Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ શમુએલ 23 - પવિત્ર બાઇબલ C.L.


દાવિદે કરેલો કઈલા નગરનો બચાવ

1 પલિસ્તીઓ કઈલા નગર પર હુમલો કરીને પાક ચોરી જાય છે એવું દાવિદે સાંભળ્યું.

2 તેથી તેણે પ્રભુને પૂછયું, “હું જઈને પલિસ્તીઓ પર હુમલો કરું?” પ્રભુએ જવાબ આપ્યો, “હા, જા, તેમના પર હુમલો કરીને કઈલાનો બચાવ કર.”

3 પણ દાવિદના માણસોએ તેને કહ્યું, “અહીં યહૂદિયામાં જ આપણે ઘણા ભયમાં છીએ. કઈલા જઇને પલિસ્તીઓનાં દળો પર હુમલો કરીને તો ભારે જોખમમાં આવી પડીશું.”

4 તેથી દાવિદે ફરીથી પ્રભુને પૂછી જોયું અને પ્રભુએ તેને કહ્યું, “જઈને કઈલા પર હુમલો કર. કારણ, આજે હું તને પલિસ્તીઓ પર વિજય પમાડીશ.”

5 તેથી દાવિદ અને તેના માણસોએ કઈલા જઈને પલિસ્તીઓ પર હુમલો કરીને તેમનો ભારે સંહાર કર્યો અને તેમનાં ઢોરઢાંક લઈ લીધાં અને એમ દાવિદે એ નગરનો બચાવ કર્યો.

6 અહિમેલેખનો પુત્ર અબ્યાથાર નાસી છૂટયો હતો ત્યારે તે એફોદ લઈને કઈલામાં દાવિદ પાસે ગયો.

7 દાવિદ કઈલા ગયો છે એવું શાઉલના જાણવામાં આવતાં તેણે મનમાં કહ્યું, “ઈશ્વરે તેને મારા હાથમાં સોંપી દીધો છે. કિલ્લેબંધી અને દરવાજાવાળા નગરમાં જઇને દાવિદ પોતે ફસાયો છે.”

8 તેથી શાઉલે પોતાના લશ્કરની ટુકડીઓને કઈલા પર ચડાઈ કરી દાવિદ અને તેના માણસોને ઘેરો ઘાલી યુદ્ધ કરવા સાબદી કરી.

9 શાઉલ તેના પર હુમલો કરવાની પેરવી કરે છે એવું સાંભળીને દાવિદે અબ્યાથાર યજ્ઞકારને કહ્યું, “એફોદ અહીં લાવ.”

10 પછી દાવિદે કહ્યું, “હે પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર, શાઉલ કઇલા આવવાની પેરવી કરે છે એવું મેં સાંભળ્યું છે અને તમારા આ સેવકને લીધે કઈલાનો નાશ કરવાનો છે.

11 શું કઈલાના નાગરિકો મને શાઉલના હાથમાં સોંપી દેશે? મેં સાંભળ્યું છે તેમ શાઉલ શું ખરેખર આવશે? પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર, મને જવાબ આપો એવી મારી આજીજી છે.” પ્રભુએ જવાબ આપ્યો, “શાઉલ આવશે.”

12 દાવિદે પૂછયું, “શું કઈલાના નગરજનો મારા માણસોને અને મને શાઉલના હાથમાં સોંપી દેશે?” પ્રભુએ જવાબ આપ્યો, “હા, સોંપી દેશે.”

13 તેથી દાવિદ અને તેના માણસો, જેઓ બધા મળીને લગભગ છસો જણ હતા તેમણે તરત જ કઈલા છોડયું અને આગળ વયા. દાવિદ કઈલામાંથી નીકળીને નાસી છૂટયો છે એવું સાંભળતાં શાઉલે પોતાની યોજના પડતી મૂકી.


દાવિદ ડુંગરાળ પ્રદેશમાં

14 દાવિદ વેરાનપ્રદેશમાં જ રહ્યો. તે ઝીફના વેરાનપ્રદેશમાં પહાડના મજબૂત ગઢોમાં સંતાઈ રહ્યો. શાઉલ તેની નિત્ય શોધ કરતો રહ્યો, પણ ઈશ્વરે દાવિદને તેના હાથમાં સોંપ્યો નહિ.

15 દાવિદને ખબર હતી કે શાઉલ તેને મારી નાખવા પાછળ પડયો છે.

16 દાવિદ ઝીફ નજીક વેરાન પ્રદેશમાં હોરેશમાં હતો. શાઉલના પુત્ર યોનાથાને ત્યાં જઇને ઈશ્વર તેનું રક્ષણ કરશે એમ કહીને તેને હિંમત આપી.

17 યોનાથાને તેને કહ્યું, “ગભરાઈશ નહિ, મારા પિતા શાઉલ તને કંઈ નુક્સાન કરી શકશે નહિ. મારા પિતા પણ જાણે છે કે તું ઇઝરાયલનો રાજા બનશે અને હું તારાથી બીજા સ્થાને હોઈશ.”

18 પછી તેમણે એકબીજાની સાથે પ્રભુની સમક્ષ કરાર કર્યો. દાવિદ હોરેશમાં રહ્યો અને યોનાથાન ઘેર ગયો.

19 ઝીફના કેટલાક માણસોએ શાઉલ પાસે ગિબ્યામાં જઈને કહ્યું, “દાવિદ અમારી મધ્યે યહૂદિયાના વેરાનપ્રદેશના દક્ષિણ ભાગમાં આવેલા હખીલા પર્વત પર હોરેશના ગઢોમાં સંતાઈ રહ્યો છે.

20 રાજા, અમારા માલિક, અમે જાણીએ છીએ તમે તેને પકડવા કેવા આતુર છો. તેથી અમારા પ્રદેશમાં આવો અને અમે તેને તમારા હાથમાં ચોક્કસ પકડાવી દઈશું.”

21 શાઉલે જવાબ આપ્યો, “મારા પ્રત્યે આવી લાગણી દર્શાવવા માટે પ્રભુ તમને આશિષ આપો.

22 જાઓ, જઇને ફરીથી ખાતરી કરો. તે ક્યાં છે અને કોણે તેને ત્યાં જોયો છે તે ચોક્કસ રીતે શોધી કાઢો. મને જાણવા મળ્યું છે કે તે બહુ ચતુરાઈથી વર્તે છે.

23 તેની સંતાવાની ચોક્કસ જગ્યાઓ શોધી કાઢો અને મારી પાસે વિના વિલંબે પાછા આવો. પછી હું તમારી સાથે આવીશ અને જો તે તે પ્રદેશમાં જ હશે તો યહૂદિયાનાં સર્વ ગોત્રોમાં ફરી વળવું પડે તો પણ હું તેમ કરીને તેને પકડી પાડીશ.”

24 તેથી તેઓ ત્યાંથી નીકળીને શાઉલની અગાઉ ઝીફમાં પાછા આવ્યા. હવે દાવિદ અને તેના માણસો માઓનના વેરાનપ્રદેશના ગઢોના દક્ષિણ ભાગમાં આવેલી અરાબાની ખીણમાં હતા.

25 શાઉલ અને તેના માણસો દાવિદની શોધમાં નીકળ્યા. પણ દાવિદ તે વિષે સાંભળીને માઓનના વેરાનપ્રદેશના ખડકાળ કોતરમાં જતો રહ્યો. એ સાંભળીને શાઉલે દાવિદનો પીછો પકડયો.

26 શાઉલ અને તેના માણસો પર્વતની એક બાજુએ હતા. તેઓ શાઉલ અને તેના માણસોથી નાસી છૂટવાની ઉતાવળમાં હતા. કારણ, તેઓ તેમને ભીંસમાં લઈ રહ્યા હતા અને તેમને પકડી પાડવાની તૈયારીમાં હતા.

27 એ જ વખતે એક સંદેશકે આવીને શાઉલને કહ્યું, “તાત્કાલિક પાછા ફરો. પલિસ્તીઓએ દેશ પર હુમલો કર્યો છે.”

28 તેથી શાઉલ દાવિદનો પીછો છોડી દઈને પલિસ્તીઓ સાથે લડવા ગયો. તેથી તે જગ્યાને ‘સેલા હામ્મા હલકોથ’ એટલે ‘અલગતાનો ખડક’ કહે છે.

29 દાવિદ ત્યાંથી એનગેદીના ગઢોમાં જઇને સંતાઈ રહ્યો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan