૧ શમુએલ 21 - પવિત્ર બાઇબલ C.L.દાવિદનું શાઉલ પાસેથી નાસી છૂટવું 1 દાવિદ અહિમેલેખ યજ્ઞકાર પાસે નોબમાં ગયો. અહિમેલેખ તેને ધ્રૂજતો ધ્રૂજતો મળવા આવ્યો અને પૂછયું, “તું એકલો જ અહીં કેમ આવ્યો છે? તારી સાથે કોઈ કેમ નથી?” 2 દાવિદે જવાબ આપ્યો, “હું અહીં રાજાના કામે આવ્યો છું. મને શા માટે મોકલ્યો છે તે કોઈને ન કહેવા તેણે મને કહ્યું છે. મારા માણસોને તો મેં અમુક જગ્યાએ મળવા કહ્યું છે. 3 તો હવે તારી પાસે કંઈ ખાવાનું છે? પાંચ રોટલી અથવા તારી પાસે જે કાંઈ હોય તે તું મને આપ.” 4 યજ્ઞકારે કહ્યું, “મારી પાસે સામાન્ય રોટલી નથી, પણ માત્ર પવિત્ર રોટલી છે; તારા માણસોએ તાજેતરમાં સ્ત્રીસમાગમ ન કર્યો હોય તો તું તે લઈ શકે છે.” 5 દાવિદે જવાબ આપ્યો, “અલબત, આ ત્રણ દિવસ દરમિયાન તેઓ તેનાથી દૂર જ છે. અમે સામાન્ય કામ માટે જતા હોઈએ તો પણ મારા માણસો પોતાને વિધિગત રીતે શુદ્ધ રાખે છે. આ ખાસ કામે નીકળ્યા છીએ ત્યારે તો તેઓ કેટલા વિશેષ શુદ્ધ હશે.” 6 તેથી યજ્ઞકારે દાવિદને પવિત્ર રોટલી આપી. કારણ, એ દિવસે પ્રભુની સમક્ષ તાજી અર્પિત રોટલી હતી; ઉપાડી લીધેલી વાસી અર્પિત રોટલી તેની પાસે નહોતી. 7 શાઉલનો મુખ્ય પશુપાલક દોએગ અદોમી તે દિવસે ત્યાં હતો. કારણ, ત્યાં તેને પ્રભુ સમક્ષ ધાર્મિક માનતા પૂરી કરવા રોકાવું પડયું હતું. 8 દાવિદે અહિમેલેખને કહ્યું, “તું મને ભાલો કે તલવાર હોય તો આપીશ? રાજાના હુકમ પ્રમાણે મારે ઉતાવળે નીકળવું પડયું હોવાથી મારી પાસે તલવાર કે બીજું કોઈ શસ્ત્ર નથી.” 9 અહિમેલેખે જવાબ આપ્યો, “ગોલ્યાથ પલિસ્તી, જેને તેં પવિત્ર એલા વૃક્ષની ખીણમાં મારી નાખ્યો હતો, તેની તલવાર મારી પાસે છે. એફોદની પાછળ તે વસ્ત્રમાં લપેટેલી છે. તારે તે જોઈએ તો લઈ જા, આ એક જ શસ્ત્ર અહીં છે.” દાવિદે કહ્યું, “મને તે આપ; એના જેવી બીજી એકપણ નથી.” 10 એમ દાવિદ શાઉલ પાસેથી નાસી છૂટયો, અને ગાથના રાજા આખીશ પાસે ગયો. 11 રાજાના અધિકારીઓએ આખીશને કહ્યું, “શું આ, એ દેશનો રાજા દાવિદ નથી? સ્ત્રીઓએ નૃત્ય કરતાં કરતાં જેના વિષે ગાયું હતું કે, ‘શાઉલે માર્યા હજાર, દાવિદે માર્યા દસ હજાર’ તે આ જ માણસ છે.” 12 તેમના શબ્દો દાવિદે ધ્યાનમાં લીધા અને તે આખીશ રાજાથી ખૂબ ગભરાયો. 13 તેથી દાવિદે સર્વની સમક્ષ પાગલ હોવાનો ઢોંગ કર્યો અને તેને અટકાવવાનો તેમણે પ્રયાસ કર્યો ત્યારે તે પાગલની જેમ વર્ત્યો. તેણે નગરના દરવાજા પર લીટા દોર્યા અને પોતાની દાઢી પર થૂંક ટપકવા દીધું. 14 તેથી આખીશે તેના અધિકારીઓને કહ્યું, “જુઓ, આ તો પાગલ છે. તમે તેને મારી પાસે શા માટે લાવ્યા છો? 15 મારે ત્યાં પાગલોની ખોટ છે કે તમે તેને મારી સમક્ષ પાગલપણું કરવા લાવ્યા છો? શું એવાને મારા ઘરમાં રાખવાનો છે?” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide