Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ શમુએલ 4 - પવિત્ર બાઇબલ C.L.


કરારપેટીનું હરણ

1 એ સમયે પલિસ્તીઓ ઇઝરાયલીઓ સામે લડવા એકત્ર થયા હોવાથી ઇઝરાયલી લોકો પલિસ્તીઓ સામે લડવા ગયા. ઇઝરાયલીઓએ એબેન-એઝેરમાં અને પલિસ્તીઓએ એફેકમાં છાવણી નાખી હતી.

2 પલિસ્તીઓએ હુમલો કર્યો અને ભીષણ યુદ્ધ પછી તેમણે ઇઝરાયલીઓને હરાવ્યા અને રણમેદાનમાં ચાર હજાર જેટલા માણસોનો ખૂરદો બોલાવ્યો.

3 બચી ગયેલા લોકો છાવણીમાં પાછા આવ્યા ત્યારે ઇઝરાયલના આગેવાનોએ કહ્યું, “આજે પ્રભુએ આપણને પલિસ્તીઓ સામે કેમ હરાવ્યા છે? આપણે શીલોમાંથી પ્રભુની કરારપેટી લાવીએ, જેથી તે આપણી સાથે આવીને આપણા દુશ્મનોથી આપણને બચાવે.”

4 તેથી તેમણે શીલોમાં સંદેશકો મોકલીને પાંખાળાં પ્રાણી કરુબો પર બિરાજનાર સેનાધિપતિ પ્રભુની કરારપેટી મેળવી. એલીના બે પુત્રો, હોફની અને ફિનહાસ ઈશ્વરની કરારપેટીની સાથે આવ્યા.

5 કરારપેટી છાવણીમાં આવી પહોંચી એટલે ઇઝરાયલીઓએ યુદ્ધનો એવો ભારે પોકાર કર્યો કે પૃથ્વી ગર્જી ઊઠી.

6 હોંકારો સાંભળીને પલિસ્તીઓએ કહ્યું, “હિબ્રૂઓની છાવણીનો પોકાર સાંભળો. એનો અર્થ શો? એ જ કે હિબ્રૂઓની છાવણીમાં પ્રભુની કરારપેટી આવી છે.”

7 તેથી પલિસ્તીઓએ ગભરાઈને કહ્યું, “તેમની છાવણીમાં ઈશ્વર આવ્યા છે. હવે આપણું આવી બન્યું. પહેલાં આવું કદી બન્યું નથી.

8 એ પરાક્રમી દેવોથી આપણને કોણ બચાવી શકે તેમ છે? એ તો ઇજિપ્તીઓને સર્વ પ્રકારના મહાપાતકથી મારનાર દેવો છે.

9 હે પલિસ્તીઓ, હિંમતવાન બનો. લડાઈમાં મર્દાનગી દાખવો. નહિ તો હિબ્રૂઓ જેમ આપણા ગુલામો હતા તેમ આપણે તેમના ગુલામો બની જઈશુ; તેથી મરદની જેમ લડો.”

10 પલિસ્તીઓએ સખત લડાઈ આપી. ઈઝરાયલીઓ હાર્યા અને પોતાના તંબુઓ તરફ ભાગ્યા. ભારે ક્તલ થઈ. ત્રીસ હજાર ઇઝરાયલી સૈનિકો મરાયા.

11 ઈશ્વરની કરારપેટી ઉપાડી જવામાં આવી અને એલીના બે પુત્રો, હોફની અને ફિનહાસ માર્યા ગયા.


એલીનું મરણ

12 રણક્ષેત્રમાંથી બિન્યામીનના કુળનો એક માણસ નાઠો અને એ જ દિવસે શીલોમાં આવી પહોંચ્યો. શોક દર્શાવવા તેણે પોતાનાં વસ્ત્ર ફાડી નાખ્યાં હતાં અને પોતાના માથા પર ધૂળ નાખી હતી.

13 એલી રસ્તાની બાજુ પર પોતાના આસન પર બેસીને એકીટશે રાહ જોતો હતો. ઈશ્વરની કરારપેટી વિષે તે અતિ ચિંતાતુર હતો. માણસે નગરમાં આવીને સમાચાર આપ્યા અને બધાએ રડારોળ કરી મૂકી.

14 એ સાંભળીને એલીએ પૂછયું, “આ બધો શાનો શોરબકોર છે?” પેલો માણસ એલીને સમાચાર જણાવવા ઉતાવળે તેની પાસે ગયો.

15 એલી હવે અઠાણું વર્ષનો થયો હતો, તેની આંખે ઝાંખપ આવી હતી અને તેને બરાબર દેખાતું નહોતું.

16 પેલા માણસે કહ્યું, “હું લડાઈમાંથી નાસી છૂટયો છું અને આખે રસ્તે દોડતો દોડતો આજે અહીં આવી પહોંચ્યો છું.” એલીએ તેને પૂછયું, “મારા દીકરા, ત્યાં શું થયું?”

17 સંદેશકે જવાબ આપ્યો, “ઇઝરાયલીઓ પલિસ્તીઓ આગળથી ભાગ્યા છે. આપણો ભયંકર સંહાર થયો છે. એ ઉપરાંત તમારા પુત્રો હોફની અને ફિનહાસ માર્યા ગયા છે અને ઈશ્વરની કરારપેટી શત્રુ ઉપાડી ગયા છે.”

18 પેલા માણસે કરારપેટીનો ઉલ્લેખ કર્યો કે તરત જ એલી દરવાજા પાસેના પોતાના આસન પરથી પાછળ ગબડી પડયો. તે એટલો વૃદ્ધ અને જાડો હતો કે પડવાથી તેની ગરદન ભાંગી ગઈ અને તે મરણ પામ્યો. તેણે ચાલીસ વર્ષ સુધી ઇઝરાયલમાં અમલ કર્યો.


ફિનહાસની પત્નીનું મરણ

19 એલીની પુત્રવધૂ, ફિનહાસની પત્ની ગર્ભવતી હતી અને તેનો પ્રસૂતિકાળ લગભગ નજીક હતો. ઈશ્વરની કરારપેટી ઉપાડી જવામાં આવી છે અને તેના સસરા તેમ જ પતિનું મરણ થયું છે એ સાંભળી તેને તરત જ પ્રસવવેદના ઊપડી અને પ્રસૂતિ થઈ.

20 તે મરવા પડી હતી પણ તેની સારવાર કરતી સ્ત્રીઓએ તેને કહ્યું, “હિંમત રાખ, તને પુત્ર જનમ્યો છે.” પણ એ અંગે તેણે ન તો કંઈ ધ્યાન આપ્યું કે ન તો કંઈ જવાબ આપ્યો.

21 “ઈશ્વરનું ગૌરવ લઈ જવામાં આવ્યું છે.” એમ બોલીને તેણે તે છોકરાનું નામ ‘ઇખાબોદ’ એટલે “ગૌરવ ક્યાં છે?” પાડયું. એમ તેણે કરારપેટી લઈ જવામાં આવી તેનો અને તેના સસરા તેમ જ પતિના મરણનો નિર્દેષ કર્યો.

22 તેણે કહ્યું, “ઈશ્વરના ગૌરવે ઇઝરાયલનો ત્યાગ કર્યો છે. કારણ, ઈશ્વરની કરારપેટી લઈ જવામાં આવી છે.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan