત્ર બાઇબલ C.L.કરારપેટી પાછી આવી 1 ઈશ્વરની કરારપેટી પલિસ્તીઓના દેશમાં સાત મહિના રહી. 2 તે પછી પલિસ્તીઓએ યજ્ઞકારો અને જ્યોતિષીને બોલાવીને પૂછયું, “પ્રભુની કરારપેટીનું આપણે શું કરીશું? તેને તેના મૂળ સ્થાને પાછી મોકલવી હોય, તો આપણે એને શી રીતે મોકલીએ?” 3 તેમણે જવાબ આપ્યો, “જો તમે ઇઝરાયલના ઈશ્વરની કરારપેટી પાછી મોકલતા હો તો એને એમને એમ ન મોકલશો, પણ તમારા ગુનાને માટે તમારે તેની સાથે તેમને અર્પણ મોકલવાં જોઈએ. તમે એવી રીતે સાજા થશો અને તે શા માટે તમને શિક્ષા કરે છે તેની પણ તમને ખબર પડશે.” 4 તેમણે પૂછયું, “અમે દોષનિવારણ બલિ તરીકે શું મોકલીએ?” તેમણે જવાબ આપ્યો, “પલિસ્તીઓના રાજવીઓની સંખ્યા મુજબ પાંચ સોનાના મોકલો. તમ સર્વ ઉપર અને પલિસ્તીઓના બધા રાજવીઓ પર એક જ પ્રકારનો પ્લેગનો રોગ મોકલવામાં આવ્યો હતો. 5 તમારા દેશને રંજાડનાર ગાંઠો અને ઉંદરોના નમૂના બનાવો અને એમ ઇઝરાયલના ઈશ્વરને સન્માન આપો. કદાચ તે તમને, તમારા દેવોને અને તમારા દેશને શિક્ષા કરવાનું બંધ કરે. 6 ફેરો અને ઇજિપ્તીઓની માફક તમારે શા માટે હઠીલા બનવું જોઈએ? તેમણે ઇઝરાયલીઓને ઇજિપ્તમાંથી જવા ન દીધા ત્યાં સુધી પ્રભુએ તેમની કેવી ક્રૂર મશ્કરી કરી એ ભૂલશો નહિ. 7 તેથી એક નવું ગાડું અને જેના પર કદી ઝૂંસરી ન મૂકાઈ હોય તેવી બે દૂધ આપતી ગાયો તૈયાર કરો. તેમને ગાડા સાથે જોડો અને તેમના વાછરડાઓને ગમાણમાં પાછા લઈ જાઓ. 8 પ્રભુની કરારપેટી લઈને તેને ગાડામાં મૂકો અને તેની નજીક એક પેટીમાં તમારા ગુનાની કિંમત ચૂકવવા માટે મોકલવાના સોનાના નમૂના મૂકો. ગાડું ચલાવો. પછી ગાડું એની મેળે જ્યાં જાય ત્યાં જવા દો. 9 પછી તે ક્યાં જાય છે તેનું ધ્યાન રાખો. જો તે પોતાના દેશની સરહદના બેથ શેમેશ નગર તરફ જાય તો માનવું કે આપણા પર આ ભયંકર આફત મોકલનાર ઇઝરાયલીઓના ઈશ્વર જ છે, પણ જો તેમ ન થાય, તો પછી આપણને ખબર પડશે કે આ પ્લેગનો રોગ તેમણે મોકલ્યો નથી, પણ માત્ર આકસ્મિક ઘટના છે.” 10 તેમણે કહ્યા મુજબ કર્યું. તેમણે બે દૂધ આપતી ગાયો લઈને તેમને ગાડા સાથે જોડી અને તેમના વાછરડાઓને ગમાણમાં પૂરી દીધા. 11 તેમણે ગાડામાં પ્રભુની કરારપેટી અને સાથે ઉંદર તેમ જ ગાંઠોના સોનાના નમૂના ભરેલી પેટી મૂકી. 12 ગાયોએ બેથ શેમેશનો ધોરી રસ્તો પકડયો અને રસ્તામાં ક્યાંય ફંટાયા વિના સીધી ત્યાં જવા ઊપડી. તેઓ જતાં જતાં બરાડતી હતી. પલિસ્તીઓના બધા રાજવીઓ છેક બેથ શેમેશની સરહદ સુધી તેની પાછળ ગયા. 13 બેથ શેમેશના લોકો ખીણ પ્રદેશમાં ઘઉં કાપતા હતા. અચાનક તેમણે નજર ઉઠાવીને જોયું તો કરારપેટી દેખાઈ અને એ જોઈને તેઓ ખૂબ જ આનંદમાં આવી ગયા. 14 ગાડું બેથશેમેશના રહેવાસી યહોશુઆના ખેતરમાં આવીને ઊભું રહ્યું. ત્યાં એક મોટો ખડક હતો. એટલે લોકોએ ગાડાનાં લાકડાં ચીર્યાં, ગાયોનો વધ કર્યો અને ઈશ્વરને બલિ તરીકે તેમનું દહન કર્યું. 15 લેવીઓએ પ્રભુની કરારપેટી ઊંચકીને સોનાના નમૂના ભરેલી પેટી સહિત તેમને મોટા ખડક પર મૂકી. પછી બેથશેમેશના લોકોએ તે દિવસે પ્રભુને દહનબલિ અને બીજાં બલિ અર્પ્યા. 16 પલિસ્તીઓના પાંચ રાજવીઓએ બધું જોયું અને પછી એ જ દિવસે એક્રોન પાછા ગયા. 17 પલિસ્તીઓએ તેમના ગુનાની કિંમત ચૂકવવા આશ્દોદ, ગાઝા, આશ્કલોન, ગાથ અને એક્રોન માટે અર્પણ તરીકે પ્રભુને પાંચ સોનાની ગાંઠો મોકલી આપી હતી. 18 પલિસ્તીઓના પાંચ રાજવીઓના શાસન તળેનાં કિલ્લેબંધીવાળાં નગરો તેમ જ ખુલ્લાં ગામોની સંખ્યા પ્રમાણે તેમણે સોનાના ઉંદર મોકલ્યા હતા. બેથશેમેશમાં યહોશુઆના ખેતરમાંનો મોટો ખડક કે જેના પર તેમણે પ્રભુની કરારપેટી મૂકી હતી તે ખડક હજુ પણ એ બનાવની સાક્ષી પૂરતો ત્યાં ઊભો છે. 19 હવે બેથશેમેશના લોકોએ કરારપેટીમાં જોયું તેથી પ્રભુએ તેમનામાંના સિત્તેર જણને મારી નાખ્યા. લોકોએ વિલાપ કર્યો; કારણ, પ્રભુએ તેમની મધ્યે ભારે સંહાર કર્યો હતો. કિર્યાથયારીમમાં કરારપેટી 20 તેથી બેથશેમેશના લોકોએ કહ્યું, “પ્રભુ એટલે આ પવિત્ર ઈશ્વર સમક્ષ કોણ ઊભું રહી શકે? આપણે એને બીજે ક્યાં મોકલીએ?” 21 તેમણે કિર્યાથયારીમના લોકો પાસે સંદેશકો માકલીને કહેવડાવ્યું, “પલિસ્તીઓએ પ્રભુની કરારપેટી પાછી મોકલી છે. આવીને લઈ જાઓ.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide