Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ શમુએલ 30 - પવિત્ર બાઇબલ C.L.


અમાલેકીઓ સાથે યુદ્ધ

1 બે દિવસ પછી દાવિદ અને તેના માણસો સિકલાગમાં પાછા આવ્યા. દરમ્યાનમાં અમાલેકીઓએ દક્ષિણ યહૂદિયા અને સિકલાગ પર હુમલો કર્યો હતો. તેમણે સિકલાગને સર કરીને તેને બાળી નાખ્યું હતું.

2 તેમણે ત્યાં બધી સ્ત્રીઓને અને તેમની સાથે નાનાંમોટાં સૌને પકડયાં હતાં. તેમણે કોઈને મારી નાખ્યાં નહોતાં, પણ તે સર્વને પોતાની સાથે કેદ કરીને લઈ ગયા.

3 દાવિદ અને તેના માણસોએ આવીને જોયું તો નગર બાળી નાખવામાં આવ્યું હતું અને તેમની પત્નીઓ, પુત્રો અને પુત્રીઓને લઈ જવામાં આવ્યાં હતાં.

4 દાવિદ અને તેના માણસો રડવા લાગ્યા અને રડવાની શક્તિ ખૂટી ગઈ ત્યાં સુધી તેઓ રડયા.

5 દાવિદની બે પત્નીઓ, એટલે કે યિભએલી અહિનોઆમ અને ર્કામેલી નાબાલની વિધવા અબિગાઈલને પણ તેઓ પકડી ગયા હતા.

6 દાવિદ મોટી મુશ્કેલીમાં આવી પડયો હતો, કારણ, તેના સર્વ માણસો પોતાનાં બાળકો ગુમાવવાને લીધે ખૂબ ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે તેને પથ્થરે મારવાની ધમકી આપી. પણ દાવિદે તેના ઈશ્વર પ્રભુ પાસેથી હિંમત પ્રાપ્ત કરી.

7 દાવિદે અહિમેલેખના પુત્ર અબ્યાથાર યજ્ઞકારને કહ્યું, “પવિત્ર એફોદ મારી પાસે લાવ” અને અબ્યાથાર તે તેની પાસે લઈ આવ્યો.

8 દાવિદે પ્રભુને પૂછયું, “શું હું એ હુમલાખોરોનો પીછો કરું? શું હું તેમને પકડી પાડી શકીશ?” પ્રભુએ જવાબ આપ્યો, “તેમનો પીછો કર, તું તેમને પકડી પાડી શકીશ અને બધા કેદીઓને છોડાવી શકીશ.”

9 તેથી દાવિદ પોતાના છસો માણસોને લઈને ઉપડયો અને બેસોરના નાળા પાસે આવી પહોંચ્યો. તેમનામાંથી કેટલાક ત્યાં રહ્યા.

10 દાવિદ પોતાના ચારસો માણસો સાથે આગળ વધ્યો. નાળું ઓળંગી ન શકે એટલા થાકી ગયેલા બાકીના બસો જણ પાછળ રહ્યા.

11 દાવિદના માણસોને ગ્રામ્ય પ્રદેશમાં એક ઇજિપ્તી પુરુષ મળ્યો અને તેઓ તેને દાવિદ પાસે લઈ ગયા.

12 તેમણે તેને થોડો ખોરાક, પાણી, સૂકા અંજીર અને સૂકી દ્રાક્ષાની બે લૂમો આપ્યાં. જમ્યા બાદ તેનામાં તેની શક્તિ પાછી આવી. પૂરા ત્રણ દિવસથી તે ભૂખ્યો તરસ્યો હતો.

13 દાવિદે તેને પૂછયું, “તારો માલિક કોણ છે અને તું ક્યાંથી આવ્યો છે?” તેણે જવાબ આપ્યો, “હું ઈજિપ્તી છું અને એક અમાલેકીનો ગુલામ છું. હું બીમાર પડી ગયો હોવાથી મારા માલિકે મને ત્રણ દિવસ અગાઉ પાછળ પડતો મૂક્યો.

14 અમે કેરેથીઓના પ્રદેશ પર, યહૂદિયાના દક્ષિણ ભાગ પર અને કાલેબના ગોત્રના પ્રદેશ પર ચઢાઈ કરી હતી અને અમે સિકલાગ બાળી નાખ્યું.”

15 દાવિદે તેને પૂછયું, “તું મને એ હુમલાખોરો પાસે લઈ જઈશ?” તેણે જવાબ આપ્યો, “મને ઈશ્વરને નામે વચન આપો કે તમે મને મારી નાખશો નહિ અથવા મારા માલિકને પાછો સોંપી નહિ દો, તો હું તમને લઈ જઈશ.”

16 પછી તે દાવિદને અમાલેકીઓ પાસે લઈ ગયો. પલિસ્તીયા અને યહૂદિયામાં મેળવેલી અઢળક લૂંટને કારણે તેઓ ખાતાપીતા અને મઝા માણતા તે જગ્યાએ વિખેરાયેલા હતા.

17 બીજે દિવસે વહેલી સવારે દાવિદે તેમના પર હુમલો કર્યો અને સાંજ સુધી લડયો. ઊંટ પર બેસીને ભાગી ગયેલા ચારસો જુવાન માણસો સિવાય તેમાંનું કોઈ બચ્યું નહિ.

18 અમાલેકીઓ જે લૂંટી ગયા હતા તે બધું દાવિદે પાછું મેળવ્યું અને તે પોતાની બે પત્નીઓને પણ છોડાવી લાવ્યો.

19 નાનું કે મોટું, પુત્રો કે પુત્રીઓ અને સઘળી લૂંટાઈ ગયેલી વસ્તુઓ દાવિદ પાછી લાવ્યો, એમાં કશું ખૂટતું નહોતું.

20 દાવિદ ઘેટાંબકરાંનાં બધાં ટોળાં અને બધાં ઢોરઢાંક પણ પાછા લાવ્યો, એમને હાંકનારા કહેતા હતા કે, “આ દાવિદની લૂંટ છે.”

21 પછી ખૂબ થાકી જવાને લીધે દાવિદ સાથે જઈ ન શકેલા બસો માણસો જેઓ બેસોરના નાળા આગળ રહ્યા હતા તેમની પાસે તે પાછો ગયો. તેઓ દાવિદ અને તેના માણસોને મળવાને આવ્યા અને દાવિદે તેમની પાસે જઈને તેમને શુભેચ્છા પાઠવી.

22 પણ દાવિદની સાથે ગયેલા કેટલાક દુષ્ટ અને નકામા માણસોએ દાવિદને કહ્યું, “તેઓ આપણી સાથે આવ્યા નહોતા, તેથી આપણે તેમને પાછી મેળવેલી લૂંટમાંથી કંઈ નહિ આપીએ. તેઓ તેમની પત્નીઓ અને બાળકો લઈને જતા રહે.”

23 પણ દાવિદે કહ્યું, “મારા ભાઈઓ, પ્રભુએ આપણને આપેલી લૂંટ વિષે આપણે એવું ન કરી શકીએ. તેમણે આપણને સલામત રાખ્યા અને હુમલાખોરો પર આપણને વિજય આપ્યો.

24 તમારી વાત સાથે કોઈથી સહમત થઈ શકાય તેમ નથી. સર્વ સરખે ભાગે હિસ્સો મળવો જોઈએ. પુરવઠાની સાથે પાછળ રહેનારને પણ લડાઈમાં જનાર જેટલો જ હિસ્સો મળવો જોઈએ.

25 દાવિદે એ નિર્ણય નિયમ તરીકે કર્યો અને ત્યારથી ઇઝરાયલમાં એ નિયમ પળાતો આવ્યો છે.

26 દાવિદ સિકલાગ પાછો આવ્યો ત્યારે લૂંટનો કેટલોક ભાગ યહૂદિયાના આગેવાન મિત્રો પર આ સંદેશા સાથે મોકલ્યો, “પ્રભુના શત્રુઓ પાસેથી મેળવેલી લૂંટમાંથી તમને આ ભેટ મોકલું છું.”

27-29 તેણે આવી ભેટ નીચેનાં નગરોના રહેવાસીઓને મોકલી: બેથેલ, યહૂદિયાના દક્ષિણ ભાગમાં આવેલા રામા, યાતિર, અરોએર, સિફમોથ, એશ્તમોઆ, રાખાલ. વળી, યરાહમએલી તથા કેનીઓના કુળનાં નગરોમાં તેમ જ હોર્મા, બોર-આશાન, આથાખ

30-31 અને હેબ્રોન એ સર્વ જગ્યાઓમાં જેમને ત્યાં દાવિદ અને તેના માણસોએ આશરો લીધો હતો તે બધા માણસોને ભેટ મોકલી આપી.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan