૧ શમુએલ 27 - પવિત્ર બાઇબલ C.L.દાવિદ પલિસ્તીઓ મધ્યે 1 દાવિદે પોતાના મનમાં કહ્યું, “શાઉલ, મને કોઈક દિવસ મારી નાખશે. તેથી હું નાસી છૂટીને પલિસ્તીયામાં જતો રહું એ જ ઉત્તમ છે. પછી શાઉલ હતાશ થઈને મને ઇઝરાયલમાં શોધવાનું પડતું મૂકશે અને હું સલામત રહીશ.” 2 તેથી દાવિદ અને તેના છસો માણસો તરત જ માઓખના પુત્ર આખીશ, એટલે ગાથના રાજા પાસે જઈ પહોંચ્યા. 3 દાવિદ અને તેના માણસો તેમનાં કુટુંબો સહિત આખીશના આશ્રયે ગાથમાં વસ્યા. દાવિદની સાથે તેની બંને પત્નીઓ એટલે કે યિઝએલની અહિનોઆમ અને નાબાલ ર્કામેલીની વિધવા અબિગાઈલ હતી. 4 દાવિદ ગાથ નાસી ગયો છે એવી ખબર પડતાં શાઉલે તેને શોધવાનું પડતું મૂકાયું. 5 દાવિદે આખીશને કહ્યું, “આપને મારા પ્રત્યે સદ્ભાવ હોય તો મને રહેવા એક નાના નગરમાં જગ્યા આપો. મારા માલિક, મારે તમારી સાથે પાટનગરમાં રહેવાની કોઈ જરૂર નથી.” 6 તેથી આખીશે તેને સિકલાગ નગર આપ્યું. સિકલાગ ત્યારથી યહૂદિયાના રાજાઓના હાથમાં રહ્યું છે. 7 દાવિદ એક વર્ષ અને ચાર મહિના પલિસ્તીઓના પ્રદેશમાં રહ્યો. 8 એ પ્રદેશમાં લાંબા સમયથી રહેતા ગશૂર, ગિર્ઝી અને અમાલેકના લોકો પર દાવિદ અને તેના માણસો હુમલો કરતા. પ્રાચીન સમયથી એ લોકો એ પ્રદેશમાં ઇજિપ્ત જવાના રસ્તે છેક શૂર સુધી વસતા હતા. 9 દાવિદ કોઈ પ્રદેશ પર હુમલો કરતો ત્યારે તે પુરુષો અને સ્ત્રીઓને મારી નાખતો અને ઘેટાં, બળદ, ગધેડાં, ઊંટ અને વસ્ત્ર સુદ્ધાં લઇ લેતો. પછી તે આખીશ પાસે જતો. 10 આખીશ તેને પૂછતો, “આ વખતે તેં ક્યાં હુમલો કર્યો હતો?” દાવિદ તેને કહેતો કે તે યહૂદિયાના દક્ષિણ ભાગમાં અથવા યરાહમએલી કુળના વતનમાં અથવા કેનીઓના પ્રદેશમાં ગયો હતો. 11 દાવિદ સર્વ સ્ત્રી પુરુષોને મારી નાખતો, જેથી કોઇ ગાથ જઇને તેના અને તેના માણસોના કાર્ય વિષે ખબર આપે નહિ. દાવિદ પલિસ્તીયામાં રહ્યો એ બધો સમય તે એવું જ કરતો રહ્યો. 12 આખીશને દાવિદ પર વિશ્વાસ હતો, કેમકે તે મનમાં કહેતો, “તેના પોતાના ઇઝરાયલી લોકો તેનો એવો તિરસ્કાર કરે છે કે તે જીવનપર્યંત મારી સેવા કરશે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide