૧ શમુએલ 15 - પવિત્ર બાઇબલ C.L.અમાલેકીઓ વિરુદ્ધ લડાઈ 1 શમુએલે શાઉલને કહ્યું, “પોતાના ઇઝરાયલી લોક પર રાજા તરીકે તારો અભિષેક કરવા પ્રભુએ મને મોકલ્યો હતો. હવે સેનાધિપતિ પ્રભુના આદેશ પર ધ્યાન આપ. 2 ઇઝરાયલીઓ ઇજિપ્તમાંથી આવતા હતા ત્યારે અમાલેકીઓએ તેમનો સામનો કર્યો હતો. એ વાત ઈશ્વરે લક્ષમાં લીધેલી છે. 3 તેથી અમાલેકીઓ પર આક્રમણ કર અને તેમના સર્વસ્વનો પૂરેપૂરો નાશ કર. એકેય વસ્તુ બાકી રાખીશ નહિ. તેમનાં પુરુષો, સ્ત્રીઓ, કિશોરો, નાનાં બાળકો, બળદો, ઘેટાં, ઊંટ અને ગધેડાં એ બધાંને મારી નાંખ, કોઈને ય જીવતું જવા દઈશ નહિ.” 4 શાઉલે તેનાં લશ્કરી દળો બોલાવ્યાં અને તેલાઈમમાં તેમની હાજરી લઈને ગણતરી કરાવી, તો ઇઝરાયલમાંથી બે લાખ સૈનિકો અને યહૂદિયામાંથી દસ હજાર સૈનિકો હતા. 5 પછી તે અને તેના માણસો અમાલેકના નગરમાં ગયા અને છાપો મારવા માટે નદીના સૂકા પટમાં છુપાઈ રહ્યા. 6 તેણે કેનીઓને ચેતવણી આપી, “તમે અમાલેકીઓમાંથી નીકળી જાઓ, જેથી તેમની સાથે હું તમારો નાશ ન કરું, કારણ, ઇઝરાયલીઓ ઇજિપ્તથી આવ્યા ત્યારે તમે તેમના પ્રત્યે માયાળુ હતા. તેથી કેનીઓ નીકળી ગયા. 7 શાઉલે હવીલાથી ઇજિપ્તની પૂર્વમાં આવેલા શૂર સુધી અમાલેકીઓને માર્યા. 8 તેણે અમાલેકના રાજા અગાગને જીવતો પકડયો. પણ સર્વ લોકની ક્તલ કરી નાખી. 9 શાઉલ અને તેના માણસોએ અગાગને જીવતો રહેવા દીધો અને સર્વોત્તમ ઘેટાં, બળદો, વાછરડા, હલવાન અને સારી વસ્તુઓનો નાશ કર્યો નહિ. બિનઉપયોગી અને નકામી બધી વસ્તુઓનો નાશ કર્યો.” શાઉલ રાજા તરીકે નકારાયો 10-11 પ્રભુએ શમુએલને કહ્યું, “શાઉલને રાજા બનાવ્યાને લીધે મને દુ:ખ થાય છે, તેણે મારાથી વિમુખ થઈને મારી આજ્ઞાઓ પાળી નથી.” શમુએલ ગુસ્સે થયો અને તેણે આખી રાત પ્રભુને આજીજી કરી. 12 બીજે દિવસે વહેલી સવારે તે શાઉલને મળવા ઉપડયો. શમુએલને કહેવામાં આવ્યું કે શાઉલે ર્કામેલ જઈને પોતાને માટે સ્મારક બંધાવ્યું છે અને પછી ગિલ્ગાલ ગયો છે. 13 શમુએલ શાઉલને મળવા ગયો એટલે શાઉલે તેને અભિવંદન કર્યું, “પ્રભુ તમને આશિષ આપો, શમુએલ! મેં તેમની આજ્ઞા પૂરેપૂરી પાળી છે.” 14 શમુએલે કહ્યું, “તો પછી હું ઘેટાંની બેં બેં અને બળદોનું બરાડવું કેમ સાંભળું છું?” 15 શાઉલે જવાબ આપ્યો, “મારા માણસોએ અમાલેકીઓ પાસેથી તે મેળવ્યાં છે. તેમણે તમારા ઈશ્વર પ્રભુને અર્પણ ચઢાવવા માટે ઉત્તમ ઘેટાં અને બળદો રાખ્યાં છે, બાકીનાંનો તો અમે સંપૂર્ણ નાશ કર્યો છે.” 16 શમુએલે હુકમ કર્યો, “બસ, પ્રભુએ મને ગઈકાલે રાત્રે જે કહ્યું છે તે જ હું કહીશ.” શાઉલે કહ્યું, “કહો” 17 શમુએલે જવાબ આપ્યો, “જો કે તું પોતાને વિસાત વિનાનો ગણતો હતો તો પણ તને ઇઝરાયલનાં કુળોનો આગેવાન બનાવવામાં આવ્યો. પ્રભુએ તારો ઇઝરાયલના રાજા તરીકે અભિષેક કર્યો. 18 તેમણે તને એ દુષ્ટ અમાલેકીઓનો નાશ કરવા માટે મોકલ્યો. તેમનો બધાનો નાશ થાય ત્યાં સુધી લડવાને તેમણે તને કહ્યું હતું. 19 તો પછી તું તેમને કેમ આધીન થયો નથી? લૂંટ પર તૂટી પડીને તેં પ્રભુને ન ગમતું કેમ કર્યું છે?” 20 શાઉલે જવાબ આપ્યો, “હું પ્રભુને આધીન થયો છું. તેમના કહ્યા પ્રમાણે હું ગયો અને અગાગ રાજાને પકડી લાવ્યો અને બધા અમાલેકીઓને મારી નાખ્યા. 21 પણ મારા માણસોએ પકડેલાં ઉત્તમ ઘેટાં અને પ્રાણીઓ મારી ન નાખ્યાં. એને બદલે, અહીં ગિલ્ગાલમાં પ્રભુ તારા ઈશ્વરને અર્પણ ચઢાવવાને તેઓ તેમને લાવ્યા છે.” 22 શમુએલે કહ્યું, “પ્રભુ દહિનબલિ અને બલિદાનોથી પ્રસન્ન થાય છે કે તેમની વાણી પળાયાથી થાય છે? સાચે જ, બલિદાન કરતાં આજ્ઞાપાલન વિશેષ સારું છે અને ઘેટાંની ચરબીના અર્પણ કરતાં ઈશ્વરની વાણી પળાય તે વિશેષ યોગ્ય છે. 23 તેમની વિરુદ્ધ બંડ કરવું તે જાદુવિદ્યાના પાપ જેવું જ ખરાબ છે અને અભિમાન મૂર્તિપૂજા જેવું જ ભૂંડું છે. તેં પ્રભુની વાણી નકારી છે માટે તેમણે તને રાજા તરીકે નકાર્યો છે.” 24 શાઉલે જવાબ આપ્યો, “મેં પાપ કર્યું છે. પ્રભુની આજ્ઞા અને તમારી સૂચનાઓનું મેં પાલન કર્યું નથી. મારા માણસોથી ગભરાઈને તેમની ઈચ્છા પ્રમાણે મેં કર્યું. 25 પણ હવે હું આજીજી કરું છું કે મારા પાપની ક્ષમા આપો અને મારી સાથે પાછા ચાલો કે જેથી હું પ્રભુની ભક્તિ કરી શકું.” 26 શમુએલે કહ્યું, “હું તારી સાથે પાછો નહિ આવું. તેં પ્રભુની આજ્ઞા પાળી નથી અને તેમણે તને ઇઝરાયલના રાજા તરીકે નકાર્યો છે.” 27 પછી શમુએલ જતો રહેવાને પાછો ફર્યો કે શાઉલે તેના ઝભ્ભાની કિનારી પકડી અને તે ફાટી ગઈ. 28 શમુએલે તેને કહ્યું, “પ્રભુએ આજે ઇઝરાયલનું રાજ્ય તારી પાસેથી ફાડી લીધું છે અને તારા કરતાં વધારે સારા માણસને આપ્યું છે. 29 ઇઝરાયલના ગૌરવવાન ઈશ્વર જૂઠું બોલતા નથી કે નથી પોતાનું મન બદલતા, તે માણસ નથી કે પોતાનું મન બદલે.” 30 શાઉલે જવાબ આપ્યો, “મેં તો પાપ કર્યું છે. પણ મારા લોકના આગેવાનો અને સર્વ ઇઝરાયલની સમક્ષ મારું માન રાખો. મારી સાથે પાછા ચાલો. જેથી હું તમારા ઈશ્વર પ્રભુની ભક્તિ કરી શકું.” 31 તેથી શમુએલ તેની સાથે ગયો અને શાઉલે પ્રભુની ભક્તિ કરી. 32 શમુએલે હુકમ ક્રાયો, “અગાગ રાજાને અહીં મારી પાસે લાવો.” હવે મૃત્યુની કડવાશ જરૂર જતી રહી છે, એવું મનમાં વિચારતો અગાગ ભયથી કાંપતો કાંપતો આવ્યો. 33 શમુએલે કહ્યું, “તારી તલવારે ઘણી માતાઓને પુત્રહીન કરી છે. તેમ હવે તારી માતા પણ પુત્રહીન બનશે.” એમ તેણે ગિલ્ગાલમાં પ્રભુની વેદીની આગળ અગાગના કાપીને ટુકડા કર્યા. 34 પછી શમુએલ રામા ગયો અને શાઉલ રાજા પોતાને ઘેર ગિબ્યામાં ગયો. 35 શમુએલ જીવ્યો ત્યાં લગી તે શાઉલ રાજાને ફરી કદી મળ્યો નહિ, પણ તે તેને માટે દુ:ખી થતો હતો. શાઉલને ઇઝરાયલનો રાજા બનાવવા બદલ પ્રભુને દુ:ખ થયું. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide