Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ શમુએલ 28 - પવિત્ર બાઇબલ C.L.

1 કેટલાક સમય બાદ પલિસ્તીઓનાં સૈન્ય ઇઝરાયલ સામે લડવાને એકત્ર થયાં અને આખીશે દાવિદને કહ્યું, “અલબત્ત, તું સમજે તો છે કે તારે અને તારા માણસોએ અમારે પક્ષે રહીને લડવાનું છે.”

2 દાવિદે આખીશને કહ્યું, “જરૂર, હું તો તમારો સેવક છું અને હું શું કરી શકું છું તેની પણ તમને ખબર પડશે.” આખીશે કહ્યું, “ભલે, હું તને મારો કાયમી અંગરક્ષક બનાવીશ.”


મૃતાત્માનો સંપર્ક સાધનાર સ્ત્રી

3 હવે શમુએલ તો મરી ગયો હતો અને સર્વ ઇઝરાયલીઓએ તેને માટે શોક કર્યો હતો અને તેને તેના વતન રામામાં દફનાવ્યો હતો. શાઉલે ઇઝરાયલ દેશમાંથી સર્વ જાદુગરો અને મૃતાત્માનો સંપર્ક સાધનારાઓને તડીપાર કર્યા હતા.

4 પલિસ્તીઓનાં સૈન્યોએ એકઠાં થઈને શૂનેમ નગરમાં છાવણી કરી. શાઉલે ઇઝરાયલીઓને એકઠા કરીને ગિલ્બોઆ પર્વત પર છાવણી કરી.

5 પલિસ્તીઓનાં સૈન્ય જોઈને શાઉલનું હૈયું ભયથી કાંપવા લાગ્યું.

6 તેથી શું કરવું તે અંગે તેણે પ્રભુને પૂછી જોયું. પણ પ્રભુએ તેને સ્વપ્નથી કે ઉરીમથી કે સંદેશવાહકો મારફતે કંઈ જવાબ આપ્યો નહિ.

7 પછી શાઉલે તેના અમલદારોને હુકમ કર્યો, “પ્રેતાત્માનો સંપર્ક સાધી શકે એવી કોઈ સ્ત્રી મને શોધી આપો કે જેથી હું તેને જઇને પૂછી શકું.” તેમણે જવાબ આપ્યો, “એવી એક સ્ત્રી એનદોરમાં છે.”

8 તેથી શાઉલે વેશપલટો કર્યો. જુદા પ્રકારનાં વસ્ત્રો પહેર્યાં અને પોતાના બે માણસો સાથે પેલી સ્ત્રીને રાત્રે છૂપી રીતે મળવા ગયો. શાઉલે તેને કહ્યું, “મૃતાત્માનો સંપર્ક સાધીને મને ભવિષ્ય જણાવ. હું તને કહું તે માણસના આત્માને બોલાવ.”

9 સ્ત્રીએ જવાબ આપ્યો, “શાઉલ રાજાએ શું કર્યું છે તે તો તમે જરૂર જાણો છો. એટલે કે, તેમણે ઇઝરાયલ દેશમાંથી જાદુગરો અને મૃતાત્માઓનો સંપર્ક સાધનારાઓને હાંકી કાઢયા છે. તેથી તમે મને ફસાવીને કેમ મારી નાખવા માગો છો?”

10 પછી શાઉલે પ્રભુને નામે સોગંદ લીધા અને તેને કહ્યું, “પ્રભુના જીવના સમ, હું વચન આપું છું કે એ કાર્યને લીધે તને કંઇ શિક્ષા નહિ થાય.”

11 સ્ત્રીએ પૂછયું, “હું તમારે માટે કોને બોલાવું?” તેણે જવાબ આપ્યો, “શમુએલને.”

12 શમુએલને જોઈને સ્ત્રીએ ચીસ પાડી. તેણે શાઉલને કહ્યું, “તમે મને કેમ છેતરી? તમે તો શાઉલ રાજા છો.”

13 રાજાએ તેને કહ્યું, “ગભરાઈશ નહિ, તું શું જુએ છે?” તેણે કહ્યું, “હું એક આત્માને પૃથ્વીમાંથી ઉપર આવતો જોઉં છું.”

14 તેણે પૂછયું, “તેનો દેખાવ કોના જેવો છે? તેણે જવાબ આપ્યો, “એક વૃદ્ધ માણસ ઉપર આવી રહ્યો છે. તેણે ઝભ્ભો પહેરેલો છે.” પછી શાઉલને ખબર પડી કે તે શમુએલ છે અને તેણે ભૂમિ સુધી નમીને પ્રણામ કર્યા.

15 શમુએલે શાઉલને કહ્યું, “તેં શા માટે મને અહીં બોલાવીને પરેશાન કર્યો છે? તેં શા માટે મને પાછો બોલાવ્યો છે?” શાઉલે જવાબ આપ્યો, “હું મોટી મુશ્કેલીમાં આવી પડયો છું. પલિસ્તીઓ મારી સામે લડવાને તૈયાર થયા છે અને ઈશ્વરે મને તજી દીધો છે. સ્વપ્નો કે સંદેશવાહકો મારફતે હવે તે મને જવાબ આપતા નથી. તેથી મારે શું કરવું તે પૂછવા મેં તમને બોલાવ્યા છે.”

16 શમુએલે કહ્યું, “જ્યારે પ્રભુએ જ તારો ત્યાગ કર્યો છે અને તે તારા શત્રુ થઈ ગયા છે, તો પછી તેં મને શા માટે બોલાવ્યો?

17 પ્રભુએ મારી મારફતે આપેલ સંદેશ પૂર્ણ કર્યો છે: તેમણે તારી પાસેથી રાજ્ય ખૂંચવી લઈને તેને બદલે તે દાવિદને આપ્યું છે.

18 પ્રભુની આજ્ઞાને તું આધીન થયો નહિ અને અમાલેકીઓ અને તેમના સર્વસ્વનો સંપૂર્ણપણે નાશ કર્યો નહિ તેથી જ પ્રભુએ તને આ શિક્ષા કરી છે.

19 તે તને અને ઇઝરાયલીઓને પલિસ્તીઓના હાથમાં સોંપી દેશે. આવતી કાલે તું અને તારા પુત્રો મારી સાથે હશો અને પ્રભુ ઇઝરાયલના સૈન્યને પલિસ્તીઓના હાથમાં સોંપી દેશે.”

20 શમુએલે કહેલી વાતથી ગભરાઈ જઈને શાઉલ આખો દિવસ અને આખી રાત જમીન પર ચત્તોપાટ પડી રહ્યો. તેણે કંઈ ખાધું નહિ હોવાથી તે નિર્બળ થઈ ગયો હતો.

21 પેલી સ્ત્રીએ શાઉલ પાસે જઈને જોયું તો તે ગભરાઇ ગયો હતો. તેથી તેણે તેને કહ્યું, “સાહેબ, તમારી વાત મેં મારા જીવના જોખમે માની છે.

22 તો હવે તમે પણ તમારી આ દાસીની વાત માનો. તમને પીરસવા માટે મને થોડો ખોરાક રાંધવા દો; જેથી એ ખાઈને તમને મુસાફરી કરવા માટે જરૂરી બળ મળે.”

23 શાઉલે નકાર કરતાં કહ્યું કે, “મારે કંઈ ખાવું નથી.” પણ તે સ્ત્રીએ અને શાઉલના અમલદારોએ તેને ખોરાક લેવાને આજીજી કરી. છેવટે, શાઉલ તેમના આગ્રહને વશ થઈને જમીન પરથી ઊઠીને પલંગ પર બેઠો.

24 પેલી સ્ત્રીએ પોતાનો હૃષ્ટપુષ્ટ વાછરડો કાપ્યો. પછી તેણે લોટ લઇને બાંધ્યો અને ખમીર વગરની રોટલીઓ શેકી.

25 તેણે તે ખોરાક શાઉલ અને તેના અમલદારો આગળ પીરસ્યો અને તેઓ જમ્યા. પછી તે જ રાત્રે તેઓ ત્યાંથી વિદાય થયા.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan