૧ શમુએલ 3 - પવિત્ર બાઇબલ C.L.શમુએલને ઈશ્વરનું દર્શન 1 બાળક શમુએલ એલીની દેખરેખ નીચે પ્રભુની સેવા કરતો હતો. એ દિવસોમાં પ્રભુના સંદેશાઓ દુર્લભ હતા, અને તેમના તરફથી સંદર્શનો ભાગ્યે જ પ્રગટ થતાં. 2 એલીની આંખે હવે ઝાંખપ આવી હતી અને તેને બરાબર દેખાતું નહોતું. એક રાત્રે તે પોતાના ઓરડામાં સૂઈ ગયો હતો. 3 શમુએલ પ્રભુના મંદિરમાં પવિત્ર કરારપેટીની પાસે સૂતો હતો. ત્યાં ઈશ્વરનો દીવો હજુ સળગતો હતો. 4 તે સમયે પ્રભુએ શમુએલને બોલાવ્યો. તેણે જવાબ આપ્યો, 5 “હાજી” અને એલી પાસે દોડી જઈને તેણે કહ્યું, “તમે મને બોલાવ્યો? હું આ રહ્યો.” એલીએ કહ્યું, “મેં તને બોલાવ્યો નથી. જા, સૂઈ જા.” તેથી શમુએલ જઈને સૂઈ ગયો. 6 પ્રભુએ ફરીથી શમુએલને નામ દઈને બોલાવ્યો. તેથી શમુએલ ઊઠીને એલી પાસે ગયો અને કહ્યું, “તમે મને બોલાવ્યો? હું આ રહ્યો.” પણ એલીએ કહ્યું, “મારા દીકરા, મેં તને નથી બોલાવ્યો, જા, સૂઈ જા.” 7 શમુએલ હજી પ્રભુને ઓળખતો નહોતો અને પ્રભુનો સંદેશો તેની આગળ પ્રગટ થયો ન હતો. 8 પ્રભુએ ત્રીજીવાર શમુએલને હાંક મારી, એટલે તે ઊઠીને એલી પાસે ગયો, અને તેણે કહ્યું, “તમે મને બોલાવ્યોને? હું આ રહ્યો.” પછી એલીને સમજ પડી કે પ્રભુ છોકરાને બોલાવતા હતા. 9 તેથી તેણે તેને કહ્યું, “જા. જઈને સૂઈ જા. અને ફરીથી કદાચ તે તને બોલાવે તો કહેજે, ‘પ્રભુ, બોલો, તમારો સેવક સાંભળે છે.” તેથી શમુએલ જઈને સૂઈ ગયો. 10 પ્રભુ ત્યાં આવીને ઊભા રહ્યા અને અગાઉની જેમ તેમણે તેને બોલાવ્યો “શમુએલ, શમુએલ.” અને શમુએલે કહ્યું, “પ્રભુ, બોલો; તમારો સેવક સાંભળે છે.” 11 પ્રભુએ તેને કહ્યું, “ઇઝરાયલી લોકો મધ્યે હું એવું ભયાનક કાર્ય કરવાનો છું કે તે વિષે સાંભળનાર થરથરી જશે. 12 એ દિવસે એલીના કુટુંબ વિરુદ્ધની મારી સર્વ ધમકીઓ તેમના આરંભથી અંત સુધી હું અમલમાં મૂકીશ. 13 મેં તેને કહ્યું છે કે તેના પુત્રો મારી વિરુદ્ધ દુષ્ટ વાતો બોલ્યા હોવાથી હું તેના કુટુંબને કાયમની શિક્ષા કરનાર છું. એલી તેમનું આ કામ જાણતો હતો. 14 પણ તેણે તેમને રોકયા નહિ. તેથી મેં એલીના કુટુંબ વિરુદ્ધ શપથ લીધા છે કે કોઈપણ જાતના યજ્ઞથી કે અર્પણથી એમનાં પાપનું પ્રાયશ્ર્વિત કરી શકાશે નહિ.” 15 સવાર સુધી શમુએલ સૂઈ રહ્યો પછી તેણે ઊઠીને ભક્તિસ્થાનનાં પ્રવેશદ્વાર ખોલ્યાં. તે એલીને સંદર્શનની વાત કહેતાં ગભરાયો. 16 એલીએ તેને બોલાવ્યો, “દીકરા શમુએલ!” શમુએલે જવાબ આપ્યો “હા,જી.” 17 એલીએ તેને પૂછયું, “પ્રભુએ તને શું કહ્યું? મારાથી કંઈ છુપાવીશ નહિ; તેમણે જે કહ્યું તે બધું તું મને નહિ કહે તો પ્રભુ તને તે કરતાં વધારે શિક્ષા કરશે.” 18 તેથી શમુએલે તેને બધું કહ્યું અને કંઈ છુપાવ્યું નહિ. એલીએ કહ્યું, “આખરે તો તે પ્રભુ છે, તેમને જે સારું લાગે તે કરે.” 19 શમુએલ મોટો થયો. પ્રભુ તેની સાથે હતા અને તેમણે શમુએલને કહેલું બધું સાચું ઠેરવ્યું. 20 તેથી દેશની એક સરહદ દાનથી બીજી સરહદ બેરશેબા સુધી સમગ્ર ઇઝરાયલ દેશના લોકોએ જાણ્યું કે શમુએલ ઈશ્વરનો સાચો સંદેશવાહક છે. 21 શીલોમાં જયાં પ્રભુએ શમુએલને દર્શન આપીને સંદેશ આપ્યો હતો, ત્યાં તેમણે તેને દર્શન આપવાનું ચાલુ રાખ્યું. શમુએલ પ્રભુ તરફથી મળતો સંદેશ પ્રગટ કરતો અને ઈઝરાયલીઓ તેનું માનતા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide