૧ શમુએલ 31 - પવિત્ર બાઇબલ C.L.શાઉલ અને તેના પુત્રોનું મરણ ( ૧ કાળ. 10:1-12 ) 1 પલિસ્તીઓએ ઈઝરાયલી સાથે ગિલ્બોઆ પર્વત પર યુદ્ધ કર્યું. ત્યાં ઘણા ઇઝરાયલીઓ માર્યા ગયા અને બાકીના નાસી ગયા. 2 પલિસ્તીઓએ શાઉલ અને તેના પુત્રોનો પીછો કર્યો અને તેના પુત્રો યોનાથાન, અબિનાદાબ અને માલ્ખીશૂઆને મારી નાખ્યા. 3 શાઉલની આસપાસ ભીષણ સંગ્રામ ખેલાયો. ધનુર્ધારીઓએ તેને પકડી પાડીને ઘેરી લીધો અને તે તેમના બાણથી સખત ઘવાયો. 4 તેથી તેણે પોતાના શસ્ત્રવાહકને કહ્યું, “તારી તલવાર ખેંચીને મને મારી નાખ. જેથી આ વિધર્મી પલિસ્તીઓ મારું અપમાન ન કરે અને મને મારી નાખે નહિ.” પણ શસ્ત્રવાહક એમ કરતા ઘણો ગભરાયો. તેથી શાઉલ પોતાની તલવાર લઈને તેની પર પડયો. 5 શાઉલ મરી ગયો છે એવું જોઈને તે શસ્ત્રવાહક પણ પોતાની તલવાર પર પડીને શાઉલ સાથે મરી ગયો. 6 અને એમ શાઉલ તેના ત્રણ પુત્રો અને એનો શસ્ત્રવાહક મરી ગયા. શાઉલના સર્વ માણસો તે દિવસે જ મરી ગયા. 7 યિઝએલની ખીણની સામી તરફ અને યર્દન નદીની પૂર્વ તરફ ઊભેલા ઇઝરાયલીઓએ જોયું કે ઇઝરાયલી સૈન્ય નાસી ગયું છે અને શાઉલ તથા તેના પુત્રો મરાયા છે ત્યારે તેઓ પોતાનાં નગરો છોડીને નાસી ગયા. પછી પલિસ્તીઓએ આવીને તે નગરો કબજે કરી લીધાં. 8 લડાઈને બીજે દિવસે પલિસ્તીઓ મૃતદેહ પરથી શસ્ત્રસરંજામ લૂંટી લેવા ગયા તો તેમણે ગિલ્બોઆ પર્વત પર શાઉલ તથા તેના ત્રણ પુત્રોના મૃતદેહ જોયા. 9 તેઓે તેનું માથું કાપી લીધું, તેનું બખ્તર ઉતારી લીધું અને એ લઈને પોતાની મૂર્તિઓના સ્થાનકોએ અને તેમના લોકોને આનંદના આ સમાચાર જણાવ્યા. 10 પછી તેમણે તેમનું બખ્તર લઈને આશ્તારોથ દેવીના મંદિરમાં મૂકાયું અને તેમનાં શબ બેથશાન શહેરના કોટ પર જડી દીધાં. 11 પલિસ્તીઓએ શાઉલના કરેલા હાલ વિષે ગિલ્યાદમાં આવેલા યાબેશના લોકોએ સાંભળ્યું ત્યારે સર્વ શૂરવીર માણસો ઉપડયા અને આખી રાત ચાલીને બેથશાન ગયા. 12 તેમણે કોટ પરથી શાઉલ તથા તેના પુત્રનો મૃતદેહ ઉતારી લઈને તેમને યાબેશ લાવીને ત્યાં બાળી દીધા. 13 પછી તેમણે હાડકાં લઈને યાબેશ નગરમાં પ્રાંસ વૃક્ષની નીચે દાટી દીધાં અને સાત દિવસ સુધી ઉપવાસ કરીને શોક કર્યો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide