૧ શમુએલ 18 - પવિત્ર બાઇબલ C.L.1 શાઉલ અને દાવિદની વાતચીત પૂરી થઈ, એ પછી શાઉલનો પુત્ર યોનાથાન દાવિદ સાથે એકદિલ થઈ ગયો અને તે દાવિદ પર પોતાની જાત જેટલો જ પ્રેમ કરવા લાગ્યો. 2 તે દિવસથી શાઉલે દાવિદને પોતાની પાસે જ રાખ્યો અને તેના પિતાને ઘેર જવા દીધો નહિ. 3 યોનાથાને દાવિદ સાથે કરાર કર્યો, કારણ, તે દાવિદ પર પોતાના પ્રાણ સમાન પ્રેમ રાખતો હતો. 4 તેણે પોતાનો ઝભ્ભો, બખ્તર, તલવાર, ધનુષ્ય અને કમરપટ્ટો દાવિદને આપ્યાં. 5 શાઉલે સોંપેલા પ્રત્યેક કાર્યમાં દાવિદ કુશળતાપૂર્વક સફળ થતો અને તેથી શાઉલે તેને પોતાના લશ્કરમાં અફસર બનાવ્યો. શાઉલના માણસો અને તેના સર્વ અફસરોને તે ગમ્યું. શાઉલ દાવિદની ઈર્ષા કરે છે 6 દાવિદ પલિસ્તી ગોલ્યાથને મારીને પાછો ફર્યો તે પછી સૈનિકો પોતાને ઘેર પાછા આવતા હતા ત્યારે ઇઝરાયલનાં બધાં નગરોમાંથી સ્ત્રીઓ શાઉલને મળવાને આવી. તેઓ આનંદનાં ગીતો ગાતાં ગાતાં નાચતી હતી અને ખંજરી તથા વાંજિત્રો વગાડતી હતી. 7 તેમના ઉત્સવમાં સ્ત્રીઓએ આવું ગીત ગાયું, “શાઉલે માર્યા હજાર, દાવિદે માર્યા દસ હજાર.” 8 શાઉલને આ ગમ્યું નહિ અને તે ખૂબ ગુસ્સે થઈ ગયો. તેણે કહ્યું, “દાવિદને નવાજવાને માટે તેઓ દસ હજારનો ઉલ્લેખ કરે છે, પણ મારે માટે તો માત્ર હજારનો જ ઉલ્લેખ કરે છે. તે હવે રાજા બને એટલું જ બાકી છે.” 9 એમ તે દિવસથી તે દાવિદને ઈર્ષાની નજરે જોવા લાગ્યો. 10 બીજે દિવસે ઈશ્વરે મોકલેલા દુષ્ટાત્માએ શાઉલનો કબજો લીધો અને તે પોતાના ઘરમાં પાગલની જેમ બકવાસ કરવા લાગ્યો. દરરોજની માફક દાવિદ વીણા વગાડતો હતો અને શાઉલના હાથમાં ભાલો હતો. 11 હું તેને ભીંત સાથે જડી દઈશ, એવું વિચારીને શાઉલે દાવિદ પર ભાલો ફેંકયો. એવું બે વાર બન્યું, પણ બન્ને વખતે દાવિદ ઘા ચુકાવી બચી ગયો. 12 શાઉલને દાવિદની બીક લાગતી હતી. કારણ, પ્રભુ દાવિદ સાથે હતા, પણ તેમણે શાઉલનો ત્યાગ કર્યો હતો. 13 તેથી શાઉલે તેને પોતાની તહેનાતમાંથી દૂર કર્યો અને તેને સહસ્રાધિપતિ બનાવ્યો. દાવિદ તેના માણસોને લડાઈમાં લાવવા લઈ જવામાં આગેવાની આપતો 14 અને દાવિદ તેના સર્વ કાર્યમાં સફળ થતો. કારણ, પ્રભુ તેની સાથે હતા. 15 દાવિદની સફળતા જોઈને શાઉલ તેનાથી ગભરાતો હતો. 16 પણ ઇઝરાયલ અને યહૂદિયામાં સૌ દાવિદને ચાહતા, કારણ, લશ્કરી અવરજવરમાં તે એક સફળ આગેવાન હતો. દાવિદનું શાઉલની પુત્રી સાથે લગ્ન 17 પછી શાઉલે દાવિદને કહ્યું, “મારી મોટી પુત્રી મેરાબ છે. તું શૂરવીર અને વફાદાર સૈનિક તરીકે મારી સેવા કરીશ અને પ્રભુની લડાઈઓ લડીશ એ શરતે હું તેનું તારી સાથે લગ્ન કરાવીશ.” શાઉલના મનમાં એમ હતું કે એ રીતે પલિસ્તીઓ દાવિદને મારી નાખશે અને તેણે પોતે દાવિદને મારી નાખવો પડશે નહિ. 18 દાવિદે જવાબ આપ્યો, “હું કોણ, અને મારું કુટુંબ કોણ કે હું રાજાનો જમાઈ થાઉ?” 19 પણ મેરાબનું લગ્ન કરાવવાનો સમય આવ્યો ત્યારે દાવિદને બદલે મહોલાથના આદીએલ નામના માણસ સાથે તેનું લગ્ન કરાવવામાં આવ્યું. 20 પણ શાઉલની પુત્રી મીખાલ દાવિદના પ્રેમમાં પડી અને એ વિષે સાંભળીને શાઉલ ખુશ થયો. 21 તેણે મનમાં કહ્યું, “હું મીખાલનું દાવિદ સાથે લગ્ન કરાવીશ, તે તેને ફસાવશે અને તે પલિસ્તીઓને હાથે માર્યો જશે.” તેથી શાઉલે બીજીવાર દાવિદને કહ્યું, “તું મારો જમાઈ થશે.” 22 તેણે પોતાના અધિકારીઓને દાવિદની સાથે ખાનગીમાં આવી વાત કરવા હુકમ કર્યો: “રાજા તારા પર ખુશ છે. હવે તેની પુત્રી સાથે તારે લગ્ન કરવાની આ સારી તક છે.” 23 તેથી તેમણે દાવિદને એ કહ્યું અને તેણે જવાબ આપ્યો, “હું તો ગરીબ અને વિસાત વિનાનો છું. મારે માટે રાજાના જમાઈ બનવું એ કંઈ નાનીસૂની વાત છે?” 24 દાવિદે જે કહ્યું તે અધિકારીઓએ શાઉલને જણાવ્યું. 25 અને શાઉલે તેમને દાવિદને આવું કહેવા હુકમ કર્યો, “રાજા કન્યાની કિંમતમાં બીજું કંઈ નહિ પણ માત્ર આટલું જ માગે છે: તેમના દુશ્મનો પર વેર વાળવા માટે સો પલિસ્તીઓને મારી નાખીને પુરાવારૂપે તેમની જનનેદ્રિંયની ચામડી રજૂ કરવી.” દાવિદ પલિસ્તીઓના હાથે માર્યો જાય તે માટે શાઉલે એવો ઘાટ ઘડયો. 26 શાઉલે જે કહ્યું તે તેના અધિકારીઓએ દાવિદને જણાવ્યું અને રાજાના જમાઈ બનવાની વાતથી દાવિદ ખુશ થઈ ગયો. લગ્નના નિયત દિવસ અગાઉ દાવિદ અને તેના માણસોએ જઈને બસો પલિસ્તીઓને માર્યા. 27 તેણે તેમની જનનેદ્રિંયની ચામડી લઈને રાજાની સમક્ષ બધી ગણી બતાવી કે જેથી તે રાજાનો જમાઈ બને. તેથી શાઉલે પોતાની પુત્રી મીખાલનું દાવિદ સાથે લગ્ન કરાવ્યું. 28 શાઉલને સ્પષ્ટ રીતે ખબર પડી કે પ્રભુ દાવિદ સાથે હતા અને તેની પુત્રી મીખાલ તેના પર પ્રેમ કરતી હતી. 29 તેથી તે દાવિદથી વિશેષ ગભરાયો અને જીવનપર્યંત તેનો દુશ્મન રહ્યો. 30 પલિસ્તીઓનાં સૈન્ય આક્રમણ કરતાં તે દરેક વખતે શાઉલના બીજા અધિકારીઓ કરતાં દાવિદ વધારે સફળ થતો અને તેનું નામ ખૂબ જ લોકપ્રિય થઈ પડયું. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide