૧ શમુએલ 13 - પવિત્ર બાઇબલ C.L.1 શાઉલ રાજા બન્યો ત્યારે તે (ત્રીસ) વર્ષનો હતો. તેણે (બેંતાલીસ) વર્ષ ઇઝરાયલ પર રાજ કર્યું. 2 શાઉલે ત્રણ હજાર ઇઝરાયલીઓને પસંદ કર્યા અને બાકીના બીજા સૌને છાવણીમાં વિદાય કર્યા. તેણે પોતાની સાથે મિખ્માશમાં અને બેથેલના પહાડીપ્રદેશમાં બે હજાર રાખ્યા અને તેના પુત્ર યોનાથાનની સાથે બિન્યામીનના કુળપ્રદેશમાં ગિબ્યામાં એક હજાર રાખ્યા. 3 યોનાથાને ગેબામાં પલિસ્તી સેનાપતિને મારી નાખ્યો અને સર્વ પલિસ્તીઓએ તે જાણ્યું. પછી શાઉલે હિબ્રૂઓને લડાઈમાં બોલાવવાને આખા દેશમાં રણશિંગડું ફૂંકવા સંદેશકોને મોકલ્યા. 4 શાઉલે પલિસ્તી સેનાપતિને ખતમ કરી દીધો છે અને પલિસ્તીઓ ઇઝરાયલીઓનો તિરસ્કાર કરે છે તે સર્વ ઇઝરાયલીઓને જણાવવામાં આવ્યું. તેથી લોકો શાઉલ પાસે ગિલ્ગાલમાં એકત્ર થયા. 5 પલિસ્તીઓ એકઠા થઈને ઇઝરાયલીઓ સાથે લડવા આવ્યા. તેમની પાસે યુદ્ધ માટે ત્રીસ હજાર રથો, 6000 ઘોડેસ્વારો અને સમુદ્ર કિનારાની રેતીના કણ જેટલા અસંખ્ય સૈનિકો હતા. તેમણે બેથ-આવેનની પૂર્વમાં મિખ્માશમાં છાવણી નાખી. 6 ઇઝરાયલીઓ પર ભીષણ હુમલો થયો અને તેઓ કટોકટીની પરિસ્થિતિમાં મૂકાઈ ગયા. તેમનામાંના કેટલાક ગુફાઓમાં, ખાઈઓમાં, ખડકોમાં, ખાડાઓમાં અને કોતરોમાં સંતાઈ ગયા. 7 બીજા કેટલાક યર્દન નદી ઓળંગીને ગાદ અને ગિલ્યાદના પ્રદેશોમાં જતા રહ્યા. શાઉલ હજુ ગિલ્ગાલમાં હતો અને તેની સાથેના લોકો ભયથી કાંપતા હતા. 8 શમુએલની સૂચના પ્રમાણે શાઉલે સાત દિવસ તેની રાહ જોઈ. પણ શમુએલ ગિલ્ગાલ આવ્યો નહિ. લોકો શાઉલને મૂકીને જતા રહેવા લાગ્યા. 9 તેથી શાઉલે તેમને કહ્યું, “દહનબલિ અને સંગતબલિ મારી પાસે લાવો.” તેણે દહનબલિ ચઢાવ્યો. 10 તે અર્પણ ચઢાવી રહ્યો તે પછી શમુએલ આવી પહોંચ્યો. શાઉલ તેને મળવાને અને આવકારવાને બહાર ગયો. 11 પણ શમુએલે તેને કહ્યું, “તેં આ શું કર્યું?” શાઉલે જવાબ આપ્યો, “મેં જોયું કે લોકો મને મૂકીને ચાલ્યા જાય છે અને તમારા કહ્યા પ્રમાણે તમે આવ્યા નહિ અને પલિસ્તીઓ મિખ્માશમાં એકઠા થયા છે. 12 તેથી મેં વિચાર્યું કે પલિસ્તીઓ ગિલ્ગાલમાં મારા પર હુમલો કરશે અને મેં પ્રભુને પ્રસન્ન કર્યા નથી. તેથી મારે મન કઠણ કરીને અર્પણ ચઢાવવાં પડયાં.” 13 શમુએલે જવાબ આપ્યો, “એમાં તેં મૂર્ખાઈ કરી છે. તેં તને તારા ઈશ્વર પ્રભુએ આપેલી આજ્ઞા પાળી હોત, તો તે તને અને તારા વંશજોને હંમેશને માટે ઇઝરાયલ પર રાજ કરવા દેત. 14 પણ હવે તારું રાજ ટકશે નહિ. પ્રભુએ પોતાને મનપસંદ માણસ શોધી કાઢયો છે અને પોતાના લોક પર તે તેને રાજા બનાવશે. કારણ, તું ઈશ્વરને આધીન થયો નથી. 15 શમુએલ ગિલ્ગાલથી બિન્યામીનના કુળપ્રદેશના ગિબ્યામાં ગયો. શાઉલ પોતાના સૈનિકો પાસે જતો હતો ત્યારે બાકી રહેલા લોકો તેની પાછળ ગયા. શાઉલે છસો માણસની બનેલી તેની ટુકડીની તપાસ કરી લીધી. 16 શાઉલ, તેનો દીકરો યોનાથાન અને તેમના માણસો બિન્યામીનના કુળપ્રદેશના ગિબ્યામાં રહ્યા. 17 પલિસ્તીઓની છાવણી મિખ્માશમાં હતી. પલિસ્તી સૈનિકોએ તેમની છાવણીમાંથી ત્રિપાંખિયો હુમલો કર્યો, એક ટુકડી શૂઆલ પ્રદેશના ઓફા તરફ ગઈ, 18 બીજી ટુકડી બેથહોરોન અને ત્રીજી ટુકડી સબાઈમની ખીણ અને વેરાનપ્રદેશની સામેની સરહદ સુધી ગઈ. 19 હવે આખા ઇઝરાયલમાં એકેય લુહાર નહોતો અને હિબ્રૂઓને તરવારો અને ભાલાઓ નહિ બનાવવા દેવાનો પલિસ્તીઓએ નિર્ધાર કર્યો હતો. 20 ઇઝરાયલીઓએ પોતાનાં હળની કોશ, કોદાળીઓ, કુહાડીઓ અને દાતરડાની ધાર કઢાવવા પણ પલિસ્તીઓ પાસે જવું પડતું. 21 હળની કોશ અને કોદાળીની ધાર કઢાવવા માટે એક સિક્કો અને કુહાડીની ધાર કઢાવવા તથા પરોણીને આર બેસાડવા માટે બે સિક્કા લાગતા. 22 તેથી યુદ્ધને દિવસે શાઉલ અને તેના પુત્ર યોનાથાન સિવાય બીજા કોઈ ઇઝરાયલી સૈનિક પાસે તલવાર કે ભાલો નહોતો. 23 મિખ્માશ ઘાટ સાચવવા માટે પલિસ્તી સૈનિકોની એક ટુકડી આવી પહોંચી.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide