૧ શમુએલ 16 - પવિત્ર બાઇબલ C.L.દાવિદનો રાજ્યાભિષેક 1 પ્રભુએ શમુએલને કહ્યું, “તું શાઉલ વિષે ક્યાં સુધી દુ:ખી થઈશ? મેં તેનો ઇઝરાયલના રાજા તરીકે નકાર કર્યો છે. તું એક શિંગડામાં થોડું ઓલિવનું તેલ લઈને જા. હું તને બેથલેહેમમાં યિશાઈ પાસે મોકલીશ. કારણ, તેના એક પુત્રને મેં રાજા થવા પસંદ કર્યો છે.” 2 શમુએલે કહ્યું, “હું એવું કઈ રીતે કરી શકું? શાઉલ એ જાણશે તો મને મારી નાખશે.” પ્રભુએ જવાબ આપ્યો, “તારી સાથે એક વાછરડી લે અને તું પ્રભુને બલિ અર્પવા આવ્યો છે એમ કહેજે. 3 યિશાઈને બલિ વખતે આમંત્રણ આપજે અને તારે શું કરવું તે હું કહીશ. હું કહું તે માણસનો તું રાજા તરીકે અભિષેક કરજે.” 4 શમુએલે પ્રભુની સૂચના પ્રમાણે કર્યું અને તે બેથલેહેમ ગયો. નગરના આગેવાનો તેને ધ્રૂજતાં ધ્રૂજતાં મળવા આવ્યા અને પૂછયું, “શું તમારું આગમન શાંતિકારક છે?” 5 તેણે જવાબ આપ્યો, “હા, તમારું કલ્યાણ થાઓ. હું પ્રભુને બલિ અર્પવા આવ્યો છું. પોતાને શુદ્ધ કરો અને મારી સાથે યજ્ઞમાં ચાલો.” યિશાઈ અને તેના પુત્રોને પણ તેણે શુદ્ધ કર્યા. કારણ, બલિ અર્પવાના સમયે તેણે તેમને પણ આમંત્રણ આપ્યું હતું. 6 તેઓ આવ્યા એટલે યિશાઈના પુત્ર એલિયાબને જોઈને શમુએલે મનમાં કહ્યું, “પ્રભુનો પસંદ કરેલો માણસ તેમની સમક્ષ છે.” 7 પણ પ્રભુએ તેને કહ્યું, “તેની ઊંચાઈ કે સુંદરતા તરફ ધ્યાન ન આપ. મેં તેનો નકાર કર્યો છે. કારણ, હું માણસની જેમ પસંદગી કરતો નથી. માણસો બહારના દેખાવ તરફ જુએ છે, પણ હું હૃદય તરફ જોઉં છું.” 8 પછી યિશાઈએ પોતાના પુત્ર અબિનાદાબને બોલાવીને શમુએલ આગળ રજૂ કર્યો. પણ શમુએલે કહ્યું, “ના, ઈશ્વરે તેને પણ રાજા તરીકે પસંદ કર્યો નથી.” 9 પછી યિશાઈ શામ્માને લાવ્યો. શમુએલે કહ્યું, “ઈશ્વરે તેને પણ પસંદ કર્યો નથી.” 10 એમ યિશાઈએ તેના સાતેય પુત્રોને શમુએલ આગળ રજૂ કર્યા અને શમુએલે તેને કહ્યું, “ના, ઈશ્વરે આમાંના એકેયને પસંદ કર્યો નથી.” 11 અને પછી શમુએલે તેને પૂછયું, “શું તારે હજી બીજા પુત્રો છે?” યિશાઈએ જવાબ આપ્યો, “હજી સૌથી નાનો બાકી છે. પણ તે ઘેટાં ચરાવવા બહાર ગયો છે.” શમુએલે યિશાઈને કહ્યું, “તેને અહીં બોલાવડાવ; તે આવે ત્યાં સુધી આપણે અર્પણ ચઢાવવાનું નથી.” 12 તેથી યિશાઈએ સંદેશક મોકલીને તેને બોલાવડાવ્યો. તે સુંદર અને તંદુરસ્ત જુવાન હતો અને તેની આંખો ચમક્તી હતી. પ્રભુએ શમુએલને કહ્યું, “આ જ તે છે. તેનો અભિષેક કર.” 13 શમુએલે ઓલિવ તેલ લઈને દાવિદનો તેના ભાઈઓની સમક્ષ અભિષેક કર્યો. એકાએક ઈશ્વરના આત્માએ દાવિદનો કબજો લીધો અને તે દિવસથી તેની સાથે રહ્યો. શમુએલ પાછો રામા ગયો. શાઉલના દરબારમાં દાવિદ 14 શાઉલ પાસેથી પ્રભુનો આત્મા જતો રહ્યો અને પ્રભુ તરફથી મોકલાયેલો એક દુષ્ટાત્મા તેને હેરાન કરતો હતો. 15 તેના સેવકોએ તેને કહ્યું, “અમે જોઈએ છીએ કે ઈશ્વર તરફથી મોકલાયેલો દુષ્ટાત્મા તમને હેરાન કરે છે. 16 તેથી અમને હુકમ આપો તો વીણા વગાડવામાં પ્રવીણ હોય એવા માણસને અમે શોધી કાઢીએ, જેથી જ્યારે તમારા પર દુષ્ટાત્મા આવે ત્યારે તે માણસ વીણા વગાડશે અને તમે પાછા સારા થઈ જશો.” 17 શાઉલે તેમને હુકમ કર્યો, “મારી પાસે એક સારો વીણાવાદક શોધી લાવો.” 18 તેના એક જુવાન નોકરે કહ્યું, “બેથલેહેમ નગરના યિશાઈનો એક પુત્ર નિપુણ વીણાવાદક છે. તે બહાદુર માણસ, સારો સૈનિક, સારો વક્તા ને સુંદર પણ છે. પ્રભુ તેની સાથે છે.” 19 તેથી શાઉલે યિશાઈ પાસે સંદેશકો મોકલીને કહેવડાવ્યું કે, “ઘેટાંની સંભાળ લેનાર તારા દીકરા દાવિદને મારી પાસે મોકલ.” 20 યિશાઈએ દ્રાક્ષાસવની એક મશક, એક લવારું અને એક ગધેડા પર ખોરાક લીધાં અને દાવિદની મારફતે શાઉલ પાસે મોકલ્યાં. 21 દાવિદ શાઉલ પાસે આવ્યો અને તેની સેવામાં જોડાયો. શાઉલને તેના પર ખૂબ પ્રેમ હતો અને તેણે તેને પોતાનાં શસ્ત્રો ઊંચકવા રાખ્યો. 22 પછી શાઉલે યિશાઈને સંદેશો મોકલ્યો, “દાવિદ મને ગમે છે. તેને અહીં મારી સેવામાં રહેવા દો.” 23 તે સમયથી દુષ્ટાત્મા શાઉલ પર આવતો ત્યારે દાવિદ તેની વીણા વગાડતો અને દુષ્ટાત્મા જતો રહેતો અને શાઉલને સારું લાગતું અને તે સાજો થઈ જતો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide