૧ શમુએલ 17 - પવિત્ર બાઇબલ C.L.ગોલ્યાથનો ઇઝરાયલીઓને પડકાર 1 પલિસ્તીઓનાં સૈન્યો યહૂદિયાના સોખો નામના નગરમાં યુદ્ધને માટે એકત્ર થયાં. સોખો અને અઝેકાની વચ્ચે ‘એફેસ-દામીમ’ એટલે ‘લોહિયાળ સરહદ’ નામની જગ્યાએ તેમણે છાવણી કરી. 2 શાઉલ અને ઇઝરાયલીઓએ એકત્ર થઈને પવિત્ર એલા વૃક્ષની ખીણમાં છાવણી નાખી, અને ત્યાં પલિસ્તીઓ સાથે લડવાને તૈયાર થયા. 3 પલિસ્તીઓએ એક પર્વત પર અને ઇઝરાયલીઓએ બીજા પર્વત પર લડાઈનો વ્યૂહ ગોઠવ્યો. વચ્ચે ખીણ હતી. 4 ગાથ નગરનો ગોલ્યાથ નામનો યોદ્ધો ઇઝરાયલીઓને પડકારવાને પલિસ્તીઓની છાવણીમાંથી નીકળી આવ્યો. તે આશરે ત્રણેક મીટર ઊંચો હતો. 5 તેણે તાંબાનો ટોપ અને 50 કિલોગ્રામ વજનનું તાંબાનું બખ્તર પહેર્યું હતું. 6 તેના પગે પણ તેણે રક્ષણને માટે તાંબાનું બખ્તર પહેર્યું હતું અને તેના ખભા પર તાંબાની કટાર લટક્તી હતી. 7 તેના ભાલાનો હાથો વણકરની શાળમાં કપડું વીંટવાના લાકડાના દાંડા જેટલો જાડો હતો અને ભાલાનું લોખંડનું ટોપચું સાત કિલો વજનનું હતું. એક સૈનિક તેની આગળ તેની ઢાલ લઈને ચાલતો. 8 ગોલ્યાથે ઊભા રહીને ઈઝરાયલીઓને પડકાર્યા, “તમે શું જોઈને લડવા માટે એકત્ર થયા છો? હું પલિસ્તી છું. તમે તો શાઉલના નોકર છો. તમારામાંથી એક માણસને મારી સાથે લડવા પસંદ કરો. 9 જો તે જીતી જાય અને મને મારી નાખે તો અમે તમારા ગુલામ બની જઈશું. પણ જો હું જીતું અને તેને મારી નાખું તો તમે અમારા ગુલામ બનશો. 10 હું અત્યારે જ ઇઝરાયલી સૈન્યને પડકાર ફેંકું છું. દ્વંદ્વયુદ્ધ માટે મને એક માણસ પૂરો પાડો.” 11 એ સાંભળીને શાઉલ અને તેના માણસો ગભરાઈને થરથરી ગયા. શાઉલની છાવણીમાં દાવિદ 12 દાવિદ યહૂદિયાના બેથલેહેમના એફ્રાથી કુળના યિશાઈનો પુત્ર હતો. યિશાઈને આઠ પુત્રો હતા અને શાઉલના અમલ દરમ્યાન તે વયોવૃધ થઈ ચૂકયો હતો. 13 તેના ત્રણ મોટા પુત્રો શાઉલની સાથે લડાઈમાં ગયા હતા. સૌથી મોટા પુત્રનું નામ એલિયાબ, બીજાનું નામ અબિનાદાબ, અને ત્રીજાનું નામ શામ્મા હતું. 14 દાવિદ સૌથી નાનો પુત્ર હતો. તેના ત્રણ મોટાભાઈઓ શાઉલની લશ્કરી સેવામાં હતા, 15 જ્યારે દાવિદ તેના પિતાનાં ઘેટાં ચરાવવાને વારંવાર બેથલેહેમ જતો. 16 ચાલીસ દિવસ સુધી રોજ સવારે અને સાંજે ગોલ્યાથ ઇઝરાયલને પડકારતો રહ્યો. 17 એક દિવસે યિશાઈએ દાવિદને કહ્યું, “દસ કિલો પોંક અને દસ રોટલીઓ લઈને તારા ભાઈઓ પાસે છાવણીમાં સત્વરે જા. 18 વળી, સેનાધિકારી માટે પનીરના આ દસ ટુકડા લઈ જા. તારા ભાઈઓની શું સ્થિતિ છે તેની ખબર કાઢી લાવ અને તું તેમને મળ્યો છે અને તેઓ મઝામાં છે તે દર્શાવવાને નિશાની લઈ આવ. 19 શાઉલ રાજા, તારા ભાઈઓ અને બીજા સર્વ ઇઝરાયલીઓ પવિત્ર એલા વૃક્ષની ખીણમાં પલિસ્તીઓ સાથે યુદ્ધમાં ઊતર્યા છે.” 20 બીજે દિવસે દાવિદ વહેલી સવારે ઊઠયો અને બીજાને ઘેટાંની સંભાળ સોંપીને યિશાઈના કહેવા પ્રમાણે ખોરાક લઈને ઉપડયો. યુદ્ધનો પોકાર કરતાં કરતાં ઇઝરાયલીઓ યુદ્ધની હરોળ પર જતા હતા તે જ વખતે તે છાવણીમાં આવી પહોંચ્યો. 21 પલિસ્તીઓ અને ઇઝરાયલીઓ યુદ્ધને માટે સાબદા થઈ સામસામે આવી ગયા. 22 પુરવઠા અધિકારી પાસે ખોરાક મૂકીને દાવિદ યુદ્ધભૂમિ પર પહોંચી ગયો અને તેના ભાઈઓ પાસે જઈને તેમને અભિવંદન કર્યું. 23 તે તેમની સાથે વાત કરતો હતો એવામાં ગોલ્યાથ નામના ગાથના પલિસ્તી યોદ્ધાએ તેમની સેનામાંથી બહાર આવીને અગાઉની જેમ ઇઝરાયલીઓને પડકાર ફેંકયો. 24 દાવિદે તે સાંભળ્યું. ગોલ્યાથને જોતાં જ ઇઝરાયલીઓ ભયથી નાસભાગ કરવા લાગ્યા. 25 તેઓ એકબીજાને કહેવા લાગ્યા, “પેલા યોદ્ધાને જોયો? તે ઇઝરાયલને પડકારવા ચઢી આવ્યો છે. તેને મારનારને રાજા સમૃદ્ધ બનાવશે, પોતાની પુત્રી સાથે તેનું લગ્ન કરાવશે અને તેના પિતાના કુટુંબને સર્વ રાજસેવા અને વેરામાંથી મુક્તિ આપશે.” 26 પોતાની પાસે ઊભેલા માણસોને દાવિદે કહ્યું, “આ પરપ્રજાના પલિસ્તીને મારી નાખનાર અને ઇઝરાયલના આ અપમાનને દૂર કરનાર વ્યક્તિને શું મળશે? જીવંત ઈશ્વરના સૈન્યનો તિરસ્કાર કરનાર આ પરપ્રજાનો પલિસ્તી કોણ છે?” 27 ત્યારે ગોલ્યાથને મારનાર વ્યક્તિને શું મળશે તે તેમણે તેને કહ્યું. 28 દાવિદના સૌથી મોટાભાઈ એલિયાબે તેને પેલા માણસો સાથે વાત કરતાં સાંભળ્યો. તે તેના પર ગુસ્સે થઈને બોલ્યો, “તું અહીં શું કરે છે? ત્યાં વેરાનમાં તારાં ઘેટાં કોણ સંભાળે છે? મને તારી ઉદ્ધતાઈ અને લુચ્ચાઈની ખબર છે. તું તો લડાઈ જોવા આવ્યો છે.” 29 દાવિદે કહ્યું, “મેં પૂછયું એમાં ખોટું શું કર્યું? હું પ્રશ્ર્ન પણ પૂછી ના શકું?” 30 તેણે બીજા માણસ પાસે એ જ પ્રશ્ર્ન પૂછયો અને દરેક વખતે તેને એક જ જવાબ મળ્યો. 31 કેટલાક માણસોએ દાવિદની એ વાત શાઉલને જણાવી. એટલે શાઉલે તેને બોલાવ્યો. 32 દાવિદે શાઉલને કહ્યું, “એ પલિસ્તીથી કોઈએ ગભરાવાની જરૂર નથી. આ તમારો સેવક જઈને તેની સાથે લડશે.” 33 શાઉલે કહ્યું, “ના, ના, તું તેની સાથે કેવી રીતે લડી શકે? તું છોકરો છે અને તે તો આજીવન યોદ્ધો છે.” 34 દાવિદે કહ્યું, “હું તમારો સેવક, મારા પિતાનાં ઘેટાં ચરાવતો ત્યારે સિંહ અથવા રીંછ આવીને ઘેટું ઉઠાવી જાય, 35 ત્યારે હું તેની પાછળ પડીને હુમલો કરતો અને ઘેટાંને બચાવી લેતો. જો સિંહ કે રીંછ મારા પર ત્રાટકે તો હું તેને ગળામાંથી પકડીને મારી નાખતો. 36 મેં સિંહ અને રીંછ માર્યા છે અને જીવંત ઈશ્વરના સૈન્યને પડકારનાર એ પરપ્રજાના પલિસ્તીના હું એમના જેવા જ હાલ કરીશ. 37 પ્રભુએ મને સિંહ અને રીંછથી બચાવ્યો છે, તે મને આ પલિસ્તીથી પણ બચાવશે.” શાઉલે કહ્યું, “ભલે જા. પ્રભુ તારી સાથે હો.” 38 તેણે દાવિદને પોતાનું કવચ પહેરવા માટે આપ્યું. તેણે દાવિદના માથા પર તાંબાનો ટોપ મૂકયો અને પહેરવાને બખ્તર આપ્યું. 39 દાવિદે બખ્તર પર શાઉલની તલવાર લટકાવી જોઈ અને ચાલવા પ્રયત્ન કર્યો, પણ ચાલી શક્યો નહિ. કારણ કે એ પહેરવા તે ટેવાયેલો નહોતો. તેણે શાઉલને કહ્યું, “આ બધું પહેરીને હું લડી શકીશ નહિ, હું તેનાથી ટેવાયેલો નથી.” તેથી તેણે તે ઉતારી મૂકયું. 40 તેણે પોતાની ઘેટાંપાળકની લાકડી લીધી અને ઝરણામાંથી પાંચ સુંવાળા પથ્થર લઈને પોતાની ઝોળીમાં મૂક્યા. પછી હાથમાં ગોફણ લઈને તે ગોલ્યાથનો સામનો કરવા ઉપડયો. ગોલ્યાથનો પરાજય 41 પેલો પલિસ્તી દાવિદ તરફ આવવા લાગ્યો, તેની ઢાલ ઊંચકનાર તેની આગળ ચાલતો હતો. તે નજીક આવતો ગયો. 42 દાવિદને બરાબર જોતાં જ ગોલ્યાથે તેને પડકાર્યો. કારણ, તે સુંદર અને દેખાવડો છોકરો હતો. 43 તેણે દાવિદને કહ્યું, “એ લાકડી શાને માટે છે? તું મને કૂતરો ધારે છે?” અને તે પોતાના દેવોને નામે દાવિદ પર શાપ વરસાવા લાગ્યો. 44 તેણે દાવિદને પડકાર ફેંકયો, “ચાલ, આવી જા, હું તારું શરીર માંસાહારી પશુઓને અને પક્ષીઓને ખાવા માટે આપીશ.” 45 દાવિદે ઉત્તર આપ્યો, “તું મારી સામે તલવાર, ભાલો અને કટાર લઈને આવે છે, પણ હું તો તેં જેમની નિંદા કરી છે તે ઇઝરાયલના ઈશ્વર, સેનાધિપતિ યાહવેને નામે તારી સામે આવું છું. 46 આજે જ પ્રભુ તને મારા હાથમાં સોંપી દેશે. હું તને હરાવીશ. તારું માથું કાપી નાખીશ અને પલિસ્તી સૈનિકોનું માંસ હિંસક પક્ષીઓ અને પશુઓને ખાવા માટે આપીશ. ત્યારે આખી દુનિયા જાણશે કે ઇઝરાયલના પ્રભુ જ ઈશ્વર છે. 47 અને અહીં સૌ જાણશે કે પોતાના લોકોને બચાવવાને તેમને તલવાર કે ભાલાની જરૂર નથી. યુદ્ધમાં હંમેશા તે જ વિજેતા છે અને તે તમને બધાને અમારા હાથમાં સોંપી દેશે.” 48 ગોલ્યાથ ફરીથી દાવિદની નજીક આવવા લાગ્યો અને દાવિદ તરત જ પેલા પલિસ્તી સાથે લડવાને તેની તરફ દોડયો. 49 દાવિદે પોતાની ઝોળીમાં હાથ નાખીને એક પથ્થર બહાર કાઢયો અને ગોફણ વીંઝીને તે ગોલ્યાથને માર્યો. એ પથ્થર તેના કપાળમાં વાગ્યો અને તેની ખોપરી તોડી નાખી અને ગોલ્યાથ જમીન પર ઊંધો પડી ગયો. 50 આમ દાવિદ તલવાર વિના ગોફણ અને પથ્થરથી પરપ્રજાના પલિસ્તી ગોલ્યાથ પર વિજયી થયો અને તેનો સંહાર કર્યો. 51 તે દોડીને તેની ઉપર ઊભો રહ્યો, ગોલ્યાથની તલવાર મ્યાનમાંથી ખેંચી કાઢી અને તેનું માથું કાપી નાખીને તેને મારી નાખ્યો. પોતાનો અગ્રેસર યોદ્ધો મરાયો છે એ જોઈને પલિસ્તીઓ ભાગ્યા. 52 ઇઝરાયલ અને યહૂદિયાના માણસો તેમની પાછળ પોકાર કરતા કરતા દોડયા અને છેક ગાથ અને એક્રોનના દરવાજાઓ સુધી તેમનો પીછો કર્યો. છેક ગાથ અને એક્રોન સુધી શઆરીમના માર્ગ પર પલિસ્તીઓ ઘવાઈને પડયા. 53 પલિસ્તીઓનો પીછો મૂકીને ઇઝરાયલીઓ પાછા ફર્યા અને તેમની છાવણીમાં લૂંટ ચલાવી. 54 દાવિદ ગોલ્યાથનું માથું યરુશાલેમ લઈ ગયો. પણ ગોલ્યાથનાં હથિયારો પોતાના તંબૂમાં રાખ્યાં. શાઉલ સમક્ષ દાવિદની ઓળખ 55 દાવિદને ગોલ્યાથ સામે લડવા જતો જોઈને શાઉલે પોતાના સેનાપતિ આબ્નેરને પૂછયું, “આબ્નેર, એ કોનો પુત્ર છે?” 56 આબ્નેરે જવાબ આપ્યો, “હે રાજા, આપના જીવના સમ હું જાણતો નથી.” શાઉલે કહ્યું, “તો જઈને શોધી કાઢ.” 57 તેથી ગોલ્યાથને મારી નાખીને દાવિદ છાવણીમાં પાછો ફરતો હતો ત્યારે આબ્નેર તેને શાઉલ પાસે લઈ ગયો. ગોલ્યાથનું માથું હજુ દાવિદના હાથમાં જ હતું. 58 શાઉલે તેને પૂછયું, “એ છોકરા તું કોનો પુત્ર છે?” દાવિદે જવાબ આપ્યો, “હું તમારા સેવક બેથલેહેમના યિશાઈનો પુત્ર છું.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide