Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ શમુએલ 12 - પવિત્ર બાઇબલ C.L.


શમુએલનો વિજયસંદેશ

1 શમુએલે ઇઝરાયલના લોકોને કહ્યું, “મેં તમારી વાત માની છે. તમારા પર રાજ કરવાને મેં રાજા નીમ્યો છે.

2 હવે એ રાજા તમારો અગ્રેસર છે. હું તો વૃદ્ધ થયો છું અને મને માથે પળિયાં આવ્યાં છે. વળી, મારા પુત્રો તમારી સાથે છે. મારી બાલ્યાવસ્થાથી આજ સુધી તમારી સમક્ષ મેં મારું જીવન ગુજાર્યું છે.

3 હું અહીં છું. જો મેં કોઈનું કંઈ ખોટું કર્યું હોય, તો પ્રભુ અને તેના પસંદ કરેલા રાજાની સમક્ષ અત્યારે જ મારી ઉપર આક્ષેપ મૂકો. શું મેં કોઈનો બળદ કે કોઇનું ગધેડું લીાાં છે? શું મેં કોઈને છેતર્યો છે કે કોઈના પર જુલમ કર્યો છે? પક્ષપાત કરવા માટે કોઈની પાસેથી મેં લાંચ લીધી છે? જો આમાનું મેં કાંઈપણ કર્યું હોય તો મેં જે લીધું હોય તે હું ભરપાઈ કરી આપીશ.”

4 લોકોએ જવાબ આપ્યો, “તમે અમને છેતર્યા નથી, અથવા અમારા પર જુલમ કર્યો નથી, કે કોઈની પાસેથી કંઈ લીધું નથી.”

5 શમુએલે જવાબ આપ્યો, “આજે હું તમને તદ્દન નિર્દોષ માલૂમ પડયો છું. પ્રભુ અને તેમણે પસંદ કરેલ રાજા તમારા સાક્ષી છે.” તેમણે કહ્યું, “તે તમારા સાક્ષી છે.”

6 શમુએલે વિશેષમાં કહ્યું, “મોશે અને આરોનને પસંદ કરનાર અને તમારા પૂર્વજોને ઇજિપ્તમાંથી છોડાવનાર તો પ્રભુ જ છે.

7 હવે તમે જ્યાં છો ત્યાં શાંતિથી ઊભા રહો. પ્રભુએ તમને અને તમારા પૂર્વજોને બચાવવાને જે સર્વ પરાક્રમી કામો કર્યાં તે યાદ કરાવતાં હું તમારા પરના આક્ષેપ ઈશ્વર સમક્ષ રજૂ કરીશ.

8 યાકોબ અને તેનું કુટુંબ ઇજિપ્તમાં ગયાં અને ઇજિપ્તીઓએ તેમના પર જુલમ ગુજાર્યો ત્યારે તમારા પૂર્વજોએ પ્રભુને સહાય માટે પોકાર કર્યો, એટલે તેમણે મોશે અને આરોનને મોકલ્યા. તેઓ તમને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યા અને આ દેશમાં વસાવ્યા.

9 પણ તેઓ પોતાના ઈશ્વર પ્રભુને ભૂલી ગયા. એટલે પ્રભુએ હાસોર નગરના સેનાપતિ સીસરાને, પલિસ્તીઓને અને મોઆબના રાજાને તમારા પૂર્વજો વિરુદ્ધની લડાઈમાં જીત પમાડી.

10 પછી તેમણે પ્રભુને મદદ માટે પોકાર કરીને કહ્યું, ‘તમારા તરફથી ફરી જઈને અને બઆલ દેવ તથા આશ્તારોથ દેવીની ભક્તિ કરીને અમે પાપ કર્યું છે. અમારા શત્રુથી અમને બચાવો અને અમે તમારી સેવાભક્તિ કરીશું.’

11 પ્રભુએ યરુબ્બાઆલ, બારાક, યિફતા અને શમુએલને મોકલ્યા. તેમણે તમને તમારી આસપાસના શત્રુઓથી બચાવ્યા અને તમે સલામતીમાં રહ્યા.

12 વળી, આમ્મોનનો રાજા નાહાશ તમારા પર હુમલો કરવાની તૈયારીમાં છે એ જોઈને તમે તમારા ઈશ્વર પ્રભુને રાજા તરીકે નકારીને મને કહ્યું, “અમારા પર રાજ કરવા અમારે રાજા જોઈએ.’

13 હવે તમે માગેલો અને પસંદ કરેલો રાજા અહીં છે, પ્રભુએ તે તમને આપ્યો છે.

14 તમે પ્રભુ તમારા ઈશ્વરનો ડર રાખો, તેમની સેવા કરો, એમનું સાંભળો અને તેમની આજ્ઞાઓ પાળો. તમે અને તમારો રાજા તેમને અનુસરો તો તમારું કલ્યાણ થશે.

15 પણ પ્રભુની વાણી નહિ સાંભળતાં તમે તેમની આજ્ઞાઓની અવજ્ઞા કરશો તો તમારા પૂર્વજોની જેમ તે તમારી વિરુદ્ધ પણ થઈ જશે.

16-17 તો ઊભા રહો, હવે તમે ઈશ્વરનાં મહાન કાર્ય જોશો. અત્યારે તો ઉનાળો છે, ખરું ને? હું પ્રાર્થના કરીશ એટલે ઈશ્વર મેઘગર્જના અને વરસાદ મોકલશે. એ જોઈને તમને ખબર પડશે કે રાજા માગીને તમે પ્રભુ વિરુદ્ધ મહાન પાપ કર્યું છે.”

18 તેથી શમુએલે પ્રાર્થના કરી અને એ જ દિવસે પ્રભુએ મેઘગર્જના અને વરસાદ મોકલ્યાં. પછી સર્વ લોકો પ્રભુ અને શમુએલથી ગભરાયા.

19 તેમણે શમુએલને કહ્યું, “તમે તમારા ઈશ્વર પ્રભુને પ્રાર્થના કરો કે જેથી અમે મરી જઇએ નહિ. અમારાં બીજાં સર્વ પાપ ઉપરાંત અમે રાજા માંગીને પણ પાપ કર્યું છે.”

20 શમુએલે જવાબ આપ્યો, “ગભરાશો નહિ; જો કે તમે આવું દુષ્કર્મ કર્યું છે તો પણ પ્રભુથી દૂર જશો નહિ, પણ તમારા પૂરા દયથી તેમની સેવા કરો.

21 જૂઠા દેવો પાછળ જશો નહિ. તેઓ ન તો તમને મદદ કરી શકે તેમ છે કે ન તો તમને બચાવી શકે તેમ છે; કારણ કે તે સાચા દેવો નથી.

22 પ્રભુ પોતાના નામની પ્રતિષ્ઠાને લીધે તમને તજી દેશે નહિ. કારણ, તેમણે તમને પોતાના લોકો બનાવવાનો નિર્ધાર કર્યો છે.

23 મારા સંબંધી ઈશ્વર એવું થવા ન દો કે હું તમારે માટે પ્રાર્થના કરવાનું મૂકી દઉં અને એમ પ્રભુની વિરુદ્ધ પાપ કરું; એને બદલે, તમારે માટે સારું અને સાચું શું છે તે હું તમને શીખવીશ.

24 પ્રભુનો ભય રાખો અને તમારા પૂરા દયથી તેમની વિશ્વાસુપણે સેવા કરો.

25 પણ જો તમે પાપ કર્યા કરશો તો તમે અને તમારો રાજા નાશ પામશો.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan