Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ શમુએલ 26 - પવિત્ર બાઇબલ C.L.


શાઉલને ફરીથી જીવતદાન

1 ઝીફથી કેટલાક માણસોએ ગિબ્યામાં શાઉલ પાસે આવીને તેને કહ્યું કે દાવિદ યહૂદિયાના વેરાનપ્રદેશના છેડે હખીલા પર્વત પર સંતાયો છે.

2 એ સાંભળીને શાઉલ તરત જ ઇઝરાયલમાંથી ત્રણ હજાર ચુનંદા યોદ્ધાઓ લઈને દાવિદને શોધવા ઝીફના વેરાનપ્રદેશમાં ગયો.

3 હખીલા પર્વત પર રસ્તાની બાજુએ શાઉલે છાવણી નાખી. દાવિદ હજુ એ વેરાન પ્રદેશમાં જ હતો.

4 શાઉલ પોતાને શોધવા આવ્યો છે એવું જાણતાં દાવિદે જાસૂસો મોકલીને ચોક્સાઈ કરી લીધી કે શાઉલ ત્યાં જ છે.

5 પછી તે તરત જ શાઉલની છાવણીમાં ગયો અને શાઉલ તથા તેના લશ્કરનો સેનાપતિ નેરનો પુત્ર આબ્નેર ક્યાં સૂતા છે તે જગ્યા શોધી કાઢી. શાઉલ છાવણીમાં સૂઈ ગયો અને માણસોએ તેની આજુબાજુ પડાવ નાખ્યો હતો.

6 પછી દાવિદે હિત્તી અહિમેલેખ અને સરુયાના પુત્ર, યોઆબના ભાઈ અબિશાયને કહ્યું, “શાઉલની છાવણીમાં જવા તમારામાંનો કોણ મારી સાથે આવશે?” અબિશાયે કહ્યું, “હું આવીશ.”

7 તે રાત્રે દાવિદ અને અબિશાયે શાઉલની છાવણીમાં પ્રવેશ કર્યો અને જોયું તો છાવણીમાં સૈનિકોના ઘેરા મધ્યે શાઉલ ઊંઘતો હતો અને તેનો ભાલો તેના માથા નજીક જમીન પર ખોસેલો હતો. આબ્નેર તથા લશ્કરના સૈનિકો તેની આસપાસ ઊંઘતા હતા.

8 અબિશાયે દાવિદને કહ્યું, “ઈશ્વર તમારા શત્રુને આજે રાત્રે તમારા હાથમાં સોંપી દીધો છે. હવે મને ભાલાના એક જ ઘાથી તેને જમીનમાં જડી દેવા દો. મારે બીજો ઘા કરવો નહિ પડે.”

9 પણ દાવિદે કહ્યું, “એને કંઈ ઈજા પહોંચાડતો નહિ. પ્રભુના પસંદ કરેલા અભિષિક્ત રાજાને ઈજા પહોંચાડનાર સજા પામ્યા વિના રહેશે નહિ.”

10 વળી, દાવિદે કહ્યું, “પ્રભુના જીવના સમ, હું જાણું છું કે પ્રભુ પોતે શાઉલને મારશે; પછી તે કુદરતી મોતે મરે કે યુદ્ધમાં ઘવાઈને માર્યો જાય.

11 પ્રભુએ જેનો રાજા તરીકે અભિષેક કર્યો છે એને હું કંઈ હાનિ પહોંચાડું એવું પ્રભુ ન થવા દો. ચાલ, શાઉલના માથા પાસેથી તેનો ભાલો અને તેનો પાણીનો ચંબૂ લઈ લે, એટલે આપણે અહીંથી જતા રહીએ.

12 એમ દાવિદે શાઉલના માથા પાસેથી ભાલો અને પાણીનો ચંબૂ લઇ લીધાં અને પછી તે તથા અબિશાય ત્યાંથી જતા રહ્યા. એ ન તો કોઈએ જોયું કે ન તો કોઈને ખબર પડી. કોઈ જાગ્યા પણ નહિ, તેઓ ભરઊંઘમાં હતા. કારણ, પ્રભુએ તેમને સૌને ભર ઊંઘમાં નાખ્યા હતા.

13 પછી દાવિદ ખીણ ઓળંગીને સામેની બાજુએ ટેકરીના શિખર પર પહોંચી ગયો; તેમની વચ્ચે ઘણું અંતર હતું.

14 તેણે શાઉલના લશ્કરને અને નેરના પુત્ર આબ્નેરને હાંક મારી, “આબ્નેર, તું સાંભળે છે? તો ઉત્તર આપ!” આબ્નેરે પૂછયું, “રાજાને હાંક મારનાર એ કોણ છે?”

15 દાવિદે આબ્નેરને કહ્યું, “તું તો મરદ છે ને? ઇઝરાયલમાં તારો કોઈ સમોવડિયો છે? તો પછી તું તારા માલિક રાજાનું રક્ષણ કેમ કરતો નથી? કારણ, તારા માલિક રાજાને મારવા હમણાં જ કોઈ છાવણીમાં પ્રવેશ્યું હતું.

16 આબ્નેર, તું તારી ફરજ ચૂક્યો છે. જેનો પ્રભુએ રાજા તરીકે અભિષેક કર્યો છે એ તમારા માલિકનું તમે ચોક્સાઈપૂર્વક રક્ષણ કર્યું નથી. તેથી હું પ્રભુના જીવના સમ ખાઉં છું કે તમે મૃત્યુદંડને પાત્ર છો. હવે શોધો તો ખરા કે રાજાનો ભાલો ક્યાં છે? તેના માથા પાસે પડેલો પાણીનો ચંબૂ ક્યાં છે?”

17 શાઉલે દાવિદનો અવાજ ઓળખ્યો અને પૂછયું, “મારા પુત્ર દાવિદ, એ તું બોલે છે?” દાવિદે જવાબ આપ્યો, “જી રાજા, મારા માલિક, એ હું બોલું છું.”

18 તેણે વિશેષમાં કહ્યું, “મારા માલિક, તમે મારી એટલે, તમારા સેવકની પાછળ કેમ પડયા છો? મેં શું કર્યું છે? મેં શો ગુન્હો કર્યો છે?

19 તેથી હે રાજા, મારા માલિક, તમારા સેવકનું સાંભળો. પ્રભુએ તમને મારી વિરુદ્ધ ઉશ્કેર્યા હોય તો પ્રભુને એકાદ અર્પણ ચઢાવીને તેમને પ્રસન્‍ન કરું. પણ જો તે માણસનું કામ હોય તો તેઓ પ્રભુથી શાપિત થાઓ. કારણ, તેમણે ‘જા, અન્ય દેવોની સેવા કર’ એવું કહીને આજે મને કાઢી મૂક્યો છે. જેથી પ્રભુના વતનમાં મારો કોઈ લાગભાગ રહે નહિ.

20 તો હવે પ્રભુની ઉપસ્થિતિથી દૂર એટલે વિધર્મીઓના દેશમાં મારું ખૂન ન થાઓ. કારણ, પર્વતોમાં તેતર જેવાં પક્ષીઓનો શિકાર કરનારની માફક ઇઝરાયલનો રાજા મારા જેવા એક ચાંચડને પકડવા માગે છે.”

21 શાઉલે જવાબ આપ્યો, “મેં ખોટું કર્યું છે. મારા પુત્ર દાવિદ, પાછો આવ. હું તને ફરી કદી ઇજા નહિ પહોંચાડું. કારણ, તેં આજે રાત્રે મારો જીવ મૂલ્યવાન ગણ્યો છે. હું તો મૂર્ખાઈ કરીને ભારે ભૂલ કરી રહ્યો છું.”

22 દાવિદે જવાબ આપ્યો, “રાજા, આ રહ્યો તમારો ભાલો. તમારા કોઈ માણસને મોકલીને મંગાવી લો.

23 પ્રભુ પ્રામાણિક્તા અને વફાદારીનો બદલો આપે છે.આજે પ્રભુએ તમને મારા હાથમાં સોંપી દીધા. પણ પ્રભુના અભિષિક્ત રાજા તરીકે મેં તમારા પર ઘા કરવાનું યોગ્ય માન્યું નથી.

24 તેથી જેમ મેં આજે તમારો જીવ મૂલ્યવાન ગણ્યો છે, તેમ જ પ્રભુ પણ મારો જીવ મૂલ્યવાન ગણો અને મને સર્વ સંકટોમાંથી ઉગારો.”

25 શાઉલે કહ્યું, “મારા પુત્ર, ઈશ્વર તને આશિષ આપો. તું બધી બાબતોમાં સફળ થાઓ.” એમ દાવિદ પોતાને રસ્તે પડયો અને શાઉલ ઘેર પાછો ગયો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan