૧ શમુએલ 20 - પવિત્ર બાઇબલ C.L.દાવિદને યોનાથાનની સહાય 1 પછી દાવિદ રામાના નાયોથમાંથી નાસી છૂટયો અને યોનાથાન પાસે જઈને તેણે કહ્યું, “મેં શું કર્યુ છે? મેં શો ગુન્હો કર્યો છે? મેં તારા પિતાનું શું બગાડયું છે કે તે મને મારી નાખવા શોધે છે?” 2 યોનાથાને જવાબ આપ્યો, “એવું ન થાય કે તું માર્યો જા. મારા પિતાજી નાનીમોટી બધી બાબતો મને જણાવે છે અને તે આ વાત મારાથી છૂપી રાખે એવું બની શકે નહિ.” 3 પણ દાવિદે સોગન ખાઈને જવાબ આપ્યો, “તારા પિતાજી સારી રીતે જાણે છે કે તું મારા પર ખૂબ પ્રેમ કરે છે અને તને ઊંડો આઘાત ન લાગે તે માટે પોતાની કોઈ યોજના તને નહિ જણાવવાનો તેમણે નિર્ણય કર્યો છે. હું પ્રભુના જીવના સોગંદ ખાઈને કહું છું કે હવે મરણ મારાથી એક ડગલું જ દૂર છે.” 4 યોનાથાને કહ્યું, “તારે માટે હું તારી ઇચ્છા પ્રમાણે કરીશ.” 5 દાવિદે જવાબ આપ્યો, “આવતીકાલે ચાંદ્રમાસના પ્રથમ દિવસનો ઉત્સવ છે અને મારે રાજા સાથે જમવું પડે તેમ છે, પણ તું મને પરમદિવસ સાંજ સુધી ખેતરમાં સંતાઈ રહેવાની રજા આપ. 6 હું જમણમાં હાજર નથી એવી ખબર તારા પિતાને પડે તો તેમને કહેજે કે મેં તાત્કાલિક બેથલેહેમ જવા તારી રજા મેળવી છે. કારણ, મારા આખા કુટુંબને માટે ત્યાં વાર્ષિક યજ્ઞાર્પણનો સમય છે. 7 જો તે કહે કે ‘સારું’ તો હું સલામત હોઈશ. પણ જો તે ગુસ્સે થઈ જાય તો જાણજે કે તેમણે મને ખતમ કરી નાખવાનો નિર્ણય કર્યો છે. 8 મારા પર આટલી કૃપા કર અને તેં પ્રભુની સમક્ષ મારી સાથે કરેલો કરાર તું પાળ. પણ જો હું દોષિત હોઉં તો તું પોતે જ મને મારી નાખ. એ કામ તારા પિતાને શા માટે કરવા દે છે?” 9 યોનાથાને જવાબ આપ્યો, “એવો વિચાર પણ ન કરીશ. મારા પિતાએ તને ઇજા પહોંચાડવાનો નિર્ણય કર્યો છે એની મને ખબર પડે તો હું તને ન કહું?” 10 પછી દાવિદે પૂછયું, “તારા પિતા ગુસ્સે થઈને જવાબ આપશે તેની મને કોણ ખબર આપશે?” 11 યોનાથાને જવાબ આપ્યો, “ચાલ, આપણે ખેતરમાં જઈએ.” તેથી તેઓ ગયા. 12 અને યોનાથાને દાવિદને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ આપણા સાક્ષી બનો. આવતીકાલે અને પરમદિવસે હું આ સમયે મારા પિતાને પૂછીશ. જો તારા પ્રત્યે તેમનું વલણ સારું હશે તો હું તને સંદેશો મોકલીશ. 13 જો તે તને ઇજા પહોંચાડવાનો ઇરાદો રાખતા હશે અને હું તને સંદેશો મોકલીને સલામત રીતે ન મોકલી દઉં તો પ્રભુ મારી વિશેષ દુર્દશા કરો. પ્રભુ મારા પિતાની સાથે હતા તેમ તે તારી સાથે રહો. 14 અને હવે જો હું જીવતો રહું તો મારા પ્રત્યે પ્રભુના પ્રેમ જેવો પ્રેમ ચાલુ રાખજે અને મને વફાદાર રહેજે. 15 પણ જો હું મૃત્યુ પામું, અને પ્રભુ પૃથ્વીના પટ પરથી દાવિદના દરેક દુશ્મનનો નાશ કરે ત્યારે પણ તું મારા કુટુંબ પ્રત્યે વફાદારી દાખવજે. 16 ત્યારે પણ આપણાં અરસપરસનાં વચન અતૂટ રહો અને પ્રભુ દાવિદના શત્રુઓને શિક્ષા કરો.” 17 યોનાથાને દાવિદ પરના પ્રેમને લીધે ફરી એકવાર દાવિદ સાથેનો કરાર તાજો કર્યો. કારણ, યોનાથાન દાવિદ પર પોતાની જાત જેટલો જ પ્રેમ કરતો હતો. 18 પછી યોનાથાને તેને કહ્યું, “આવતીકાલે ચાંદ્રમાસના પ્રથમ દિવસનો ઉત્સવ છે અને તારી જગ્યા ખાલી હોવાથી તારી ગેરહાજરી વર્તાઈ આવશે. 19 પરમદિવસે તો તારી ગેરહાજરીની વળી વિશેષ ખબર પડશે. તેથી તું પહેલાં જ્યાં સંતાયો હતો ત્યાં પથ્થરોના ઢગલા પાછળ સંતાઈ રહેજે. 20 તે ઢગલાનું નિશાન લઈને હું ત્રણ તીર મારીશ. 21 પછી હું મારા નોકરને તીર શોધવા મોકલીશ. અને હું તેને કહું કે, ‘જો તીર તારી આ બાજુએ છે, તેમને લઈ લે,’ ત્યારે તો તું સલામત છે અને બહાર આવી શકે છે. હું પ્રભુના જીવના સોગંદ લઉં છું કે તું કોઈ જોખમમાં નથી. 22 પણ હું છોકરાને કહું કે, “તીર તારી આગળ પડયું છે’, તો નાસી છૂટજે. કારણ, પ્રભુ તને વિદાય કરે છે. 23 એકબીજા સાથે કરેલા આપણા કરાર વિષે તો પ્રભુ પોતે આપણી વચ્ચે સદાના સાક્ષી છે.” 24 તેથી દાવિદ ખેતરમાં સંતાઈ રહ્યો. ચાંદ્રમાસના પ્રથમ દિવસના ઉત્સવમાં શાઉલ રાજા ભોજનસમારંભમાં આવ્યો. 25 અને ભીંત નજીક પોતાના નિત્યના આસન પર બેઠો. આબ્નેર તેની સામેના આસન પર બેઠો અને યોનાથાન શાઉલની સામે બેઠો. 26 દાવિદની જગ્યા ખાલી હતી. તે દિવસે તો શાઉલે કંઈ કહ્યું નહિ. કારણ, તેણે વિચાર્યું, “તેને કંઈક થયું હશે. કદાચ, તે વિધિગત રીતે શુદ્ધ નહિ હોય; અલબત, એમ જ હશે.” 27 ઉત્સવને બીજે દિવસે પણ દાવિદની જગ્યા ખાલી હતી. અને શાઉલે યોનાથાનને પૂછયું, “દાવિદ ગઈ કાલે કે આજે ભોજનમાં કેમ આવ્યો નથી?” 28 યોનાથાને જવાબ આપ્યો, “તેણે બેથલેહેમ જવા દેવા મને આગ્રહભરી વિનંતી કરી. 29 તેણે કહ્યું, ‘મને કૃપા કરી જવા દે; કારણ, મારું કુટુંબ નગરમાં યજ્ઞાર્પણની મિજબાની ઊજવે છે. અને મારા ભાઈએ મને ત્યાં હાજર રહેવા આજ્ઞા કરી છે. તેથી જો તને મારે માટે લાગણી હોય તો મને જઈને મારા સંબંધીઓને મળવા જવા દે’, એટલે જ તે રાજાના ભોજનમાં હાજર નથી.” 30 યોનાથાન પર શાઉલનો ક્રોધ ભભૂકી ઊઠયો અને તેણે કહ્યું કે, “તું યિશાઈના પુત્ર દાવિદનો પક્ષ લઈને તારી અને તારી માની આબરૂ કાઢવા બેઠો છે? 31 યિથાઈનો પુત્ર દાવિદ ધરતી પર જીવે છે ત્યાં સુધી તું કે તારું રાજ્યાસન સલામત નથી. તો હવે જા અને તેને અહીં લાવ, તેને ખતમ કરી દેવો પડશે.” 32 યોનાથાને જવાબ આપ્યો, “તેને શા માટે મારી નાખવો જોઈએ? તેણે શું કર્યું છે?” 33 એ સાંભળીને શાઉલે યોનાથાનને મારી નાખવા તેના પર પોતાનો ભાલો ફેંકયો. તેથી યોનાથાનને ખબર પડી કે તેના પિતાએ દાવિદને મારી નાખવાનો નિર્ધાર કર્યો છે. 34 તે દિવસે એટલે ઉત્સવને બીજે દિવસે કંઈ જમ્યા વિના યોનાથાન ગુસ્સામાં ભોજન પરથી ઊઠી ગયો. શાઉલે દાવિદનું અપમાન કર્યું હોવાથી તેને ઊંડું દુ:ખ થયું. 35 બીજે દિવસે સવારે તેઓ સંમત થયા હતા તે મુજબ યોનાથાન દાવિદને મળવા ખેતરમાં ગયો. તેણે પોતાની સાથે એક છોકરો લીધો. 36 અને તેને કહ્યું, “હું તીર મારું છું તે દોડીને શોધી લાવ.” છોકરો દોડયો અને યોનાથાને તેની પેલી બાજુએ તીર માર્યું. 37 છોકરો તીર જ્યાં પડયું હતું ત્યાં પહોંચ્યો ત્યારે યોનાથાને તેને પોકારીને કહ્યું, “જો, તારી આગળ પડયું છે. 38 જલદી કર. ઊભો ના રહીશ.” છોકરો તીર લઈને પોતાના માલિક પાસે પાછો આવ્યો. 39 આ બધાનો શો અર્થ હતો તે છોકરો જાણતો નહોતો. ફક્ત યોનાથાન અને દાવિદ જાણતા હતા. 40 યોનાથાને છોકરાને પોતાનાં શસ્ત્રો આપ્યાં અને તેને નગરમાં પાછાં લઈ જવા જણાવ્યું. 41 છોકરાના ગયા પછી દાવિદ પથ્થરોના ઢગલા પાછળથી નીકળી આવ્યો અને યોનાથાનને ભૂમિ પર શિર ટેકવીને તેને ત્રણવાર નમન કર્યું. દાવિદ અને યોનાથાને એકબીજાને ભેટીને ચુંબન કર્યું અને રડવા લાગ્યા. યોનાથાન કરતાં પણ દાવિદ વધારે રડયો. 42 પછી યોનાથાને દાવિદને કહ્યું, “શાંતિએ જા. આપણે બન્નેએ મારી અને તારી વચ્ચે તથા મારા વંશજો અને તારા વંશજો વચ્ચે યાહવેને સદાના સાક્ષી રાખીને તેમને નામે સમ ખાધા છે. તો આપણે એ સોગંદ પાળીએ.” પછી દાવિદ ગયો અને યોનાથાન નગરમાં પાછો આવ્યો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide