Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ શમુએલ 24 - પવિત્ર બાઇબલ C.L.


શાઉલને જીવતદાન

1 પલિસ્તીઓ સામેની લડાઇમાંથી પાછા ફર્યા પછી શાઉલને ખબર મળી કે દાવિદ એનગેદી નજીકના વેરાન પ્રદેશમાં છે.

2 શાઉલ ઇઝરાયલમાંથી ત્રણ હજાર યોદ્ધાઓ લઈને ‘જંગલી બકરાના ખડકો’ની પૂર્વમાં દાવિદ અને તેના માણસોની શોધ કરવા ગયો.

3 તે એક ગુફાની નજીક રસ્તા પર આવેલા ઘેટાંના વાડાઓ પાસે આવ્યો અને તે કુદરતી હાજતે જવા ગુફાની અંદર ગયો. દાવિદ અને તેના માણસો ગુફામાં અંદરના ભાગમાં સંતાઈ રહ્યા હતા.

4 દાવિદના માણસોએ દાવિદને કહ્યું, “પ્રભુએ તને જે કહ્યું હતું તેનો આ દિવસ છે. પ્રભુએ તને કહ્યું હતું કે તે તારા શત્રુઓને તારા હાથમાં સોંપી દેશે અને તને ફાવે તેમ તું તેને કરી શકીશ. દાવિદે છાનામાના શાઉલના ઝભ્ભામાંથી એક ટુકડો કાપી લીધો.

5 પણ ત્યારે દાવિદને તેનું અંત:કરણ ડંખવા લાગ્યું અને તેણે પોતાના માણસોને કહ્યું, “મારા માલિકને પ્રભુએ રાજા તરીકે પસંદ કર્યો છે.

6 તેથી તેને કંઈપણ ઈજા કરવાથી પ્રભુ મને બચાવો. તે પ્રભુ દ્વારા પસંદ કરાયેલ અભિષિક્ત રાજા હોવાથી મારે તેને કંઈ નુક્સાન કરવું જોઈએ નહિ.”

7 તેથી પોતાના માણસો શાઉલ પર ત્રાટકી ન પડે તે માટે દાવિદે તેમને અટકાવ્યા.

8 શાઉલે ઊઠીને ગુફામાંથી ચાલવા માંડયું. દાવિદે તેની પાછળ પાછળ બહાર આવીને તેને બોલાવ્યો, “હે રાજા, મારા માલિક!” શાઉલે પાછા ફરીને જોયું અને દાવિદે તેને માન આપતાં ભૂમિ પર શિર ટેકવીને નમન કર્યું.

9 તેણે કહ્યું, “હું તમને નુક્સાન કરવા માગું છું એવું કહેનાર લોકોનું તમે કેમ સાંભળો છો?

10 તમે પોતે જોઈ શકો છો કે આજે ગુફામાં પ્રભુએ તમને મારા હાથમાં સોંપી દીધા હતા. મારા કેટલાક માણસોએ તમને મારી નાખવા મને કહ્યું, પણ મેં તમને જીવતદાન આપ્યું. કારણ, મેં વિચાર્યું કે તમે પ્રભુના પસંદ કરેલા અભિષિક્ત રાજા છો અને તેથી મારે તમને કંઈ ઇજા કરવી જોઈએ નહિ.

11 મારા પિતા, તમારા ઝભ્ભાનો ટુકડો મારા હાથમાં છે તે જુઓ. મેં એ ટુકડો કાપી લીધો, પણ તમને મારી નાખ્યા નહિ. એ પરથી તમને ખાતરી થવી જોઈએ કે તમારી વિરુદ્ધ બંડ કરવાનો અથવા તમને ઈજા પહોંચાડવાનો મારો ઇરાદો નથી. તમે મને મારી નાખવા મારો પીછો કરો છો. પણ મેં તો તમારું કંઈ ભૂંડુ કર્યું નથી.

12 આપણા બેમાં કોણ ખોટું છે એનો પ્રભુ ન્યાય કરો. હું તમને કંઈ નુક્સાન કરવાનો નથી. માટે મારી વિરુધના તમારા કૃત્ય માટે ઈશ્વર તમને શિક્ષા કરો.

13 પેલી જૂની કહેવત તો તમે જાણો છો: ‘ભૂંડા માણસો જ ભૂંડું કરે છે.’ પણ હું તમને નુકશાન પહોંચાડવાનો નથી.

14 જુઓ તો ખરા કે ઇઝરાયલનો રાજા કોને મારવા પ્રયાસ કરે છે. તે કોનો પીછો કરે છે તે તો જુઓ. એક મરેલા કૂતરાનો? એક ચાંચડનો?

15 પ્રભુ ન્યાય કરશે અને આપણા બેમાંથી કોણ ખોટું છે તેનો નિર્ણય કરશે. તે મારી હિમાયત કરશે, મારું રક્ષણ કરશે અને મને તમારા હાથમાંથી બચાવશે.”

16 દાવિદ બોલી રહ્યો એટલે શાઉલે કહ્યું, “મારા પુત્ર દાવિદ, શું એ તારો અવાજ છે?” અને તે રડવા લાગ્યો.

17 પછી તેણે દાવિદને કહ્યું, “તું મારા કરતાં વધારે સાચો છે. તેં મારું ભલું કર્યું છે પણ મેં તારું ભૂંડું કર્યું છે.

18 તું કેટલો ભલો છે તે તેં મને આજે કહી બતાવ્યું છે. કારણ, પ્રભુએ મને તારા હાથમાં સોંપ્યો હોવા છતાં તેં મને મારી નાખ્યો નહિ.

19 કોઈ માણસ કેટલીવાર તેના શત્રુને પકડીને તેને સલામત રીતે જવા દે? આજે મારા પ્રત્યે તેં દર્શાવેલ વર્તાવને બદલે પ્રભુ તને સારો બદલો આપો.

20 હવે મને ખાતરી થઇ કે તું ઇઝરાયલનો રાજા થવાનો છે અને તારા શાસન હેઠળ રાજ્ય સ્થિર થશે.

21 પણ પ્રભુને નામે આજે મને વચન આપ કે તું મારા વંશજોને જીવતા રહેવા દેશે; જેથી મારા પિતૃ કુટુંબમાંથી મારું નામ સદંતર નષ્ટ ન થઇ જાય.”

22 દાવિદે તે પ્રમાણે વચન આપ્યું. પછી શાઉલ પોતાને ઘેર ગયો અને દાવિદ તથા તેના માણસો પોતાના સંતાવાના ગઢમાં પાછા ફર્યા.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan