૧ શમુએલ 22 - પવિત્ર બાઇબલ C.L.યજ્ઞકારોની ક્તલ 1 ગાથ નગરમાંથી નાસી જઈને દાવિદ અદુલ્લામ નગર નજીકની ગુફામાં ગયો. તે ત્યાં છે એ સાંભળીને તેના ભાઈઓ અને કુટુંબના બાકીના બધાં તેની સાથે જોડાયાં. 2 વળી, જેમના પર જુલમ ગુજારવામાં આવ્યો હોય, દેવાદાર હોય અને અસંતુષ્ટ હોય તેવા સૌ તેની પાસે ગયા અને તે તેમનો આગેવાન બન્યો. તેઓ બધા મળીને લગભગ ચારસો પુરુષો હતા. 3 દાવિદ ત્યાંથી મોઆબમાંના મિસ્પામાં ગયો. તેણે મોઆબના રાજાને કહ્યું, “ઈશ્વર મારે માટે શું કરશે તેની મને ખબર પડે ત્યાં સુધી કૃપા કરીને મારાં માતાપિતાને અહીં તમારી પાસે રહેવા દો.” 4 એમ દાવિદે પોતાનાં માતાપિતાને મોઆબના રાજાની પાસે રાખ્યાં, અને દાવિદ ગુફામાં સંતાતો રહ્યો ત્યાં સુધી તેઓ ત્યાં જ રહ્યાં. 5 ગાદ સંદેશવાહકે દાવિદ પાસે આવીને કહ્યું, “અહીં ગુફામાં રહીશ નહિ, યહૂદિયા પ્રાંતમાં તાત્કાલિક જતો રહે.” તેથી દાવિદ ત્યાંથી હેરેથનાં જંગલમાં જતો રહ્યો. 6 શાઉલ ગિબ્યામાં એક ટેકરી પર હાથમાં ભાલો લઈને પ્રાંસ વૃક્ષ નીચે બેઠો હતો. તેના સર્વ અમલદારો તેની આજુબાજુ ઊભા હતા. દાવિદ અને તેના માણસોનો પત્તો લાગ્યો છે એવું તેને જણાવવામાં આવ્યું. 7 તેણે પોતાના અમલદારોને કહ્યું, “હે બિન્યામીનના માણસો, સાંભળો. શું તમે એમ માનો છો કે યિશાઈનો પુત્ર દાવિદ તમને બધાંને ખેતરો અને દ્રાક્ષવાડીઓ આપશે અને પોતાના લશ્કરમાં સહસ્રાધિપતિ કે શતાધિપતિ બનાવશે? 8 તમે એને લીધે મારી વિરુદ્ધ કાવતરું રચો છો? દાવિદ સાથે મારા પોતાના પુત્રે સમજૂતી કરી છે એ વાત તમારામાંથી કોઈએ મને કરી નહિ. કોઈ મારી ચિંતા કરતું નથી અથવા મારા માણસોમાંનો એક, એટલે દાવિદ હાલ મને મારી નાખવાની તક શોધી રહ્યો છે અને મારા પુત્રે તેને ઉત્તેજન આપ્યું છે એવું કોઈ મને કહેતું નથી!” 9 દોએગ અદોમી શાઉલના અમલદારો સાથે ત્યાં ઊભો હતો. તેણે કહ્યું, “દાવિદ નોબમાં અહિટૂબના પુત્ર અહિમેલેખ પાસે ગયો ત્યારે મેં તેને જોયો હતો. 10 દાવિદ માટે અહિમેલેખે પ્રભુની સલાહ પૂછી હતી અને પછી દાવિદને કંઈક ખોરાક આપ્યો હતો અને ગોલ્યાથ પલિસ્તીની તલવાર આપી હતી.” 11 તેથી શાઉલે અહિમેલેખ યજ્ઞકાર અને નોબમાં યજ્ઞકારો તરીકે કામ કરતાં તેના બધાં સગાંસંબંધીઓને બોલાવડાવ્યા. અને તેઓ તેની પાસે આવ્યા. 12 શાઉલે અહિમેલેખને કહ્યું, “હે અહિટૂબના પુત્ર, અહિમેલેખ, સાંભળ.” તેણે જવાબ આપ્યો, “જી, રાજન.” 13 શાઉલે તેને પૂછયું, “તેં અને દાવિદે મારી વિરુદ્ધ કાવતરું કેમ ઘડયું છે? તેં એને રોટલી અને તલવાર કેમ આપ્યાં અને તેને માટે ઈશ્વરની સલાહ કેમ પૂછી? હવે તે મારી વિરુદ્ધમાં પડયો છે અને તક મળે તે માટે સંતાઈને રાહ જુએ છે.” 14 અહિમેલેખે જવાબ આપ્યો, “દાવિદ તમારો સૌથી વિશ્વાસુ અમલદાર છે. તે તમારો જમાઈ અને તમારા અંગરક્ષકોનો ઉપરી છે અને રાજદરબારમાં સૌ કોઈ તેનું ખૂબ આદરમાન કરે છે. 15 આ વખતે મેં કંઈ પ્રથમ જ વાર તેને માટે ઈશ્વરની સલાહ પૂછી નહોતી. મારી કે મારા કુટુંબમાંના કોઈની પર તમારી વિરુદ્ધ કાવતરું ઘડવાનો આરોપ રાજાએ ન મૂકવો જોઈએ. આ વાત વિષે હું કંઈ જાણતો નથી.” 16 રાજાએ કહ્યું, “અહિમેલેખ, તને અને તારાં સર્વ સંબંધીઓને મારી નાખવામાં આવશે.” 17 પછી પોતાની પાસે ઊભેલા સંરક્ષકોને તેણે કહ્યું, “પ્રભુના યજ્ઞકારોને મારી નાખો. તેઓ દાવિદની સાથે કાવતરામાં જોડાયા અને તે નાસી ગયો ત્યારે તેઓ તે બધું જાણતા હોવા છતાં મને કહ્યું નહિ.” પણ સંરક્ષકો પ્રભુના યજ્ઞકારોને મારી નાખવા પોતાનો હાથ ઉપાડવા તૈયાર ન થયા. 18 તેથી શાઉલે દોએગને કહ્યું, “તું તેમને મારી નાખ.” એટલે અદોમી દોએગે તેમને બધાને મારી નાખ્યા. તે દિવસે તેણે અળસીરેસાનાં શ્વેત વસ્ત્રનો એફોદ પહેરનાર પ્રભુના પંચ્યાસી યજ્ઞકારોને મારી નાખ્યા. 19 શાઉલે યજ્ઞકારોના નગર નોબના બીજા સર્વ રહેવાસીઓને મારી નાખ્યા. પુરુષો અને સ્ત્રીઓ, કિશોર વયનાં અને નાનાં બાળકો, બળદો, ગધેડાં અને ઘેટાં બધાંનો સંહાર કર્યો. 20 પણ અહિટૂબના પુત્ર અહિમેલેખનો એક પુત્ર અબ્યાથાર નાસી છૂટયો અને જઈને દાવિદ પાસે પહોંચી ગયો. 21 શાઉલે પ્રભુના યજ્ઞકારોની ક્તલ કરી છે તે તેણે દાવિદને જણાવ્યું. 22 દાવિદે તેને કહ્યું, “તે દિવસે મેં ત્યાં દોએગને જોયો ત્યારે મને ખબર હતી કે તે જરૂરથી શાઉલને કહી દેશે. તેથી તારા સર્વ સંબંધીઓના મરણ માટે હું જવાબદાર છું. 23 મારી સાથે રહે અને ગભરાઈશ નહિ. શાઉલ આપણને બંનેને મારી નાખવા માગે છે, પણ મારી સાથે તો તું સલામત રહેશે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide