Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ શમુએલ 25 - પવિત્ર બાઇબલ C.L.


શમુએલનું મરણ

1 શમુએલ મરણ પામ્યો. સર્વ ઇઝરાયલીઓએ એકઠા થઈને તેને માટે શોક કર્યો. પછી તેમણે શમુએલને તેના વતન રામામાં દફનાવ્યો. દાવિદ અને અબિગાઇલ એ પછી દાવિદ પારાનના વેરાનપ્રદેશમાં ગયો.

2-3 કાલેબના ગોત્રનો નાબાલ નામે એક માણસ હતો. તે માઓન નગરનો હતો. તે બહુ ધનવાન હતો અને તેનું બધું પશુધન ર્કામેલમાં હતું. તેની પાસે ત્રણ હજાર ઘેટાં અને એક હજાર બકરાં હતાં. તે ર્કામેલમાં ઘેટાંનું ઊન ઉતારતો હતો. તેની પત્નીનું નામ અબિગાઈલ હતું. તે સુંદર અને હોશિયાર હતી. પણ તેનો પતિ ઉદ્ધત અને દુરાચારી હતો. નાબાલ ર્કામેલમાં પોતાનાં ઘેટાંનું ઊન ઉતારતો હતો.

4 દાવિદ વેરાનપ્રદેશમાં હતો અને ત્યાં તેણે તે વિષે જાણ્યું.

5 તેથી દાવિદે તેના દસ જુવાનોને ર્કામેલમાં નાબાલ પાસે જઇને પોતાને નામે તેને શુભેચ્છા પાઠવવા

6 અને આવું કહેવા મોકલ્યા, “તમારું, તમારા કુટુંબનું અને તમારા સર્વસ્વનું કલ્યાણ હો.

7 મેં સાંભળ્યું છે કે તમે તમારાં ઘેટાં પરથી ઊન ઉતારો છો. તમારા ઘેટાંપાળકો અમારી સાથે છે અને અમે તેમને કંઇ નુક્સાન કર્યું નથી. તમારા ઘેટાંપાળકો ર્કામેલમાં હતા તે દરમ્યાન તેમનું કંઈ ચોરાયું નથી.

8 તેમને પૂછી જુઓ, એટલે તેઓ તમને તે કહેશે. અમે અહીં ઉત્સવ માટે આવ્યા છીએ. આ જુવાનો પ્રત્યે મમતા દાખવજો. તમારા સેવકોને અને દાવિદ, તમારા પુત્ર સમાન દાવિદને બની શકે તે કૃપા કરીને આપો.”

9 દાવિદના માણસોએ દાવિદને નામે નાબાલને એ સંદેશો કહ્યો. પછી તેઓ ત્યાં રાહ જોઈ ઊભા રહ્યા.

10 છેવટે, નાબાલે જવાબ આપ્યો, “દાવિદ કોણ? એ યિશાઈનો પુત્ર વળી કોણ છે? એના વિષે કદી સાંભળ્યું નથી. અત્યારે તો દેશમાં પોતાના માલિકથી નાસતા ફરતા ગુલામો ઘણા છે.

11 મારાં રોટલી અને પાણી અને મારાં ઘેટાંનું ઊન ઉતારનારાઓ માટે કાપેલાં પ્રાણીઓ લઈને હું અજાણ્યા માણસોને આપવાનો નથી.”

12 દાવિદના માણસોએ પાછા જઇને નાબાલે કહેલી બધી વાત તેને જણાવી.

13 તેણે કહ્યું, “તમારી તલવારો કમરે બાંધો.” એટલે તેઓ સૌએ પોતાની તલવારો બાંધી લીધી. દાવિદે પોતે પણ પોતાની તલવાર બાંધી લીધી અને પોતાના ચારસો માણસો સાથે ઉપડયો; જ્યારે બસો માણસો પુરવઠા પાછળ સાથે રહ્યા.

14 નાબાલના એક નોકરે નાબાલની પત્ની અબિગાઈલને કહ્યું, “તમે સાંભળ્યું છે કે દાવિદે વેરાનપ્રદેશમાંથી કેટલાક સંદેશકો મોકલીને આપણા શેઠને શુભેચ્છા પાઠવી હતી, પણ તેમણે તો ગુસ્સે થઈને તેમનું અપમાન કર્યું?

15 પણ તે તો આપણા પ્રત્યે ખૂબ ભલા હતા. તેમણે આપણને કંઈ મુશ્કેલી ઊભી કરી નથી અને અમે તેમની સાથે ચરાણોમાં હતા તે બધો સમય આપણું કંઈ પણ ચોરાયું નથી.

16 અમે આપણા ઘેટાંની સંભાળ રાખતા તે બધો સમય તેમણે અમારા બધાનું રક્ષણ કર્યું.

17 હવે વિચાર કરીને શું કરવું તેનો નિર્ણય કરો; નહિ તો આપણા શેઠની અને તેના આખા કુટુંબની ખાનાખરાબી થઈ જશે. તે એવા ખરાબ સ્વભાવના છે કે કોઈનું સાંભળતા નથી.”

18 અબિગાઈલે તરત જ બસો રોટલી, બે મશકો ભરીને દ્રાક્ષાસવ, રાંધેલાં પાંચ ઘેટાં, સત્તર કિલો પોંક, સૂકી દ્રાક્ષાની સો લૂમો અને સૂકાં અંજીરનાં બસો ચક્તાં લઈને ગધેડાં પર મૂક્યાં.

19 પછી તેણે નોકરોને કહ્યું, “તમે મારી આગળ જાઓ અને હું તમારી પાછળ આવું છું.” પણ તેણે પોતાના પતિ નાબાલને કંઈ કહ્યું નહિ.

20 પર્વતની બાજુએ એક વળાંક આગળ થઈને તે પોતાના ગધેડા પર બેસીને જતી હતી ત્યારે તેને અચાનક દાવિદ અને તેના માણસોનો સામેથી ભેટો થઈ ગયો.

21 દાવિદ વિચારતો હતો, “મેં એ માણસની મિલક્તનું આ વેરાનપ્રદેશમાં શા માટે રક્ષણ કર્યું? તેનું કંઈ ચોરાયું નહોતું અને મેં કરેલી મદદનો તે મને આવો બદલો આપે છે?

22 સવાર થતાં સુધીમાં તેના આબાલવદ્ધ એકેએક પુરુષોનો સંહાર ન કરું તો ઈશ્વર મારી એથીય બૂરી દશા કરો.”

23-24 દાવિદને જોઈને અબિગાઇલ તરત જ ગધેડા પરથી ઊતરી પડી અને ભૂમિ પર નમીને દાવિદને પગે પડતાં તેને કહ્યું, “મહોદય, કૃપા કરીને મારું કહેવું ધ્યનથી સાંભળો. જે બન્યું છે એનો દોષ મારે માથે આવો, પણ એ નકામા નાબાલ (અર્થાત્ મૂર્ખ) તરફ ધ્યાન ન આપશો.

25 તે તેના નામ પ્રમાણે મૂર્ખ જ છે.

26 મહોદય, તમે મોકલેલા તમારા જુવાન સેવકો મને મળ્યા નહોતા. તમારું વેર વાળવાથી અને તમારા દુશ્મનોને મારી નાખવાથી પ્રભુએ જ તમને પાછા રાખ્યા છે. પ્રભુના તથા આપના જીવના સોગન લઉં છું કે તમારા શત્રુઓ અને તમને નુક્સાન પહોંચાડવા ઇચ્છતા સૌને નાબાલની માફક શિક્ષા થશે.

27 તેથી કૃપા કરીને તમારી આ સેવિકાની ભેટ સ્વીકારો અને તમારી સેવા કરનારા જુવાનોને આપો.

28 મારો કંઈ અપરાધ હોય તો મને ક્ષમા કરો. પ્રભુ તમારા રાજવંશને કાયમને માટે સ્થાપિત કરશે. કારણ, તમે તેમની લડાઈઓ લડો છો અને તમે જીવનપર્યંત કંઈ ખોટું કરશો નહિ.

29 જો કોઈ તમારા પર હુમલો કરીને તમને મારી નાખવાનો પ્રયાસ કરે, તો પ્રભુ તમારા જીવને ખજાનાની જેમ સાચવશે. પણ તમારા શત્રુના જીવને તો તે ગોફણમાંથી ફેંક્તા પથ્થરની જેમ ફેંકી દેશે.

30 પ્રભુ તમને આપેલાં સર્વ સારાં વચન પૂરાં કરો અને તમને ઇઝરાયલના રાજા બનાવો.

31 ત્યારે તમારે કોઈને વિના કારણ મારવા વિષે અથવા તમારું વેર લેવા માટે દુ:ખી થવાનું કે પસ્તાવો કરવાનો રહેશે નહિ. મહોદય, પ્રભુ તમારું ભલું કરે ત્યારે મને તમારી સેવિકાને ભૂલશો નહિ.”

32 દાવિદે અબિગાઈલને કહ્યું, “આજે મને મળવા માટે તને મોકલનાર ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિ હો.

33 ધન્ય છે તને અને તારી સૂઝસમજને કે ખૂનના ગુનાથી અને વેર વાળવાથી તેં મને પાછો રાખ્યો છે.

34 તમને નુક્સાન કરતાં પ્રભુએ મને રોક્યો અને જો તું ઉતાવળ કરીને મળવા આવી ન હોત તો ઇઝરાયલના ઈશ્વરના જીવના સમ કે સવાર સુધીમાં મેં નાબાલના આબાલવૃદ્ધ બધા પુરુષોને માર્યા હોત.”

35 પછી દાવિદે તેની ભેટનો સ્વીકાર કર્યો અને તેને કહ્યું, “ઘેર પાછી જા અને ચિંતા ન કરીશ. મેં તારી વિનંતી સાંભળી છે અને હું તે માન્ય રાખું છું.”

36 અબિગાઇલ નાબાલ પાસે પાછી ગઈ તો તે ઘેર રાજદ્વારી મિજબાની માણતો હતો. તે પીધેલો અને મસ્ત હતો. એટલે બીજા દિવસની સવાર સુધી તેણે તેને કંઈ કહ્યું નહિ.

37 નશો ઊતર્યા પછી અબિગાઇલે નાબાલને બધું કહ્યું. તેને દયનો આઘાત લાગ્યો અને તેનું શરીર જકડાઈને પથ્થરવત્ થઈ ગયું.

38 લગભગ દસ દિવસ પછી પ્રભુએ નાબાલને આઘાત આપ્યો એટલે તે મરી ગયો.

39 નાબાલ મરી ગયો એવું સાંભળીને દાવિદે કહ્યું, “પ્રભુની સ્તુતિ થાઓ. મારું અપમાન કરવા બદલ તેમણે નાબાલ પર વેર લીધું છે. અને મને, તેમના સેવકને ભૂંડું કરતાં રોક્યો છે. પ્રભુએ નાબાલને તેની ભૂંડાઈની શિક્ષા કરી છે.” પછી દાવિદે અબિગાઈલ સાથે લગ્ન કરવાનું કહેણ મોકલ્યું.

40 તેના સેવકોએ અબિગાઈલ પાસે ર્કામેલમાં જઈને કહ્યું, “દાવિદે તમને તેમની પત્ની તરીકે લઈ જવા અમને મોકલ્યા છે.”

41 અબિગાઈલે ભૂમિ સુધી નમીને કહ્યું, “હું તેમની સેવિકા છું અને તેમના સેવકોના પગ ધોવા તૈયાર છું.”

42 તે તરત જ ઊઠીને પોતાના ગધેડા પર સવાર થઈ. પોતાની પાંચ દાસીઓ લઈને તે દાવિદના સેવકો સાથે ગઈ અને તેની પત્ની બની.

43 દાવિદે યિઝએલની અહિનોઆમ સાથે લગ્ન કર્યું હતું અને હવે અબિગાઈલ પણ તેની પત્ની બની.

44 દરમ્યાનમાં, શાઉલે પોતાની પુત્રી મીખાલ, જે દાવિદની પત્ની હતી તેને ગાલ્લીમ નગરમાંના લાઇશના પુત્ર પાલ્ટી સાથે પરણાવી દીધી હતી.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan