૧ શમુએલ 19 - પવિત્ર બાઇબલ C.L.શાઉલ દ્વારા દાવિદની સતાવણી 1 શાઉલે તેના પુત્ર યોનાથાન અને તેના સર્વ અધિકારીઓને દાવિદને મારી નાખવાના પોતાના ઇરાદાની વાત કરી. પણ યોનાથાન દાવિદને ઘણો ચાહતો હતો. 2 અને તેથી તેણે તેને કહ્યું, “મારા પિતાજી તને મારી નાખવાની તક શોધી રહ્યા છે. આવતી કાલે સવારે સાવધાન રહેજે; ગુપ્ત જગ્યાએ જઈને સંતાઈ જજે. 3 તું જે ખેતરમાં સંતાયો હશે ત્યાં હું મારા પિતાજી સાથે આવીને ઊભો રહીશ અને તેમની સાથે તારા સંબંધી વાત કરીશ. મને કંઈ જાણવા મળશે તો હું તને એ વિષે માહિતગાર કરીશ.” 4 યોનાથાને શાઉલ આગળ દાવિદની પ્રશંસા કરતાં કહ્યું, “પિતાજી, તમારા સેવક દાવિદને તમે કંઈ ઈજા કરશો નહિ. તેણે તમારું કંઈ ભૂંડું કર્યું નથી. એથી ઊલટું, તેનાં સર્વ કાર્યોથી તમને લાભ થયો છે. 5 ગોલ્યાથને મારી નાખવામાં તેણે પોતાનો જીવ જોખમમાં નાખ્યો હતો, અને પ્રભુએ ઇઝરાયલને માટે મહાન વિજય હાંસલ કર્યો હતો. એ જોઈને તમે ખુશ પણ થયા હતા. તો પછી દાવિદનું વિના કારણ ખૂન કરીને તમે નિર્દોષ માણસનું લોહી વહેવડાવાનો અપરાધ શા માટે કરો છો?” 6 યોનાથાનનું સાંભળીને શાઉલે પ્રભુને નામે સોગંદ લીધા કે દાવિદને મારી નાખવામાં નહિ આવે. 7 તેથી યોનાથાને દાવિદને બોલાવીને એ બધું જણાવ્યું. પછી તે તેને શાઉલ પાસે લઈ ગયો અને દાવિદ પહેલાંની જેમ રાજાની સેવામાં રહ્યો. 8 પલિસ્તીઓ સાથે ફરીથી લડાઈ ફાટી નીકળી. દાવિદે તેમના પર ત્રાટકીને તેમનો એવો મોટો સંહાર કર્યો કે તેઓ તેની આગળથી ભાગ્યા. 9 એક દિવસે પ્રભુ તરફથી દુષ્ટાત્માએ આવીને શાઉલનો કબજો લીધો. શાઉલ હાથમાં ભાલો લઈને પોતાના ઘરમાં બેઠો હતો અને દાવિદ વીણા વગાડતો હતો. 10 શાઉલે ભાલા વડે દાવિદને ભીંત સાથે જડી દેવા પ્રયત્ન કર્યો પણ દાવિદ હટી ગયો અને ભાલો ભીંતમાં જડાઈ ગયો. દાવિદ નાસી છૂટયો. 11 એ જ રાત્રે દાવિદના ઘરની ચોકી કરવા અને બીજી સવારે તેને મારી નાખવા શાઉલે કેટલાક માણસો મોકલ્યા. દાવિદની પત્ની મીખાલે તેને ચેતવ્યો, “જો તું આજ રાત્રે નાસી નહિ જાય તો આવતીકાલે માર્યો જઈશ.” 12 મીખાલે તેને બારીમાંથી ઉતાર્યો અને તે નાસી છૂટયો. 13 પછી તેણે કુટુંબની તરાફીમ મૂર્તિઓ લઈને પથારી પર સુવાડી, તેને માથે બકરાના વાળમાંથી બનાવેલો તકિયો મૂકયો અને પછી તેને ઢાંકી દીધી. 14 શાઉલના માણસો દાવિદને પકડવા ગયા ત્યારે મીખાલે તેમને કહ્યું, “તે બીમાર છે.” 15 પણ શાઉલે દાવિદને લઈ આવવા તેમને પાછા મોકલ્યા. શાઉલે તેમને કહ્યું, “તેને તેની પથારીમાં અહીં લઈ આવો અને હું તેને મારી નાખીશ.” 16 તેમણે અંદર જઈને જોયું તો પથારીમાં કુટુંબની તરાફીમ મૂર્તિઓ અને તેના માથા આગળ બકરાના વાળનો તકિયો હતો. 17 શાઉલે મીખાલને કહ્યું, “મારા દુશ્મનને નાસી જવા દઈને તેં મને કેમ છેતર્યો છે?” મીખાલે જવાબ આપ્યો, “દાવિદે મને કહ્યું કે જો તું મને નાસી છૂટવામાં મદદ નહિ કરે તો હું તને મારી નાખીશ.” 18 દાવિદ નાસી છૂટીને રામામાં શમુએલ પાસે ગયો અને શાઉલના વર્તન વિષે બધું કહ્યું. પછી તે અને શમુએલ નાયોથમાં જઈને રહ્યા. 19 દાવિદ રામાના નાયોથમાં છે એવું શાઉલે સાંભળ્યું. 20 તેથી તેણે તેની ધરપકડ કરવા કેટલાક માણસો મોકલ્યા. તેમણે શમુએલની આગેવાની હેઠળ ગાનતાનમાં ભાવવિભોર થયેલા સંદેશવાહકોની ટોળી જોઈ. પછી ઈશ્વરના આત્માએ શાઉલના માણસોનો કબજો લીધો અને તેઓ પણ નાચવા તથા પોકારવા લાગ્યા. 21 શાઉલે એ વિષે જાણવા બીજા વધારે સંદેશકો મોકલ્યા, તો તેઓ પણ ગાનતાનમાં ભાવવિભોર થઈ ગયા. તેણે ત્રીજીવાર સંદેશકો મોકલ્યા અને તેઓ પણ તેમ કરવા લાગ્યા. 22 પછી તે પોતે રામા ગયો અને સેખુ પાસેના મોટા કૂવા પાસે આવી પહોંચ્યો. પછી તેણે પૂછયું, “શમુએલ અને દાવિદ ક્યાં છે?” ત્યારે તેને જવાબ મળ્યો, “તેઓ નાયોથમાં છે.” 23 તે ત્યાં જતો હતો ત્યારે ઈશ્વરના આત્માએ તેનો પણ કબજો લીધો અને તે છેક નાયોથ સુધી ભાવવિભોર થઈ ગાનતાન કરવા લાગ્યો. 24 તેણે પોતાના કપડાં કાઢી નાખ્યાં અને શમુએલની સમક્ષ ભાવવિભોર થઈ ગાનતાન કરવા લાગ્યો. તે આખો દિવસ અને આખી રાત નગ્નાવસ્થામાં પડી રહ્યો. તેથી કહેવત પડી કે, “શું શાઉલ પણ સંદેશવાહક છે?” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide