૧ શમુએલ 2 - પવિત્ર બાઇબલ C.L.હાન્નાની પ્રાર્થના 1 હાન્નાએ પ્રાર્થના કરી: “પ્રભુએ મારું હૃદય આનંદથી ભરી દીધું છે, તેમણે મારી પ્રતિષ્ઠા વધારી છે. મારા શત્રુઓ સામે મારું મોં મલક્ય છે; પ્રભુએ મારી મદદ કરી હોવાથી હું આનંદિત છું. 2 પ્રભુના જેવું કોઈ પવિત્ર નથી, તેમનો કોઈ સમોવડિયો નથી. આપણા પ્રભુ જેવો કોઈ સંરક્ષક ખડક નથી. 3 તમારી મોટી મોટી બડાશો હાંકવાનું બંધ કરો, તમારા ગર્વિષ્ઠ શબ્દો ઉચ્ચારશો નહિ, કારણ, પ્રભુ સર્વજ્ઞ છે, અને તે માણસોનાં બધાં કાર્યોનો ન્યાય કરે છે. 4 બળવાન સૈનિકોનાં બાણ ભાંગી ગયા છે, પણ નિર્બળો સબળ બન્યા છે. 5 અગાઉ તૃપ્ત થયેલાઓ આજે ખોરાકને માટે મજૂરી કરે છે, પણ ભૂખ્યાઓ તૃપ્ત થાય છે. વંધ્યાએ સાત છોકરાને જન્મ આપ્યો છે, પણ ઘણાં છોકરાની માતા સંતાનોના વિરહથી ઝૂરે છે. 6 પ્રભુ મારે છે અને તે જીવાડે છે. તે માણસોને શેઓલમાં મોકલે છે, અને ત્યાંથી તેમને પાછા પણ લાવે છે. 7 પ્રભુ ગરીબ બનાવી દે છે અને ધનવાન પણ કરે છે. તે કેટલાકને નમાવી દે છે અને બીજાઓને ઊંચા લાવે છે. 8 તે ગરીબોને ધૂળમાંથી ઊભા કરે છે, અને શોક્તિ કંગાલોને રાખના ઢગલામાંથી ઉઠાવે છે, તે તેમને રાજવીઓની કક્ષામાં પહોંચાડે છે અને તેમને સન્માનપાત્ર જગ્યાએ મૂકે છે. પૃથ્વીના પાયા પ્રભુને હાથે નંખાયા છે અને તેમના પર તેમણે દુનિયા સ્થાપી છે. 9 તે સંતોનાં પગલાં સંભાળે છે, પણ દુષ્ટો અંધકારમાં અદૃશ્ય થઈ જાય છે. કારણ, કોઈ માણસ બળથી જીતતો નથી. 10 પ્રભુનો પ્રતિકાર કરનારા છિન્નભિન્ન થઈ જશે, તે તેમની વિરુદ્ધ આકાશમાંથી ગર્જના કરશે. તે સમસ્ત દુનિયાનો ન્યાય કરશે, તે પોતાના રાજાને સામર્થ્ય આપશે. તે પોતાના પસંદ કરેલા અભિષિક્ત રાજાને વિજેતા બનાવશે.” 11 પછી એલ્કાના રામામાં પોતાને ઘેર ગયો; પણ છોકરો શીલોમાં રહ્યો અને તે યજ્ઞકાર એલીની દેખરેખ નીચે પ્રભુની સેવા કરતો. એલીના પુત્ર 12 એલીના બે પુત્રો દુરાચારી હતા. 13 તેઓ પ્રભુને ગણકારતા નહિ. વળી, લોકો પાસેથી યજ્ઞકારો શું લઈ શકે તે અંગેના નિયમો પ્રત્યે બેદરકાર હતા. જ્યારે કોઈ માણસ બલિ ચઢાવે ત્યારે યજ્ઞકારનો નોકર ત્રિશૂળ લઈને આવતો. 14 હજુ તો માંસ બફાતું હોય ત્યારે તે કઢાઈ, દેગ, લોઢી કે તપેલામાં ત્રિશૂળ ભોંક્તો અને જેટલું માંસ ચોંટીને બહાર આવે તેટલું માંસ યજ્ઞકારનું થતું. શીલોમાં બલિદાન અર્પવા આવતા બધા ઇઝરાયલીઓ પ્રત્યે તેમનું વર્તન આવું હતું. 15 વળી, ચરબી કાઢીને તેનું દહન કરવામાં આવે તે પહેલાં તો યજ્ઞકારનો નોકર આવીને બલિ ચઢાવનાર માણસને કહેતો, “યજ્ઞકારને શેકવાને માટે મને થોડું માંસ આપો, તે તમારી પાસેથી માત્ર ક્ચુ માંસ જ સ્વીકારશે, બાફેલું નહિ.” 16 જો માણસ એમ કહે કે, “પ્રથમ ચરબીનું દહન થવા દે અને પછી તારે જેટલું જોઈએ તેટલું લઈ જજે.” ત્યારે યજ્ઞકારનો નોકર કહેતો, “ના, ના, મને તો હમણાં આપી દે. જો તું નહિ આપે તો મારે તે બળજબરીથી લઈ લેવું પડશે.” 17 એલીના પુત્રોનું આ પાપ ઈશ્વરની દૃષ્ટિમાં અતિ ગંભીર હતું. કારણ, તેઓ ઈશ્વરને અર્પવામાં આવતાં બલિ પ્રત્યે આ રીતે તુચ્છકાર દાખવતા હતા. શીલોમાં શમુએલ 18 બાળ શમુએલ અળસીરેસાના વસ્ત્રનો શ્વેત ઝભ્ભો પહેરીને પ્રભુની સેવા કરતો હતો. 19 તેની માતા હાન્ના તેને માટે દર વર્ષે નાનો ઝભ્ભો બનાવતી અને પોતાના પતિની સાથે નિયત કરેલા યજ્ઞાર્પણ માટે જતી ત્યારે તે શમુએલ માટે લઈ જતી. 20 તે વખતે એલી એલ્કાના અને તેની પત્નીને આશિષ આપતો અને એલ્કાનાને કહેતો, “તમે પ્રભુને આ બાળક સમર્પિત કર્યો છે તેના બદલામાં પ્રભુ તને આ સ્ત્રીથી બીજાં બાળકો આપો.” તે પછી તેઓ પાછાં ઘેર જતાં. 21 પ્રભુએ હાન્ના પર કૃપા કરી અને તેને બીજા ત્રણ પુત્રો અને બે પુત્રીઓ થયાં. બાળ શમુએલ પ્રભુના સાનિધ્યમાં મોટો થયો. એલી અને તેના પુત્રો 22 હવે એલી ઘણો વૃદ્ધ થયો હતો. પોતાના પુત્રો ઇઝરાયલીઓ પ્રત્યે જે રીતે વર્તતા હતા અને વળી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ કામ કરતી સ્ત્રીઓ સાથે સમાગમ કરતા એ બધું એલીના સાંભળવામાં આવતું. 23 તેથી તેણે તેમને કહ્યું, “તમે આ બધું શા માટે કરો છો? બધા લોકો મને તમારાં દુષ્ટ કાર્યો વિષે કહે છે. 24 મારા પુત્રો, એ બધુ બંધ કરો. પ્રભુના લોકો તમારે વિશે આ જે બધું કહે છે એ ભયંકર વાત છે. 25 કોઈ માણસ બીજા માણસ વિરુદ્ધ પાપ કરે, તો ઈશ્વર તેને માટે હિમાયત કરી શકે, પણ કોઈ માણસ પ્રભુની વિરુદ્ધ પાપ કરે તો તેની હિમાયત કોણ કરશે?” પણ તેમણે તેમના પિતાનું સાંભળ્યું નહિ. કારણ, પ્રભુએ તેમને મારી નાખવાનો નિર્ધાર કર્યો હતો. 26 બાળ શમુએલ મોટો થતો ગયો અને પ્રભુ તેમ જ માણસોની દૃષ્ટિમાં કૃપા પામ્યો. એલીના કુટુંબ વિરુદ્ધ ભવિષ્યવાણી 27 ઈશ્વરના એક ભક્તે એલી પાસે આવીને તેને કહ્યું, “પ્રભુ કહે છે કે, તારા પૂર્વજનું કુટુંબ ઇજિપ્તના રાજા અને તેના લોકની ગુલામીમાં હતું ત્યારે હું તેની આગળ પ્રગટ થયો. 28 ઇઝરાયલનાં બધાં કુળોમાંથી મારા યજ્ઞકાર બનવા માટે, વેદી પર સેવા કરવા માટે, ધૂપ બાળવા માટે અને એફોદ પહેરીને મારી સેવામાં ઊભા રહેવા માટે મેં આરોનના કુટુંબની પસંદગી કરી. મેં તેમને વેદી પરના દહનબલિમાંથી હિસ્સો લેવાનો હક્ક આપ્યો. 29 તો પછી તમે મારા મંદિરમાં મારા જે બલિ અને અર્પણો ચઢાવવા મેં આજ્ઞા આપી છે તેને કેમ ઠુકરાઓ છો? એલી, મારા લોકો મને જે બલિ ચઢાવે છે તેના ઉત્તમ હિસ્સાથી તારા પુત્રોને પુષ્ટ થવા દઈને તું મારા કરતાં તારા પુત્રોને વિશેષ માન કેમ આપે છે? 30 મેં ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ, ભૂતકાળમાં વચન આપ્યું હતું કે તમારું કુટુંબ અને કુળ મારા યજ્ઞકારો તરીકે હંમેશા મારી સેવા કરશે. પણ હવે હું પ્રભુ કહું છું કે હવેથી એમ થશે નહિ. એને બદલે, જેઓ મને માન આપે છે તેમને હું માન આપીશ. પણ જેઓ મને તુચ્છ ગણે છે તેમને હું પણ તુચ્છ ગણીશ. 31 તો જો, હવે એવો સમય આવી રહ્યો છે જ્યારે હું તારા અને તારા પૈતૃક કુટુંબના બધા યુવાનોનો સંહાર કરીશ. જેથી તારા કુટુંબનું કોઈ વૃદ્ધાવસ્થા સુધી જીવશે નહિ. 32 તને દુ:ખ પડશે અને મારા નિવાસસ્થાનના દેશમાં ઇઝરાયલના લોકોને જે સર્વ આશિષો હું આપીશ તેમની તું ઈર્ષા કરીશ. પણ તારા કુટુંબમાંથી કોઈ વૃદ્ધાવસ્થા સુધી જીવશે નહિ. 33 “છતાં તારા વંશજોમાંથી એકને હું જીવતો રાખીશ અને તે યજ્ઞકાર તરીકે મારી સેવા કરશે. પણ તું અંધ બની જશે અને પોતાની બધી આશા ગુમાવી દેશે. તારા બીજા બધા વંશજો ભરજુવાનીમાં મૃત્યુ પામશે. 34 હોફની અને ફિનહાસ એ તારા બંને પુત્રો એક જ દિવસે મરશે અને એ પુરવાર કરશે કે હું જે બોલ્યો છું તે બધું સાચું છે. 35 મને વિશ્વાસુ અને મારી ઇચ્છાનુસાર વર્તનાર એવો એક યજ્ઞકાર હું પસંદ કરીશ. તેના વંશજો મારા અભિષિક્ત રાજાની સમક્ષ સેવા કરશે. 36 તારો કોઈ વંશજ બાકી રહી ગયો હોય તો તે એ રાજા પાસે જઈને પૈસા તેમ જ ખોરાક માગશે અને કંઈક ખાવાનું મળે તે માટે તે યજ્ઞકારોને મદદ કરવા દેવાની માગણી કરશે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide