Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ શમુએલ 29 - પવિત્ર બાઇબલ C.L.


પલિસ્તીઓએ કરેલો દાવિદનો નકાર

1 પલિસ્તીઓએ તેમનાં સર્વ લશ્કરી દળો અફેકમાં એકઠાં કર્યાં, જ્યારે ઇઝરાયલીઓએ યિભએલની ખીણમાં ઝરા પાસે છાવણી કરી.

2 પલિસ્તીઓના પાંચ રાજવીઓ તેમની સો સો અને હજાર હજાર માણસોની લશ્કરી ટુકડીઓ લઈને નીકળી આવ્યા. દાવિદ અને તેના માણસો આખીશની સાથે સૈન્યમાં પાછળના ભાગમાં હતા.

3 પલિસ્તીઓના રાજવીઓએ પૂછયું, “આ હિબ્રૂઓ અહીં શું કરે છે?” આખીશે જવાબ આપ્યો, “આ તો ઇઝરાયલના રાજા શાઉલનો સેવક દાવિદ છે. તે એકાદ વર્ષથી મારી સાથે છે. તે મારી પાસે આવ્યો ત્યારથી મને તેનો ગુનો દેખાય એવું તેણે કંઈ કર્યું નથી.”

4 પણ પલિસ્તીઓના રાજવીઓ આખીશ પર ગુસ્સે થઈ ગયા અને તેમણે તેને કહ્યું, “એ માણસને તેના નગરમાં પાછો મોકલ. તેને આપણી સાથે યુદ્ધમાં આવવા ન દે. કારણ, તે લડાઇ સમયે આપણી વિરુદ્ધનો થઈ જશે. પોતાના માલિકનો પ્રેમ સંપાદન કરવા આપણા માણસોને મારી નાખવા સિવાય તેની પાસે બીજો કયો સારો માર્ગ હોય?

5 છેવટે આ તો એ દાવિદ છે કે જેના વિષે સ્ત્રીઓએ નાચતાં નાચતાં ગાયું હતું કે, ‘શાઉલે માર્યા હજાર, દાવિદે માર્યા દસ હજાર.”

6 આખીશે દાવિદને બોલાવીને કહ્યું, “પ્રભુના જીવના સમ, તું મને વફાદાર રહ્યો છે અને તું મારી સાથે આવીને યુદ્ધમાં ભાગ લે એ મને ગમ્યું હોત. તું મારી પાસે આવ્યો તે દિવસથી અત્યાર સુધી મને તારામાં કંઈ દોષ માલૂમ પડયો નથી. પણ બીજા રાજવીઓ તને સ્વીકારવા તૈયાર નથી.

7 તેથી તું કૃપા કરીને ઘેર જા અને તેમને ખોટું લાગે તેવું કંઈ કરીશ નહિ.”

8 દાવિદે જવાબ આપ્યો, “મેં શું ખોટું કર્યું છે? રાજન, મેં તમારી સેવા કરવાની શરૂઆત કરી ત્યારથી તમને મારામાં કંઈ દોષ માલૂમ પડયો નથી. તેથી હે રાજા, મારા માલિક, મારે શા માટે તમારી સાથે આવીને તમારા શત્રુઓ સાથે ન લડવું?”

9 આખીશે જવાબ આપ્યો, “હું તને ઈશ્વરના દૂત જેટલો જ વફાદાર ગણું છું. પણ તું અમારી સાથે લડાઈમાં ન આવી શકે એવું પલિસ્તીઓના રાજવીઓનું કહેવું છે.

10 તેથી હે દાવિદ, શાઉલને છોડીને મારી પાસે આવેલા તમે સૌ આવતી કાલે વહેલા ઊઠીને સવાર થતાં જ જલદી જતા રહેજો.”

11 તેથી બીજે દિવસે વહેલી સવારે દાવિદ અને તેના માણસો પલિસ્તીયા પાછા જવાને ઉપડયા અને પલિસ્તીઓ યિઝએલ તરફ ગયા.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan