૧ શમુએલ 14 - પવિત્ર બાઇબલ C.L.યોનાથાનનું સાહસ 1 એક દિવસે શાઉલના પુત્ર યોનાથાને પોતાના યુવાન શસ્ત્રવાહકને કહ્યું, “ચાલ, આપણે પલિસ્તીઓની છાવણીમાં ધૂસી જઈએ.” પણ યોનાથાને તેના પિતાને તે વિષે વાત કરી નહિ. 2 શાઉલે ગિબ્યાથી થોડે દૂર મિગ્રોનમાં દાડમના વૃક્ષ હેઠળ છાવણી નાખી હતી. તેની સાથે છસો માણસો હતા. 3 ઇખાબોદના ભાઈ અહીટૂબનો પુત્ર અહિયા એફોદ પહેરનાર યજ્ઞકાર હતો. અહિટૂબ તો શીલોમાંના પ્રભુના યજ્ઞકાર એલીના પુત્ર ફિનહાસનો પુત્ર હતો. યોનાથાન ગયો છે એવી માણસોને ખબર નહોતી. 4 પલિસ્તીઓની છાવણીમાં જવા માટે યોનાથાને જે ઘાટમાં થઈને પસાર થવું પડે તેમ હતું તેની બંને બાજુએ બે મોટા સીધા ચઢાણવાળા ખડક હતા, એકનું નામ બોસેસ અને બીજાનું નામ સેને હતું. 5 એક ખડક મિખ્માશની સામે ઘાટની ઉત્તર તરફ હતો અને બીજો ગિબ્યા સામે ઘાટની દક્ષિણ તરફ હતો. 6 યોનાથાને પેલા યુવાનને કહ્યું, “ચાલ, આપણે એ પરપ્રજાના પલિસ્તીઓની છાવણીમાં જઈ પહોંચીએ. પ્રભુ આપણી મદદ કરશે. જો પ્રભુ ઇચ્છે તો આપણે થોડા કે વધારે હોઈએ તો પણ આપણને વિજય મેળવવામાં કંઈ અવરોધ નડશે નહિ.” 7 યુવાને કહ્યું, “જેવી તમારી મરજી; તમે જે કંઈ કરો તેમાં હું તમારી સાથે છું.” 8 યોનાથાને કહ્યું, “ભલે, તે માણસો આપણને જુએ તેમ આપણે જઇએ. 9 જો તેઓ આપણને કહે કે અમે તમારી પાસે આવીએ ત્યાં લગી થોભો, તો આપણે જ્યાં હોઈએ ત્યાં જ થોભી જઈશું. 10 પણ જો તેઓ આપણને તેમની પાસે બોલાવે તો આપણે જઈશું. કારણ, પ્રભુ આપણને તેમના ઉપર વિજય પમાડશે તેનું એ ચિહ્ન થશે.” 11 તેથી તેઓ પલિસ્તીઓની નજરે પડયા. પલિસ્તીઓએ કહ્યું, “જુઓ, જુઓ, ગુફાઓમાં સંતાઈ ગયેલા કેટલાક હિબ્રૂ હવે બહાર આવે છે!” 12 પલિસ્તી સૈનિકોએ યોનાથાન અને યુવાનને બોલાવ્યા, “અહીં ઉપર આવો, અમે તમને કંઈક જણાવવા માગીએ છીએ.” યોનાથાને યુવાનને કહ્યું, “મારી પાછળ ઉપર આવ. કારણ, પ્રભુએ ઇઝરાયલને તેમની પર વિજય પમાડયો છે.” 13 યોનાથાન તેના ધૂંટણે પડીને ખડક ઉપર ચઢયો અને પેલો યુવાન તેની પાછળ ગયો. યોનાથાને પલિસ્તીઓ પર હુમલો કરીને તેમને પાડી દીધા અને યુવાને તેમને મારી નાખ્યા. 14 એ પ્રથમ ક્તલમાં યોનાથાન અને યુવાને એક ઝુંસરી જેટલી પહોળાઈ અને અર્ધા ચાસ જેટલી લંબાઈના વિસ્તારમાં લગભગ વીસ માણસો મારી નાખ્યા. 15 છાવણીમાં તેમ જ રણક્ષેત્રમાં સર્વ લોકો ભયથી ધ્રૂજી ઊઠયા. સર્વ પલિસ્તીઓ ગભરાઈ ગયા; સંરક્ષકો અને ત્રાટકનારા સૈનિકો પણ થથરી ગયા. ધરતી પણ ધ્રૂજી ઊઠી અને ચોમેર આતંક વ્યાપી ગયો. પલિસ્તીઓનો પરાજય 16 બિન્યામીનના કુળપ્રદેશમાં આવેલા ગિબ્યામાં શાઉલના ચોકીદારોએ પલિસ્તીઓનો સમુદાય વિખેરાઈ જતો અને તેમના લોકને આમતેમ નાસભાગ કરતા જોયા. 17 તેથી શાઉલે પોતાના માણસોને કહ્યું, “આપણા સૈનિકોની ગણતરી કરો અને આપણામાંનું કોણ નથી તે શોધી કાઢો.” તેમણે તપાસ કરી તો યોનાથાન અને તેનો યુવાન શસ્ત્રવાહક ખૂટતા હતા. 18 તેથી શાઉલે યજ્ઞકાર અહિયાને કહ્યું, “ઈશ્વરની કરારપેટી અહીં લાવો.” કારણ, તે વખતે કરારપેટી ઇઝરાયલી લોકો આગળ જતી. 19 શાઉલ યજ્ઞકાર સાથે વાત કરતો હતો તે દરમિયાનમાં પલિસ્તીઓની છાવણીમાં ઘોંઘાટ વધી ગયો. તેથી શાઉલે તેને કહ્યું, “રહેવા દો, અત્યારે હવે પ્રભુની સલાહ પૂછવાનો સમય નથી.” 20-21 પછી પૂરા ગૂંચવાડામાં પડી જઈ અંદરોઅંદર લડી રહેલા પલિસ્તીઓ સામે યુદ્ધ કરવા શાઉલ અને તેના સર્વ માણસો ગયા. પલિસ્તીઓના પક્ષમાં ભળી જઈ તેમની છાવણીમાં ગયેલા હિબ્રૂઓ શાઉલ તથા યોનાથાનના પક્ષમાં જોડાઈ ગયા. 22 પલિસ્તીઓ ભાગી રહ્યા છે એવું સાંભળીને એફ્રાઈમના પર્વતોમાં સંતાઈ રહેલા ઇઝરાયલીઓ પણ જોડાઈ ગયા અને પલિસ્તીઓ પર આક્રમણ કર્યું. 23 તે દિવસે ઈશ્વરે ઇઝરાયલનો બચાવ કર્યો અને બેથઆવેનની પેલે પાર સુધી જંગ જામ્યો. લડાઈ પછીના બનાવો 24 શાઉલે સોગંદ ખાઈને આવો હુકમ કર્યો હતો, “મારા શત્રુઓ પર હું વેર વાળુ ત્યાં સુધી આજે સાંજ સુધી જો કોઈ કંઈ ખોરાક લે તો તે શાપિત હો.” તેથી તે દિવસે ઇઝરાયલીઓ ભૂખથી નિર્ગત થઈ ગયા હતા. કોઈએ આખો દિવસ કંઇ ખાધું નહોતું. 25 તેઓ સૌ જંગલમાં આવ્યા અને જમીન પર બધે મધ પડેલું હતું. 26 વૃક્ષો પરના મધપૂડામાંથી મધ ટપકતું હતું, પરંતુ કોઈએ તે હાથથી ચાખ્યું પણ નહિ. કારણ, તેઓ સૌ શાઉલના શાપથી ડરતા હતા. 27 પણ પોતાના પિતાએ શાપ ઉચ્ચારીને લોકોને આપેલી ધમકી યોનાથાને સાંભળી નહોતી. તેથી પોતાની પાસેની લાકડી લંબાવીને મધપૂડામાં ખોસીને તેણે થોડુંક મધ ખાધું. તરત જ તેનામાં સ્ફૂર્તિ આવી. 28 એક માણસે કહ્યું, “બધાં માણસો ભૂખથી નિર્ગત છે, પણ તમારા પિતાજીએ અમને ધમકી આપી છે કે, ‘આજે જે કંઈપણ ખોરાક ખાય તે શાપિત હો.” 29 યોનાથાને જવાબ આપ્યો, “મારા પિતાજીએ આપણા લોકોને હેરાન કર્યા છે. જુઓ, મેં થોડુંક મધ ખાધું તેથી કેટલી સ્ફૂર્તિ આવી છે. 30 આપણા લોકોએ શત્રુઓને પરાજિત કર્યા ત્યારે મેળવેલી લૂંટમાંથી તેમણે ખાધું હોત તો કેવું મોટું પરિણામ આવ્યું હોત. તેમણે કેટલા બધા પલિસ્તીઓ માર્યા હોત.” 31 તે દિવસે ઇઝરાયલીઓ મિખ્માશથી માંડીને આયાલોન સુધી પલિસ્તીઓને મારતા ગયા. 32 ઇઝરાયલીઓ નિર્ગત થઈ ગયા હતા. તેથી તેઓ શત્રુ પાસેથી મેળવેલી લૂંટ પર તૂટી પડયા. તેમણે ઘેટાં, બળદો, અને વાછરડા લઈને સ્થળ પર જ કાપી નાખ્યા અને રક્તવાળું માંસ ખાવા લાગ્યા. 33 શાઉલને કહેવામાં આવ્યું, “જુઓ, લોકો રક્તવાળું માંસ ખાઇને ઈશ્વર વિરુદ્ધ પાપ કરે છે.” શાઉલે કહ્યું, “તમે છેતરપીંડી કરી છે. એક મોટો પથ્થર અહીં ગબડાવી લાવો.” 34 પછી તેણે હુકમ કર્યો, “લોકો મધ્યે જાઓ અને તેમને તેમના બળદ અને ઘેટાં અહીં લાવવા કહો. તેમણે તેમને અહીં કાપીને ખાવાનાં છે. રક્તવાળું માંસ ખાઈને પ્રભુ વિરુદ્ધ પાપ કરવાનું નથી.” તેથી તે રાત્રે તેમણે પોતાના બળદો લાવીને ત્યાં કાપ્યા. 35 શાઉલે ત્યાં પ્રભુને માટે સૌ પ્રથમ વેદી બાંધી. 36 શાઉલે પોતાના માણસોને કહ્યું, “ચાલો, આપણે ઊતરી પડીએ અને પલિસ્તીઓ પર આક્રમણ કરી સવાર સુધી તેના પર મારો ચલાવી તેમને બધાને ખતમ કરી નાખીએ.” કહ્યું, “તમને જે યોગ્ય લાગે તે કરો.” પણ યજ્ઞકારે કહ્યું, “આપણે પ્રથમ ઈશ્વરને પૂછી જોઈએ.” 37 તેથી શાઉલે ઈશ્વરને કહ્યું, “હું પલિસ્તીઓ પર હુમલો કરું? તમે અમને વિજય પમાડશો?” પણ ઈશ્વરે તે દિવસે જવાબ આપ્યો નહિ. 38 પછી શાઉલે લોકોના આગેવાનોને કહ્યું, “અહીં આવો. આજે શું પાપ થયું છે તે શોધી કાઢો. 39 ઇઝરાયલના ઉદ્ધારક જીવતા પ્રભુને નામે હું પ્રતિજ્ઞા કરું છું કે મારો પુત્ર યોનાથાન દોષિત હશે તો તેને પણ મારી નાખવામાં આવશે.” 40 પણ કોઈ કંઈ બોલ્યું નહિ. પછી શાઉલે તેમને કહ્યું, “તમે બધા ત્યાં ઊભા રહો. હું અને યોનાથાન અહીં ઊભા રહીશું.” તેમણે જવાબ આપ્યો, “તમને યોગ્ય લાગે તે કરો.” 41 શાઉલે ઇઝરાયલના ઈશ્વર પ્રભુને કહ્યું, “હે પ્રભુ, તમે મને આજે કેમ જવાબ આપ્યો નહિ? ઇઝરાયલના ઈશ્વર પ્રભુ મને પવિત્ર તક્તીથી જવાબ આપો. જો યોનાથાનનો અથવા મારો દોષ હોય તો ઉરીમથી જવાબ આપો. પણ જો તમારા લોક ઇઝરાયલનો દોષ હોય તો તુમ્મીમથી જવાબ આપો.” જવાબમાં યોનાથાન અને શાઉલનો નિર્દેશ થયો.પણ લોકો નિર્દોષ જણાયા. 42 પછી શાઉલે કહ્યું, “મારા અને મારા પુત્ર યોનાથાન વચ્ચે નિર્ણય આપો.” એટલે યોનાથાન પકડાયો. 43 પછી શાઉલે યોનાથાનને પૂછયું, “તેં શું કર્યું છે?” યોનાથાને જવાબ આપ્યો, “મેં લાકડીથી થોડું મધ ખાધું હતું. હું આ રહ્યો. હું મરવાને તૈયાર છું.” 44 શાઉલે તેને કહ્યું, “જો તને મારી નાખવામાં ન આવે તો ઈશ્વર મને મારી નાખો.” 45 પણ લોકોએ શાઉલને કહ્યું, “શું ઇઝરાયલને આવો મહાન વિજય પમાડનાર યોનાથાનને આજે મારી નાખવામાં આવશે? ના, ના, અમે જીવતા પ્રભુના સોગંદ ખાઈએ છીએ કે તેના માથાનો એક વાળ પણ વાંકો થશે નહિ. તેનું આજનું કાર્ય ઈશ્વરની સહાયથી જ થયું છે.” એમ લોકોએ યોનાથાનને મરતો બચાવ્યો. 46 શાઉલે પલિસ્તીઓનો પીછો કરવો મૂકી દીધો અને પલિસ્તીઓ પોતાના પ્રદેશમાં પાછા ગયા. શાઉલનું શાસન અને કુટુંબ 47 ઇઝરાયલનો રાજા બન્યા પછી શાઉલે તેના સર્વ શત્રુઓ એટલે કે મોઆબીઓ, આમ્મોનીઓ, અદોમીઓ, સોબાના રાજાઓ અને પલિસ્તીઓ સાથે યુદ્ધ કર્યાં. જ્યાં જ્યાં તે લડયો ત્યાં ત્યાં તેણે તેમને ભારે હાર આપી. 48 તેણે શૂરાતનપૂર્વક લડીને અમાલેકીઓને હરાવ્યા. તેણે ઇઝરાયલીઓને સર્વ હુમલાખોરોથી બચાવ્યા. 49 યોનાથાન, ઈસ્વી અને માલ્ખીશૂઆ શાઉલના પુત્રો હતા. તેની મોટી પુત્રીનું નામ મેરાબ અને નાની પુત્રીનું નામ મીખાલ હતું. 50 મહિમાસની પુત્રી અહિનોઆમ તેની પત્ની હતી. તેના કાકા નેરનો પુત્ર આબ્નેર તેનો સેનાપતિ હતો. 51 શાઉલનો પિતા કીશ અને આબ્નેરનો પિતા નેર અબીએલના પુત્ર હતા. 52 શાઉલ જીવ્યો ત્યાં સુધી પલિસ્તીઓ સાથે તેને ઉગ્ર જંગ ચાલુ રહ્યો. કોઈ પણ બળવાન કે બહાદુર માણસ તેને મળે તો તે તેને પોતાના લશ્કરમાં દાખલ કરી દેતો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide